Western Times News

Gujarati News

રાજપારડીના બજારો તા.૧૫ થી ૧૮ મી સુધી સદંતર બંધ રાખવામાં આવશે

વધતા જતા કોરોના સંક્રમણને લઈને ગ્રામ પંચાયતનો નિર્ણય.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના મહત્વના વેપારી મથક  રાજપારડીમાં દિવસે દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યુ હોઇ,આજે ગ્રામ પંચાયત દ્વારા એક જાહેર નોટિસ બહાર પાડીને ગ્રામ પંચાયતની હદમાં આવતા તમામ લારી ગલ્લા અને દુકાનો બંધ રાખવા નિર્ણય લેવાયો હતો.રાજપારડીના કાર્યકારી સરપંચ પી.સી.પટેલ અને ગામ અગ્રણી ભુપતસિંહ કેસરોલાએ એક જાહેર નિવેદનમાં તા.૧૫ મી એપ્રીલને ગુરૂવારથી લઈને તા.૧૮ મી એપ્રીલને રવિવાર સુધી ગ્રામ પંચાયતની હદમાં આવતા તમામ લારી ગલ્લા અને દુકાનો બંધ રાખીને વેપારીઓને પુરો સહયોગ આપવા જણાવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે વિશ્વ વ્યાપી કોરોન‍ા મહામારીએ ગ્રામ્ય વિસ્તારોનો પણ ભરડો લીધો છે.ત્યારે ગ્રામીણ સ્તરે પણ વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર ચાંપતા પગલા ભરી રહ્યુ છે.

મળતી વિગતો મુજબ રાજપારડી નગર ઉપરાંત પંથકના ગામોમાં પણ કોરોના સંક્રમણ ઝડપ થી વધી રહ્યુ હોવાની વિગતો સામે આવી છે.રાજપારડી ગ્રામ પંચાયત દ્વારા ચાર દિવસ સુધી નગરના બજારો સંપૂર્ણપણે બંધ રાખવા બાબતે ગામમાં ટ્રેકટર ફેરવીને જાહેર એલાન કરવામાં આવ્યુ હતુ.ગ્રામ પંચાયતની અપીલને ગામના નાનામોટા વેપારીઓએ વધાવી લઈને સહકાર આપવા ખાત્રી આપી હતી.રાજપારડીની આસપાસના ગામોમાં ચાર દિવસ રાજપારડી બંધ રહેવાનું હોવાની ખબર ફેલાતા ગ્રામિણ જનતા જરૂરી વસ્તુઓની ખરીદી કરતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છેકે રાજપારડી પંથકમાં વધી રહેલા કોરોના સંક્રમણને અનુલક્ષીને રાજપારડી આરોગ્ય વિભાગ દ્વારા જનતાને જરુરી સલાહ અને સુચનો આપવામાં આવ્યા હતા.
 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.