Western Times News

Gujarati News

મામા-મામીએ લગ્નનું દબાણ કરતા ભાણીનો આપઘાત

માતાના મૃત્યુ બાદ પુત્રીને તેના મામા-મામી પોતાની સાથે રાખતા હતાઃ વધુ ભણવા માટે ઈચ્છુક કિશોરી પર લગ્ન કરાવવાનું દબાણ વધતા આખરે અંતિમ પગલુ ભર્યું

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં મહિલાઓ ઉપર અત્યાચારના સંખ્યાબંધ બનાવો વચ્ચે શહેરના નિકોલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે તેમાં પત્નિ ના મૃત્યુ બાદ મોટી પુત્રીને લઈ મામા- મામી તેના ઘરે રાખતા હતા અને પિતા સાથેનો સંબંધ સંપૂર્ણ કાપી નાંખવાના દબાણ સાથે રાખ્યા બાદ આ બાળકીને વધુ ભણવાની ઈચ્છા હોવા છતાં મામા-મામી દ્વારા તેના પર લગ્ન કરાવવા દબાણ કરતા હતા.

જેના પરિણામે આ કિશોરીએ પોતાના પિતાને સમગ્ર હકીકત જણાવી મામા-મામીના ત્રાસમાંથી મુક્તિ  અપાવવા આજીજી કરી હતી અને આખરે કિશોરીએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ હતી આ અંગેની જાણ થતાં પિતા દોડી આવ્યા હતા અને મરનાર બાળકીના મામા-મામી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા જ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે.

બેટી બચાવો બેટી પઢાઓના સરકારના અભિગમ વચ્ચે બનેલી આ ઘટનાથી લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અંગેની વિગત એવી છે કે ખેડા જિલ્લાના કપડવંજ પાસે ગંગાદાસ જીવાના મુવાડા ગામે રહેતા ભરત પુરૂષોત્તમદાસ મકવાણાના લગ્ન અમદાવાદમાં રહેતી ફાલ્ગુની સાથે થયા હતાં

લગ્ન જીવન દરમિયાન સૌ પ્રથમ પુત્રી ૧. રિધ્ધી અને ત્યારબાદ પુત્ર ધાર્મિકનો જન્મ થયો હતો લગ્નના થોડા વર્ષો બાદ બે સંતાનોનો જન્મ થયો હતો અને ત્યારબાદ ફાલ્ગુનીનું મૃત્યુ નીપજયું હતું. જેના પગલે ફાલ્ગુનીના પરિવારજનો કપડવંજ પહોચી ગયા હતા અને ત્યાં ભરત સાથે બોલાચાલી કરી મોટી પુત્રી રિધ્ધીને લઈને પરત આવી ગયા હતાં ફાલ્ગુનીના બે ભાઈઓ અમદાવાદમાં રહે છે.

જેમાં નાનો ભાઈ રોહિત મકવાણા નિકોલ વિસ્તારમાં આવેલી રંજન હાઈસ્કૂલ પાસે ન્યુ ગીરધરનગરમાં રહે છે રોહીત મકવાણા અને તેની  પત્નિ કપડવંજથી રિધ્ધીને ૮ વર્ષ પહેલા તેડીને પોતાના ઘરે લઈ આવ્યા હતાં અને પોતાની સાથે રાખી હતી.
રિધ્ધીને તેના પિતા સાથે મળવાની સખ્ત મનાઈ હતી અને તેની સાથે કોઈપણ જાતનો સંબંધ રાખવા દેવામાં આવતો ન હતો પુત્ર ધાર્મિક ભરત પાસે જ હતો

બીજીબાજુ રિધ્ધી માટે ભરત મકવાણા સતત ચિંતીત રહેતો હતો મામા-મામીની ના છતાં રિધ્ધી તેના પિતા ભરત સાથે સતત સંપર્કમાં હતી અને તે બંને ફોન પર અવારનવાર વાતચીત કરવા સાથે કયારેક રૂબરૂ પણ મળતા હતાં. છેલ્લા કેટલાક સમયથી રિધ્ધી ઉપર મામા-મામીનો ત્રાસ વધી ગયો હતો ૧૭ વર્ષની રિધ્ધી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને તેને આગળ ભણી પોતાના પિતાનું નામ રોશન કરવું હતું


પરંતુ મામા રોહિત મકવાણા અને મામી તેના ઉપર દબાણ કરતા હતા અને આગળ ભણાવવાની સ્પષ્ટ ના પાડી તેના પર લગ્ન માટે દબાણ કરતા હતાં જેનાથી રિધ્ધી માનસિક રીતે વ્યથિત બની ગઈ હતી તેણે લગ્ન કરવા માટે ઈન્કાર કર્યો હતો જેના પગલે મામા-મામીએ ત્રાસ ગુજારવાનો શરૂ કર્યો હતો.

લગ્ન માટે દબાણ થતાં જ રિધ્ધી માનસિક રીતે પડી ભાંગી હતી તા.ર૦.૮ ના રોજ રિધ્ધીએ તેના પિતા ભરત મકવાણાને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી જેના કારણે પિતા પણ ખુબ જ દુખી થઈ ગયા હતાં અને તેણે આશ્વાસન પણ આપ્યું હતું કે તને આ ત્રાસમાંથી મુકિત અપાવીશ. બીજીબાજુ મામા-મામીના ત્રાસથી રિધ્ધી ખૂબ જ કંટાળી ગઈ હતી.

તા.ર૦મીના રોજ રિધ્ધીએ પિતાને વારંવાર વિનંતી કરી હતી અને આ દરમિયાનમાં તેજ દિવસે રાત્રે ૯.૦૦ વાગ્યે ભરત મકવાણાના મોટા સાળા હિતેશ મકવાણાનો તેમની પર ફોન આવ્યો હતો કે રિધ્ધીએ ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો છે આ સમાચાર મળતા જ પિતા ભરત મકવાણા રડી પડયો હતો અને બીજે દિવસે તે અમદાવાદ આવી પહોંચ્યો હતો.

પુત્રીના આપઘાતના સમાચાર મળતા જ વ્યથિત પિતા ભરત મકવાણા અમદાવાદ આવી પહોંચતા તે સીધો જ પોતાની વ્હાલસોયી પુત્રીના અંતિમ દર્શન કરવા પહોંચ્યો હતો અને ત્યાં તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કરી અંતિમવિધિ માટે તૈયાર રખાયો હતો ભરત મકવાણા પહોંચ્યો ત્યારે પણ તેની સાથે તેના સાસરિયાઓ દ્વારા માથાકુટ કરવામાં આવી હતી અને તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

તેઓ આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઘટનાક્રમ વચ્ચે પિતા ભરત મકવાણાએ પોતાની વ્હાલસોયી પુત્રીની અંતિમવિધિ
કરાવી હતી ત્યારબાદ ભરત મકવાણાએ પોતાની પુત્રી પર જે ત્રાસ ગુજારવામાં આવતો હતો તે અંગે તેણે પોતાના પરિવારજનોને જણાવ્યું હતું રિધ્ધીએ ફોન પર જે હકીકતો જણાવી હતી તે તમામ હકીકતોથી પરિવારજનોને વાકેફ કરવામાં આવતા તેઓ ચોંકી ઉઠયા હતાં.

કપડવંજમાં ડ્રાયવર તરીકે કામ કરી પોતાના પુત્રનું ભરણપોષણ કરતા ભરત મકવાણાએ પુત્રીએ જણાવેલી હકીકતોના આધારે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો અને તે પરિવારજનો સાથે નિકોલ પોલીસ સ્ટેશન પહોચી ગયો હતો જયાં પોતાની મૃતક પુત્રી રિધ્ધીના મામા રોહિત મકવાણા અને તેની પÂત્ન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.