Western Times News

Gujarati News

મુંબઈમાં ૧૧ દિવસમાં વરસી ગયો મહિનાભરનો વરસાદ

Files Photo

ચોમાસું બેઠાના માત્ર ૧૧ દિવસમાં મુંબઈમાં વરસાદનો આંકડો ૫૦૫ મિ.મીના મહિનાના સરેરાશને પાર કરી ગયો

મુંબઈ: મહારાષ્ટ્રના પાટનગર અને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. સ્થિતિ એવી છે કે ચોમાસું બેઠાના માત્ર ૧૧ દિવસમાં જ વરસાદનો આંકડો ૫૦૫ મિલીમીટરના મહિનાના સરેરાશને પાર કરી ગયો છે. મુંબઈમાં ૫૬૫.૨ મિમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવાર રાતથી લઈને મંગળવાર સુધી મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ૨૦૦ મિમી વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગએ મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગિરીમાં રવિવાર માટે હાઇ અલર્ટ જાહેર કર્યું છે. રવિવારે મહારાષ્ટ્રના કેટલાક હિસ્સાઓમાં ૨૪ કલાકમાં ૨૦૪.૫ મિમી સુધી વરસાદની શક્યતા છે.

મંગળવાર સુધી શહેરના કોંકણ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ રહેશે. સાંતાક્રૂઝ સ્થિત વેધર સ્ટેશન મુજબ, શુક્રવાર રાત્રે ૮ઃ૩૦ વાગ્યા સુધી ૨૪ કલાકમાં મુંબઈમાં ૧૦૭ મિમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે બંગાળની ખાડી પર ઊભું થયેલું ઓછું દબાણવાળું ક્ષેત્ર ૧૧ જૂન શુક્રવાર સુધી પૂરી રીતે તૈયાર થઈ જશે. તેને કારણે દક્ષિણ-પશ્ચિમના ચોમાસાથી ભારે વરસાદ પડશે, જે શુક્રવાર રાતથી લઈને શનિવાર સવાર સુધી મહારાષ્ટ્રના લગભગ દરેક કાંઠા વિસ્તારોને કવર કરશે.

મુંબઈ શહેરના કોલાબા ઓબ્ઝર્વેટરીએ શુક્રવાર રાત્રે ૮ઃ૩૦ વાગ્યા સુધી ૨૪ કલાકમાં માત્ર ૨૩.૪ મિમી વરસાદ નોંધ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, ભારે વરસાદ બાદ પણ પીવાના પાણીની સપ્લાય કરનારા ૭ લેકમાં પાણીની અછત હજુ પણ છે. લેકોમાં કુલ ક્ષમતાની તુલનામાં પાણીનો સ્ટોક ૧૨.૬૮ ટકા છે. ગયા વર્ષે આ આંકડો ૧૩.૬૩ ટકા પર હતો. શહેરમાં પાણી ભાતસા, મધ્ય વૈતરણા, ઉપરી વૈતરણા, તાનસા અને મોદક સાગરથી આવે છે. તે થાણે અને નાસિક જિલ્લામાં છે. હવામાન વિભાગ તરફથી મળેલી ચેતવણી બાદ બીએમસી એક્શન મોડમાં આવી ગઈ છે.

નીચાણવાળા વિસ્તારો અને મીઠી નદીની પાસે રહેતા લોકોને અન્ય સ્થળે શિફ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ દરમિયાન વોર્ડ કાર્યાલયોને પડી ગયેલા વૃક્ષોને હટાવવાનું કામ આપવામાં આવ્યું છે. સાથોસાથ ઇમરજન્સી સ્થિતિ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી, ફાયર બ્રિગેડ, એનડીઆરએપી અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને તૈયાર રહેવા માટે કહેવમાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.