Western Times News

Gujarati News

વર્તમાનમાં જીવો અને જે ક્ષણ છે તેને માણી લો

પ્રતિકાત્મક

જિંદગીનો બહુ વિચાર ન કર ! ક્ષણનો વિચાર કર અને તેને માણી લે: અફસોસ કરવામાં જેટલો સમય ગુમાવો છો એટલી ક્ષણો જીવવામાં ગુમાવો છો

આપણે આપણી કલ્પના અને ઈચ્છા મુજબ જીવવુ હોય છે અને તે કંઈ ખોટુ પણ નથી. પણ આપણી કલ્પના સાકાર ન થાય ત્યાં સુધીનું શું ? ત્યાં સુધી જિંદગીને જીવવા જેવી બનાવી દો. જિંદગી દરેક વખતે આપણે ઈચ્છીએ તેમ ન ચાલે. ક્યારેક આપણે પણ એના નકશએ કદમ ચાલવુ પડે છે તું ચાલતો ખરો, ચાલવામાં આનંદ તો માણ, જિંદગી જીવવાની મજા આવવા માંડશે.

જિંદગી મસ્ત રીતે જીવવી હોય તો શું કરવું ? જિંદગીનો બહુ વિચાર ન કર, ક્ષણનો ખ્યાલ કર. આ ક્ષણને જીવી લે. જિંદગી વર્ષોની નહીં પણ ક્ષણોની બનેલી છે. એને માણી લો. અફસોસ કરવામાં જેટલો સમય જાય છે એટલી ક્ષણો જીવવામાં ગુમાવો છો. જીવવા માટે શું કરવું એ પણ વિચાર નહી જીવવા માંડ. જીવવાનું શરૂ કરવા ક્યાં કોઈ પ્લાનીંગની જરૂર છે પ્લાનીંગ કદાચ ખોટુ પડી શકે ! ધાર્યુ એવુ પરિણામ ન પણ થાય ! જીવવા માંડ પછી તને શું કરવુ એ વિચાર પણ આડો નહીં આવે.
મોટાભાગના લોકોને ક્યારેક તો એમ થતુ જ હશે કે જે રીતે જીવવુ જોઈએ એ રીતે હું જીવી શકતો નથી. તમને સમયના રંગમાં ઢળતા આવડે છે ? તો સમય તમારો ગુલામ છે. જિંદગી જીવવાની એક જ શરત છે કે કાં તો જિંદગીને તમારા ઉપર હાવી થઈ જવા દો અથવા તમે જિંદગી ઉપર સવાર થઈ જાવ. પસંદગી તો છેલ્લે આપણી જ હોય છે, આપણાં હાથમાં હોય એ આપણે બીજાના હાથમાં આપી દઈએ છીએ અને પછી બીજાનો વાંક કાઢવાનો કોઈ અર્થ રહેતો નથી.

ઘણી વખત આપણને કોઈ તકલીફ આવે ત્યારે એ કંઈક સારા માટે આવતી હોય છે. આપણાં મગજ ઉપર તકલીફ એટલી સવાર થઈ જાય છે કે આપણને બીજુ કઈ સુઝતુ જ નથી. સમય ક્યારેક ખરાબરૂપમાં આવે ત્યારે આપણને ખરાબ બાજુ વધુ દેખાય છે તેની સારી બાજુ દેખાતી જ નથી. પરંતુ સમય તમને એક ઓપ્શન પણ આપતો હોય છે. સમય કહે છેઃ “મારા એક જ રૂપને ન જા. જરાક પાછળ તો ફર મારો બીજો ચહેરો સુંદર છે અને જો તો મારો કદરૂપો ચહેરો તને ભૂલાઈ જશે !
સમય માણસના મનસૂબા ક્યારે ઉથલાવી દે એ કહેવાય નહિ. ઘડિયાળના ફરતા કાંટા ઓચિંતા આપણને અડફેટે લઈ લે છે. જેમ ઘડિયાળના કાંટા ફરતા બંધ થાય તો આપણે પાવર નાંખીને ફરી ઘડિયાળ ચાલુ કરી દઈએ છીએ. પણ આપણે તો સમયને જ કોસવાનું શરૂ કરી દઈએ છીએ. પણ પાવર બદલતા નથી.

સમયનું મૌન આપણને કેટલું સંભળાય છે ? પરંતુ એક વખત શાંત ચિતે બેસી વિચાર કરીએ તો જણાશે કે એ મૌન આપણને ઘણું બધુ શીખવી જાય છે. સમયનું મૌન આપણને સતત કહેતુ રહે છે કે, હું સરકી રહયો છુ, તમે મને જીવી લો. તમને ખબર પણ ન પડે તે રીતે સમય ચાલ્યો છે, સારો હોય કે ખરાબ સમય સતત સરકતો જ હોય છે પણ સારા સમય પછી જયારે ખરાબ સમય શરૂ થાય એટલે આપણે સમય ઉપર જ બળાપો કાઢીએ છીએ આપણે સારા સમયને રોકી શકતા નથી તે તો આપણને અનેકવાર ચેતવણી આપે છે મને રોકી લો તમારા માટે કે તમારા પોતાના માટે પણ આપણે તેને સમજી શકતા નથી અને એટલે જ ઘણી વખત આપણે કહેતા સાંભળીએ છીએ કે “સમય-સમય બળવાન” દરેક માણસે વિચાર કરવો જોઈએ કે હું આજ સુધી કેટલું જીવ્યો ! જિંદગી તો પસાર થવાની જ છે તમે એની સામે બૂમો પાડો કે એની સામે હસો એ તમારા ઉપર નિર્ભર છે કે તમે પસાર થતી જિંદગીને કેવી રીતે જીવો છો ? ઘણી વખત આપણે સાધુ-સંતોને સાંભળ્યા હશે તેઓ બસ એક જ વાત જણાવી રહયા છે કે વર્તનમાનમાં જીવો અને આ ક્ષણને માણો. આવુ દુનિયાની દરેક ફિલોસોફીમાં કહેવાયુ છે. જિંદગી જેવી છે તેવી એને પૂરેપૂરી જીવો. હા ! દરેક ક્ષણ કંઈ એક સરખી નથી રહેવાની એતો એના રંગ રૂપ બદલતી જ રહેવાની છે. તમારામાં એના રંગ-રૂપની સાથે બદલવાની આવડત અને તૈયારી છે ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.