Western Times News

Gujarati News

અબ કી બાર પેટ્રોલ સો કે પારના સૂત્રો સાથે કોંગ્રેસના મોડાસામાં ધરણાં,૧૮ની અટકાયત, ભિલોડામાં મામલતદારને આવેદનપત્ર 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: દેશભરમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના પગલે આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. અરવલ્લી જીલ્લા કોંગ્રેસ અને મોડાસા શહેર કોંગ્રેસ દ્વારા પણ મોડાસા ચાર રસ્તા પર ઇંધણના ભાવ વધારાના મામલે વિરોધ પ્રદર્શન સાથે દેખાવો યોજાયા હતા.ચાર રસ્તા પર રોડ ચક્કાજામ કરતા વિરોધ પ્રદર્શન ટાણે ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી ભિલોડાના ધારાસભ્ય અને અગ્રણીઓએ હાલ પ્રવર્તમાન કોરોનાના કપરા કાળમાં અસહ્ય મોંઘવારી થી લોકોની સ્થીતી દયનીય બનતા પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસનો ભાવ વધારો પરત લેવામાં આવેની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું

છેલ્લા કેટલાક સમયથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. દેશના કેટલાક શહેરોમાં તો પેટ્રોલના ભાવ પ્રતિ લિટરે રૂપિયા 100ને વટાવી ગયો છે. સાથોસાથ ડીઝલના ભાવ પણ રોજ નવા ઊંચાસ્તરે પહોંચી રહ્યા છે. ઇંધણના વધતા ભાવના કારણે દેશમાં મોંઘવારી પણ અત્યંત ઝડપથી વધી રહી છે. શાકભાજી તેમજ અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધારા પાછળ વધી રહેલા ઇંધણના ભાવ પણ જવાબદાર છે.

એક સમયે ભાજપ જ્યારે વિપક્ષમાં હતો ત્યારે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ સામે ખૂબ આંદોલન ચલાવવામાં આવતું હતું. ત્યારે બીજી તરફ હાલ ભાજપ સત્તામાં છે તેમ છતાં પેટ્રોલ ડીઝલના ભાવને કાબૂમાં લઇ શકાતા નથી. હાલ એક તરફ વૈશ્વિક મહામારી કોરોનાની અસર વર્તાઈ રહી છે અને લોકોની આવક ઘટી રહી છે ત્યારે બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી સામાન્ય જન તકલીફમાં છે.

વર્તમાન પરિસ્થિતિને પગલે આજે કોંગ્રેસ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવનો વિરોધ કરી રહ્યું છે. જે અંતર્ગત આજે મોડાસા શહેરમાં ધારાસભ્ય રાજેન્દ્રસીંહ ઠાકોર અને અગ્રણીઓની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોડાસા ચાર રસ્તા પર પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વધારા મુદ્દે દેખાવ કર્યા હતા. વિપક્ષના આ કાર્યક્રમને પોલીસ વિભાગ દ્વારા મંજૂરી મળી ન હોવા છતાં યોજવામાં આવેલ કાર્યક્રમના પગલે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે દેખાવ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.