Western Times News

Gujarati News

સરદારનગરમાં પીસીબીનો દરોડો જુગારની કાર્યવાહી કરવા ગયેલી પોલીસને દારૂનો અડ્ડો પણ મળ્યો

દારૂ-જુગારની બે ફરીયાદ નોંધાઈ : ૧૮ પકડાયા : મુખ્ય સુત્રધાર ફરાર
(પ્રતિનિધિ) અમદાવાદ, સરદારનગર વિસ્તારમાં ગુરૂવારે મોડી રાત્રે પીસીબી (ગુના નિવારણ શાખા)એ બાતમીને આધારે દરોડા પાડયા હતા જેમાં મોટુ જુગારધામ તથા દારૂનો અડ્ડો મળી આવ્યો હતો પીસીબીએ કાર્યવાહી કર્યા બાદ દારૂ અને જુગાર અંગે બે ફરીયાદ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ અડ્ડાનો મુખ્ય સંચાલક હાલમાં ફરાર છે.

અમદાવાદ પોલીસ કમિશ્નરના સીધા તાબા હેઠળ આવતી પીસીબીની ટીમ સરદારનગર વિસ્તારમાં હતી ત્યારે સંતોષ ઉર્ફે પીન્ટુ શ્રીચંદ ગારંગે (બી વોર્ડ, જલારામ ટ્રેડર્સની ગલીમા, છારાનગર રોડ, કુબેરનગર) પોતાના ઘરમાં મોટાપાયે જુગારધામ ચલાવતો હોવાની બાતમી મળી હતી જેને પગલે પીસીબીની ટીમોએ મોડી રાત્રે સંતોષના ઘરે દરોડો પાડયો હતો

ત્યાંથી જુગાર રમાડતા નૌશાદઆલમ સગીરુદ્દીન શેખ સહીત નવ શખ્સોને ઝડપી લીધા હતા અને મોબાઈલ, રોકડ તથા અન્ય સામગ્રી સહીતનો ૯૦ હજાર રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

ઉપરાંત તપાસ દરમિયાન બીજા રૂમમાં દેશી દારૂનો અડ્ડો મળી આવ્યો હતો જયાંથી નવ શખ્સોને નશાની હાલતમાં ઝડપી લેવાયા હતા જયારે ઈંગ્લીશ દારૂની ર૧ બોટલો, ર૦૦ લીટર દેશી દારૂ, ર૦૦ લીટર વોશ સહીત ૬પ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

મુખ્ય સુત્રધાર સતીષ ઈરફાનખાન (સોનુના મકાનમાં, છારાનગર) સાથે મળીને દારૂ તથા જુગારનો અડ્ડો ચલાવતો હતો જયારે નૌશાદ દેખરેખ રાખતો હતો. પોલીસે ઈરફાન અને નૌશાદ સહીત અઢાર શખ્સોને ઝડપીને દારૂ તથા જુગારના બે કેસ કર્યા હતા જયારે ફરાર સતીષને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.