Western Times News

Gujarati News

અછતની સ્થિતિમાં પણ ભારતે ઓક્સિજનની જંગી નિકાસ કરી

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર રુદ્ર રુપ ધારણ કરી ચૂકી છે અને તેના ગંભીર પરિણામો પણ દેશવાસીઓ ભોગવી રહ્યા છે. એવામાં સંક્રમણના વધી રહેલા કેસ વચ્ચે પાટનગર દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ઓક્સિજનની ભારે અછતથી હોબાળો મચી ગયો છે. કોરાનાના ગંભીર દર્દીઓની સારવારમાં ઓક્સિજનની મહત્વની ભૂમિકા છે, પરંતુ આવા સંકટમાં પણ ભારતે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પહેલા ૧૦ મહિનામાં ગત આખા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ની સરખામણીએ બેગણો ઓક્સિજન નિકાસ કર્યો છે. આ માહિતીનો ખુલાસો ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના આંકડા પરથી કરવામાં આવ્યો હતો.

હાલની પરિસ્થિતિ દર્શાવે છે કે, વિશ્વસ્તરે ભારત એવા ત્રણ દેશોમાં સામેલ છે જે કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત છે. એક મીડિયા રિપોર્ટ મુજબ એપ્રિલ ૨૦૨૦થી જાન્યુઆરી ૨૦૨૧ દરમિયાન ભારતે ૯૩૦૧ મેટ્રિક ટન ઓક્સિજનનો નિકાસ કરી ૮.૯ કરોડ રુપિયાની આવક કરી હતી. એની સરખામણીએ નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ ૪૫૧૪ મેટ્રિક ટન ઓક્સિજનનો નિકાસ કરાયો હતો જેનાથી ભારતને ૫.૫ કરોડ રુપિયાની આવક થઇ હતી.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ફરી વળેલી કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન ગંભીર સ્થિતિ પેદા થઇ છે અને સતત નવા કેસ વધી રહ્યા છે જેમાં મૃત્યુદર પણ બેકાબૂ છે. એવામાં મેડિકલ ઓક્સિજનની ભારે માંગ ઉઠી છે અને દેશના ઘણાખરા રાજ્યોમાં ઓક્સિજનની અછતની સ્થિતિ ઉભી થઇ ચૂકી છે. આવા અનેક રાજ્યો કેન્દ્ર સરકાર સમક્ષ ઓક્સિજન સપ્લાયની અપીલ કરી ચૂક્યા છે. જેમાં દિલ્હી સહિત મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા અનેક રાજ્યો સામેલ છે.

જાેકે આ સ્થિતિને પહોંચી વળવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સેલ, ટાટા સ્ટીલ આર્સેલર મિત્તલ નિપ્પન સ્ટીલ ઇન્ડિયા સહિત કેટલીક કંપનીઓએ ઓક્સિજન સપ્લાય માટે હાથ લંબાવ્યો છે. મંત્રાલય મુજબ સરકારી અને ખાનગી ક્ષેત્રની સ્ટીલ કંપનીઓના ૨૮ ઓક્સિજન પ્લાન્ટ રોજના ૧૫૦૦ ટન મેડિકલ ઓક્સિજનની સપ્લાય કરી રહ્યા છે. આ દરમિયાન ટાટા ગ્રુપે લિક્વિડ ઓક્સિજન લઇ જવા માટે ૨૪ ક્રાયોજેનિક કન્ટેનર આયાત કરવાનો ર્નિણય લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.