Western Times News

Gujarati News

અમદાવાદમાં રથયાત્રા કાઢવા મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા કર્યા બાદ સરકાર ર્નિણય લેશે : પ્રદિપસિંહ

અમદાવાદ: ગુજરાતમાં કોરોના હવે કાબૂમાં આવી રહ્યો છે. અમદાવાદમાં પણ સંક્રમણ હવે નિયંત્રણમાં છે. ત્યારે લોકોમાં એવી આશા બંધાઈ છે કે આ વર્ષે ૧૨ જુલાઈએ તો ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આજે રથયાત્રા અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે લોકોની લાગણી છે કે રથયાત્રા નીકળે. પરંતુ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે જળયાત્રા નિયત પ્રોટોકોલ મુજબ યોજાશે અને રથયાત્રાનો ર્નિણય કોરોનાની સ્થિતિની સમિક્ષા કર્યા બાદ લેવાશે. ગઈ કાલે મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપતાં કહ્યું હતું કે રથયાત્રા માટે યોગ્ય સમયે ર્નિણય લઈશું.

ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા કાઢવા માટે રાજય સરકાર અને મંદિર ટ્રસ્ટ સાથે મળીને ર્નિણય લેશે. જમાલપુર જગન્નાથ મંદિરે દર્શન માટે પહોંચેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્રસ્ટીઓ સાથેની મુલાકાત બાદ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેવી રથયાત્રા યોજવી તેનો ર્નિણય લેવામાં આવશે તેમ જણાવ્યું છે. રથયાત્રા પહેલા પરંપરાગત રીતે નીકળતી જળયાત્રા કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે યોજાશે. મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે તમામ લોકોની લાગણી છે કે રથયાત્રા નીકળે અને દર્શનનો લહાવો મળે.

આ વર્ષે સરકાર અને મંદિર ટ્રસ્ટ વચ્ચે ચર્ચા વિચારણા કરી અને ર્નિણય લેવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈન સાથે ઓછી સંખ્યામાં લોકોને રાખી જળયાત્રા યોજવામાં આવશે.પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બુધવારે રથયાત્રાની તૈયારીઓને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. રથયાત્રાને લઈ મંદિર તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારની મંજૂરી લેવાની છે. રથયાત્રા કાઢવા મામલે સોમવારે મંજૂરી માટે પોલીસ કમિસનરને મળી અરજી આપવામાં આવશે. પોલીસ અને સરકાર જે રીતે પરવાનગી આપશે એ રીતે રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રાને લઈ વર્ષોથી જે પરંપરા મુજબ ધાર્મિક વિધિઓ યોજાય છે એ કરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈન્સના પાલન સાથે તમામ વિધિ પૂર્ણ કરાશે.

આજે સવારે જમાલપુર સેન્ટ્રલ સ્ટોર ખાતે વેક્સિનેશન કેમ્પના ઉદઘાટન બાદ સેકટર ૧ જેસીપી રાજેન્દ્ર અસારીએ જગન્નાથ મંદિરમાં દર્શન કર્યાં હતાં. દર્શન કર્યાં બાદ સેક્ટર ૧ જેસીપી રાજેન્દ્ર અસારી, ડીસીપી ઝોન ૩ મકરંદ ચૌહાણ , એસીપી અને પીઆઇ સાજીદ બલોચે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે ચર્ચાવિચારણા કરી હતી.

પોલીસ કમિશનરની વીડિયો-કોન્ફરન્સ બાદ આજે જેસીપીએ મુલાકાત લેતાં હવે રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આજે ખલાસી ભાઈઓએ પણ મીટિંગ કરી હતી. ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથજીની ૧૪૩મી રથયાત્રા પહેલીવાર મંદિરની બહારની જગ્યાએ મંદિર પરિસરમાં જ ફરી હતી. કોરોનાને કારણે રથયાત્રા છેલ્લે સુધી કાઢવા મામલે સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ હતી. હાઇકોર્ટમાં પણ આ મામલે સુનાવણી યોજાઈ હતી.

બાદમાં છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો ર્નિણય લેવાયો હતો. ભગવાન જગન્નાથજીના રથને પહિંદવિધિ કરી અને મંદિરના ગેટ સુધી જ લઈ જવાયો હતો. ત્યાર બાદ ત્રણેય રથને મંદિરમાં જ ફેરવવામાં આવ્યા હતા અને ભક્તોનાં દર્શન માટે મૂકવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.