Western Times News

Gujarati News

ઇમરાન ખાન પાકિસ્તાનમાં જ ફસાઈ ગયા

હવે મુઝફ્ફરાબાદને બચાવવું પણ મુશ્કેલ બન્યુઃ પાક વિપક્ષ
ઇસ્લામાબાદ,  કાશ્મીરના મુદ્દા ઉપર દુનિયાભરમાં પીછેહઠનો સામનો કરી ચુકેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને હવે પોતાના ઘરમાં પણ કઠોર ટિકા ટિપ્પણીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલ ભુટ્ટોએ કહ્યું છે કે, આ સરકાર પૂર્ણરીતે ફ્લોપ રહી છે. ભુટ્ટોએ કહ્યું છે કે, મોદીએ કાશ્મીર આંચકી લીધું છે અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ઉંઘતા રહી ગયા છે. તેમણે કહ્યું છે કે, પહેલા અમારી નીતિ હતી કે, શ્રીનગર કઈરીતે હાંસલ કરવામાં આવે પરંતુ હવે મુઝફ્ફરાબાદને બચાવવું પણ મુશ્કેલ બની ગયું છે. ભુટ્ટોએ કઠોર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ઇમરાન ખાન ભારતીય વડાપ્રધાન સામે બોલવાની હિંમત પણ કરી શકતા નથી.

બિલાવલે ઇમરાન પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ઇમરાન ખાનને પાકિસ્તાનની પ્રજાએ નહીં બલ્કે કેટલાક લોકોએ કટપુતળી બનાવીને સત્તા પર બેસાડી દીધા છે. ઇમરાન સરકાર લીડરશીપના મામલામાં ફ્લોપ સાબિત થઇ છે. તેઓ વિપક્ષના નિર્ણયની પાછળ ચાલી રહ્યા છે. ઇમરાન ખાનની વ્યાપક ટિકા દેશભરમાં થઇ રહીછે. બિલાવલે કહ્યું હતું કે, દેશના લોકો ઇચ્છે છે કે, ઇમરાન ખાન લીડરશીપ દર્શાવે.

ઇમરાન ખાન હાલમાં માત્ર પસંદગીકારોને ખુશ કરી રહ્યા છે. અહીંની પ્રજા મોંઘવારીની સુનામીમાં ડુબી રહી છે. કાશ્મીર હાથમાંથી જતું રહ્યું છે. બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે, ઇમરાનને આ અંગે માહિતી હતી કે, ભારત કાશ્મીરના મામલામાં કયા નિર્ણય લેનાર છે છતાં પ્રજાને કોઇ માહિતી આપવામાં આવી ન હતી. ભાજપના ઢંઢેરામાં કાશ્મીરનો મામલો હતો. ઇમરાનને માહિતી હતી છતાં લોકોને જાણ કરવામાં આવી ન હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.