Western Times News

Gujarati News

‘BAPS’ના યજ્ઞ પુરુષ સત્સંગ સ્થળે ગોત્રી હોસ્પિટલ સાથે સંલગ્ન 500 બેડની કોવીડ સારવાર સુવિધા અંશતઃ કાર્યરત

રાજ્ય સરકારના પીઠબળથી વડોદરામાં ગણતરી દિવસોમાં કુલ 1500 બેડની ક્ષમતાવાળી બે પેટા કોવીડ હોસ્પિટલોનું સફળ આયોજન શક્ય બન્યું …

સમરસ હોસ્ટેલ બની સયાજી હોસ્પિટલ સાથે સંલગ્ન સમરસ કોવીડ હોસ્પિટલ: આજથી દાખલ કરાશે દર્દીઓ…

ગુજરાત સરકાર હઠીલા કોવીડ સામે લોકોને રક્ષણ આપવા અને તેમનું આરોગ્ય સાચવવા સંકલ્પબદ્ધ છે.જિલ્લા અને મહાનગરોના વહીવટી તંત્રોને લોકહિતમાં જરૂરી હોય તેવી સુવિધાઓ સ્થાપવા સરકારે સંપૂર્ણ પીઠબળ આપ્યું છે.તેની પ્રતીતિ વડોદરામાં ગણતરીના દિવસોમાં સાકાર કરવામાં આવેલી પૂર્ણ કક્ષાની બે કોવીડ સારવાર સુવિધાઓ આપે છે.

રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી સતત વડોદરાની પરિસ્થિતિથી વાકેફ રહીને સારવાર સુવિધાઓના મજબૂતીકરણમાં છૂટા દોર સાથે પીઠબળ આપી રહ્યાં છે. તો લોકહિતરક્ષકની લોક પદવી પામેલા નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલ અને સ્થાનિક સાંસદ,ધારાસભ્યો અને મેયરશ્રી સહિત પદાધિકારીઓ સુવિધા વૃદ્ધિ શક્ય બનાવવામાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવને માર્ગદર્શન અને સહયોગ આપી રહ્યાં છે.

પરિણામે બેડની વધતી જતી માંગ ને પહોંચી વળવા બે વિશાળ અને સુવિધાઓ ધરાવતી નવી કામચલાઉ હોસ્પિટલોનું નિર્માણ શક્ય બન્યું છે જેના પરિણામે દાખલ દર્દીઓ માટે 1500 જેટલા બેડની સુવિધા વધશે.અને તેની સાથે શહેરની બે મુખ્ય સરકારી હોસ્પિટલો પરનું ભારણ ઘટશે.

આ પૈકી ‘બાપ્સ’ સંસ્થાના યથોચિત સહયોગથી અને જી.એમ.ઇ.આર.એસ.,હોસ્પિટલ,ગોત્રીને પેટા અથવા સેટેલાઇટ હોસ્પિટલ તરીકે અટલાદરા ના યજ્ઞપુરુષ સ્થળ ખાતે 500 બેડની કોવીડ હોસ્પિટલ અંશતઃ કાર્યરત થઇ ગઇ છે.
અહી તબક્કાવાર આઇ.સી. યુ.અને વેન્ટિલેટર કાર્યરત કરવાનું આયોજન છે.દર્દીઓ માટે રોકાણ સુવિધાજનક બનાવવા સેમી એર કન્ડીશનિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોવીડ ની સારવારમાં ઓક્સિજનનું ચાવી રૂપ મહત્વ છે.તેને અનુલક્ષીને પ્રવાહી ઓકસીજન સંગ્રહ ટાંકી બનાવવામાં આવી છે.

ગઈ કાલ સુધી જે સત્સંગ સ્થળ હતું એ આજે સરકારની નિષ્ઠા અને સંતોની કૃપાથી આરોગ્યધામ બન્યું છે. અહી શુક્રવારે 134 દર્દીઓ દાખલ હતા અને અત્યાર સુધીમાં સાજા થયેલા 23 જેટલાં દર્દીઓ ને રજા અપાઈ ચૂકી છે. એવી જ રીતે,મધ્ય ગુજરાતની સહુથી મોટી સયાજી હોસ્પિટલ ની સેટેલાઇટ હોસ્પિટલ તરીકે વિશાળ સમરસ હોસ્ટેલને સમરસ કોવીડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી રહી છે.

પ્રાથમિક તબક્કે અહી 500 પથારીની સુવિધા વિચારાઈ હતી પણ હવે 1000 પથારીઓ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જે પૈકી પ્રથમ તબક્કામાં 400 બેડ કાર્યરત કરવાની તૈયારીઓ પુરી થઈ ગઈ છે અને દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

અહી કુલ 650 ઓકસીજન બેડ,50 આઇસીયુ બેડ અને 300 નોન ઓક્સિજન બેડ રાખવાનું આયોજન છે. અહીં પણ ઓકસીજન સંગ્રહ ટાંકી,પાઇપ લાઇનો,વેપરાઈઝર યુનિટ જેવી સુવિધાઓ સ્થાપવામાં આવી છે. રાજ્ય સરકારના મક્કમ પીઠબળથી સાકાર થયેલી આ બે આરોગ્ય સુવિધાઓ ચોક્કસ રાહતરૂપ બની રહેવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.