Western Times News

Gujarati News

એવર ગિવનને છોડવા માટે ઈજિપ્તે તોતિંગ વળતર માગ્યું

કાહિરા: ઈજિપ્તની સુએઝ નહેરમાં ફસાયેલા વિશાળકાય જહાજ એવર ગિવનને ભલે બહાર કાઢવામાં સફળતા મળી હોય પરંતુ હજુ તેને ઈજિપ્ત છોડવાની મંજૂરી મળી નથી. સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે જ્યાં સુધી જહાજનો માલિક વળતર તરીકે એક અબજ ડોલરની ચૂકવણી ન કરે ત્યાં સુધી જહાજને છોડવામાં આવશે નહીં. પ્રશાસનનું કહેવું છે કે લગભગ એક અઠવાડિયા સુધી જહાજ નહેરમાં ફસાયેલું રહ્યું હતું. જેના કારણે અનેક પ્રકારની પરેશાની વેઠવી પડી.

આથી જહાજના માલિક વળતર ચૂકવવું પડશે. બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ મુજબ સુએઝ કેનાલ ઓથોરિટીનું નેતૃત્વ કરનારા લેફ્ટેનન્ટ જનરલ ઓસામા રેબીએ કહ્યું કે જ્યાં સુધી મામલે તપાસ પૂરી ન થાય અને જહાજ એવર ગિવનની કંપની વળતર આપવા પર સહમત ન થાય ત્યાં સુધી જહાજ અહીં જ રહેશે. તેમણે કહ્યું કે જેવી કંપની વળતર ચૂકવવા માટે તૈયાર થાય જહાજને છોડી દેવાશે. રેબીએ કહ્યું કે એવર ગિવનને કાઢવામાં જે ખર્ચો થયો છે તેની જ માગણી સંબંધિત કંપની પાસે કરવામાં આવી રહી છે. રેબીએ કહ્યું કે ૨ લાખ ટનના જહાજને કાઢવામાં ખુબ ખર્ચો થયો છે. આ માટે મોટી મશીનોનો ઉપયોગ થયો.

૮૦૦ની આસપાસ લોકો કામે લાગ્યા. આ ઉપરાંત નહેરને પણ નુકસાન પહોંચ્યું. જેના માટે એક બિલિયન ડોલરની રકમ વધુ નથી. તેમણે કહ્યું કે દુનિયાના સૌથી વ્યસ્ત વેપારી માર્ગ સુએઝ નહેરમાં આ વિશાળ માલવાહક જહાજ એવર ગિવન ફસાઈ જવાથી બંને બાજુ જામ લાગી ગયો હતો અને ખુબ નુકસાન સહન કરવું પડ્યું. જેની ભરપાઈ જહાજની કંપનીએ કરવી પડશે. લંડન સ્થિત નાણાકીય ફર્મ રેવેનિટિવના જણાવ્યાં મુજબ જહાજ ફસાઈ જવાના કારણે ઈજિપ્તને ૯૫ ડોલર મિલિયનની ટ્રાન્ઝિટ ફીસનું નુકસાન સહન કરવું પડ્યું છે.

જાે કે હજુ પણ એ નક્કી નથી કે ઈજિપ્તની આ માગણી કોણ પૂરી કરશે. એવર ગિવનના જાપાની માલિક શૂઈ કિસન કાશા લિમિટેડનું કહેવું છે કે તેમને આ અંગે ઈજિપ્તના અધિકારીઓ પાસેથી કોઈ જાણકારી મળી નથી. જ્યારે એવરગ્રીન મરીન કોર્પના અધ્યક્ષ એવર ગિવનના ચાર્ટર એરિક હેશહએ કહ્યું કે કંપની કાર્ગોમાં વિલંબની જવાબદારીથી મુક્ત છે. કારણ કે તે વિમા દ્વારા કવર થવાનો છે. ૨૩ માર્ચે ૧૩૦૦ ફૂટનું એવર ગિવન એ વખતે અચાનક ચર્ચામાં આવી ગયું હતું જ્યારે તેના નહેરમાં ફસાઈ જવાના કારણે બંને બાજુ જબરદસ્ત ટ્રાફિક જામ થઈ ગયો હતો. ચાલક દળે જણાવ્યું હતું કે સુએઝ નહેરને પાર કરતી વખતે હવાના જાેરદાર બવંડરના કારણે શિપ ઘૂમી ગયું. ત્યારબાદ જ્યારે શિપને સીધું કરવાનો પ્રયત્ન કરાયો તો જહાજ વાંકુ થઈને નહેરમાં ફસાઈ ગયું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.