Western Times News

Gujarati News

હિંદુસ્તાનમાં વસ્તી વધારો ભગવાનની લીલા છે !!

પ્રતિકાત્મક તસવીર

“અમે બે… અમારાં બે… પણ પરિણામ ? અર્થ ન સર્યો !”: “થોડાંક વર્ષોમાં આ દેશની વસતી ક્યાં પહોંચશે એ વિષે લાપરવાહ થઈ જવું છે !!”: “લીડરનું કામ છે લીડ કરવાનું, અર્થાત્‌ લીડરે લોકોની આગળ ચાલીને માર્ગદર્શક બનવાનું છે ! પ્રજા પાછળ પાછળ ચાલે ! ભારતમાં નેતા એ છે જે પ્રજાની પાછળ પાછળ ચાલે છે !”

“આપણાં દેશનો સૌથી મોટો પ્રશ્ન ક્યો ?- આ સવાલના અનેક જવાબ હોઈ શકે છે. અલબત્ત મોટામાં મોટો પ્રશ્ન છે પરિવાર નિયોજન ! એ પ્રશ્ન છે લાલ ત્રિકોણ ! નાનું કુટુંબ સુખી કુટુંબ ! બે અથવા ત્રણ ! અમે બે, અમારાં બે ! બે.. બસ ! એક એવો સમય પણ હતો જ્યારે છાપાંઓના પાનાંઓ, સિનેમાની સ્લાઈડોમાં, સ્ટેશનો પર દિવાસળીના ખોખાની પાછળ બસની ટિકિટ ઉપર… કોઈ જગ્યા બાકી ન હતી.. પણ પરિણામ ?… અર્થ ન સર્યો !

મોંઘવારી, ગરીબી, બેરોજગારી, દુકાળ, દિશાહીનતા બધાનું કારણ ભલે ગમે તે હોય પણ મૂળમાં નથી લાગતું કે વસતીવધારો મોટું કારણ બની રહયું છે !? વર્ષો પહેલાં ‘રીધમ મેથડ’ને સરકારી આશીર્વાદ મળ્યા હતાં- પછી ‘લુપ’ લગાવવાની વાતો આવી ! પછી ‘નિરોધ’ નો ધોધ વહયો. પછી ‘નસબંધી’ અથવા વેસેકટોનોમી આવી ! એક અત્યંત જરૂરી અને સારો આશય, તદ્દન નાદાનીમાં બગડી ગયો ! અને ચૂંટણીમાં પડછાયા પછી.. બધા પક્ષો શીખી ગયા- દેશનું જે થાય તે થાય, પણ આ અંગે બોલવા જેવું નથી.

પ્રજાવાદી રાજકારણ, ચૂંટણીલક્ષી રાજકારણ આપણને કેટલા ચલિત કરી શકે છે એનો આ નમૂનો છે. હવે ભવિષ્યની ચિંતા નથી, આંકડાઓ જાવા નથી, ફાટતી આગની જેમ વધતી ગરીબી તરફ આંખો બંધ કરવી છે- વર્ષ ર૦રપમાં આ દેશની વસતી ક્યાં પહોંચશે એ વિષે લાપરવાહ થઈ જવું છે !! ઉપરવાળો બેઠો છે. એ હજાર હાથવાળો છે. એ સહાય કરશે. એ સહાય કરી જ રહયો છે ! આબધું જાણવા માટે આ લખાણની શું જરૂર છે ?

આંખો અને કાન ખુલ્લા રાખીને બે પગ પર ચાલનારો માણસ હિન્દુસ્તાનની સડકો પર આ વસ્તી વધારો અનુભવી શકે છે ! હિન્દુસ્તાનમાં વસ્તીવધારો ભગવાનની લીલા છે ! લોકોને કહેવા જઈએ તો લોકો વિચારી જ શકતા નથી. અને પરિણામ ગરીબ વધારે ગરીબ બનતો જાય છે ! અશિક્ષિત પરિવાર વધારે અશિક્ષિત બનતો જાય છે ! દેશની ચિંતા બરાબર છે પણ લોકોની ચિંતા લોકો કરી લેશે ! ભગવાન દરેકને કિસ્મત આપીને મોકલે છે. પણ એ કિસ્મતમાં બે ટંક ખાવાનું મળે જ એ જરૂરી નથી ! ભગવાનવાદીઓનું કહેવું છે કે કીડીથી કુંજર સુધી બધાને ખાવાનું મળી રહે છે.

ઉપરવાળાને ફિકર છે. એ એક મોઢું આપે છે તો બે હાથ પણ આપે છે ! સરસ ! લીડરનું કામ છે લીડ કરવાનું, અર્થાત્‌ લીડરે લોકોની આગળ ચાલીને માર્ગદર્શક બનવાનું છે. પ્રજા પાછળ પાછળ ચાલે ! ભારતમાં નેતા એ છે જે પ્રજાની પાછળ પાછળ ચાલે છે ! દેશ અને ભવિષ્ય કરતાં ખુરશી અને વોટ વધારે મહત્વનાં છે. નેતાઓ દેશને માટે જે યોગ્ય સમજે છે એ વોટ કે ચૂંટણીની ચિંતા કર્યા વિના કરી શકે છે. એ જ સાચા લીડરો છે !!

ખિડકીઃ
તમે ક્યારેક તો પોસ્ટ ઓફિસે ગયા હશો. પોસ્ટ ઓફિસ ભારતમાં સામાન્ય રીતે એક ઉદાસ જગ્યા છે ! પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલ્યા પછીની વેદના તો અનુભવી હોય અજ જાણે છે. આજે પણ બહુધા રજિસ્ટર કરવાની પ્રક્રિયામાં કોઈ જ આધુનિકતા આવી નથી ! પહેલાં રજિસ્ટર પોસ્ટના કાઉન્ટર પર ઉભા રહો…

બાબુ વજન કરીને કહેશે કે કેટલી ટિકિટ લાગશે ! પછી બીજી બે નંબરની લાઈનમાં ઉભા રહો ટિકિટો ખરીદવા ! ટિકિટો ખરીદીને ત્રીજી વાર મૂળ લાઈનમાં ઉભા રહી જાઓ પત્રને રજિસ્ટર કરાવવા માટે ! દરેક વસ્તુ વધારે ને વધારે ગૂંચવીને મૂકવામાં આવે છે કે જેથી પૂછપરછ કર્યા જ કરવું પડે !.. બાપદાદા કહી ગયા છે કે પૂછતા પૂછતા લંકા જ્વાય ! હિંદુસ્તાનમાં તો રઘુકૂલરીતિ પોસ્ટ ઓફિસમાં ચાલે છે અને વિચારવાનું બધું જ ઉપર પહેલે માળે લઈ ગયા છે !

સ્ફોટકઃ
જ્યારે જ્યારે વિમાન લેન્ડ થતું હોય ત્યારે લગભગ બધાજ પોતાની ધીરજ ગુમાવી દેતા હોય છે. એર હોસ્ટેસના ઈશારાઓ કે સૂચનાને અવગણીને પ્લેન ઉભું રહે એ પહેલાં જ બધા ઉભા થઈ જાય છે, જાણે રાષ્ટ્રગીત ગવાતું હોય ! પછી તો ધક્કા-મુક્કીની હરીફાઈ ચાલુ થાય ત્યારે થોડી સેકન્ડ માટે શ્રીનાથજીમાં દર્શન કરવા જતી વખતે ખાધેલો કોણીનો માર પણ યાદ આવી જાય !!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.