Western Times News

Gujarati News

અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારના રહીશો માટે 4.78 કરોડના ખર્ચે તૈયાર થયેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનો શુભારંભ

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવીન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરતાં ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા

30 બેડની સુવિધા ધરાવતું કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર આગામી સમયમાં 100 બેડ ક્ષમતા સાથે સજ્જ થશે

આ કોમ્યુનીટી હેલ્થ સેન્ટર અમદાવાદ પૂર્વના રહીશો માટે મિની સિવિલ હોસ્પિટલ સાબિત થશે :ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર સ્થિત વસ્ત્રાલ-આદિનાથ નગરમાં 4.78 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર નગરજનોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે.કોરોનાની સંભવીત ત્રીજી લહેરના આગોતરા આયોજન રૂપે તૈયાર થયેલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અમદાવાદ પૂર્વના રહીશો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે તેવો ભાવ શ્રી પ્રદિપસિંહે વ્યક્ત કર્યો હતો.

30 બેડની સુવિધાઓથી સજ્જ નવીન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર રહીશો માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સમોવડું સાબિત થશે તેમ જણાવી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં ગાયનેક, બાળરોગ સહિતના વિવિધ મેડીકલ વિભાગો તેમજ રેડીયોલોજી, લેબ ટેકનીશીયન જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું જણાવ્યું હતુ.

આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગ થી 10 કરોડના ખર્ચે કોમ્યુનીટી હેલ્થ સેન્ટરના પ્રવર્તમાન 30 બેડની ક્ષમતા વધારીને 100 સુધી કરવામાં આવશે તેવી મહત્વની જાહેરાત કરતા શ્રી પ્રદિપસિંહે કહ્યું કે, 100 બેડની કેપિસીટી ધરાવતી અમદાવાદ પૂર્વ વિસ્તારની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સાબિત થશે. જેનો લાભ અમદાવાદ પૂર્વ વિસ્તારના ગરીબ, શ્રમિક અને મધ્યમ વર્ગીય પરીવારો ને મહત્તમ થશે.

આ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં હાલની સ્થિતિએ ઉપલ્બધ તમામ 30 બેડને ઓક્સિજનની સેન્ટ્રલ લાઇન સાથે ટૂંક સમયમાં જોડવામાં આવશે.હોસ્પિટલ કેમ્પસમાં એક મીની ઓક્સિજન ટેંક પણ પ્રસ્થાપિત કરવામાં આવશે.

આજે શુભારંભ થયેલ નવીન કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં આગામી સમયમાં જરૂરિયાત પ્રમાણે તમામ આરોગ્યલક્ષી સુવિધાઓ માં વધારો કરવામાં આવશે અને તમામ જરૂરીયાત સ્તવરે પૂર્ણ થાય તે દિશામાં તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

ગૃહ રાજ્યમંત્રી શ્રી એ જૂના સંસ્મરણો વાગોળતા કહ્યું કે, 2012માં જ્યારે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ધારાસભ્યપદ સંભાળ્યું ત્યારે પૂર્વ વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર અને પાણીના કામની સાથે રહીશોની આરોગ્ય સુખાકારીને પણ પ્રાથમિકતા મળે અને સુવિધાઓ ઉપલબ્ધ બને તેવું દિવ્ય સ્વપ્ન જોયું હતું જેના પરિણામો અને મીઠા ફળો હવે મળતા થયા છે.

કોરોનાની બીજી લહેરથી થયેલ અનુભવના આધારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ના સંકલનથી રાજ્ય સરાકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણાર્થે તમામ આગોતરી તૈયારી હાથ ધરવામાં આવી છે.

નવીન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ શહેર મેયર શ્રી કિરીટભાઈ પરમાર, અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, અમદાવાદ શહેર શાસક પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશ બારોટ, દંડકશ્રી અરૂણસિંહ રાજપૂત, અમદાવાદ પૂર્વ વિસ્તારના સર્વે મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.