Western Times News

Gujarati News

યામીએ મમ્મીની ૩૩ વર્ષ જૂની સાડી પહેરીને ફેરા લીધા

મુંબઈ: એક્ટ્રેસ યામી ગૌતમે નજીકના પરિવારજનોની હાજરીમાં ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે ૪ જૂને લગ્ન કરી લીધા છે. યામી ગૌતમનો વેડિંગ લૂક એકદમ સિમ્પલ હતો અને લાલ સાડીમાં યામી ખૂબ જ સુંદર લાગતી હતી. શું તમને ખબર છે કે, યામીએ લગ્નમાં પહેરેલી લાલ સાડી ૩૩ વર્ષ જૂની છે? મીડિયા રિપોર્ટનું માનીએ તો, યામી ગૌતમે લગ્નમાં પોતાની મમ્મી અંજલિની ૩૩ વર્ષ જૂની સિલ્કની ટ્રેડિશનલ સાડી પહેરી હતી. સાડીમાં ગોલ્ડન વર્ક હતું.

સાડીનો બ્લાઉઝ પણ ગોલ્ડન વર્કવાળો અને મોટા ફૂલની ડિઝાઈનવાળો હતો. પોતાના બ્રાઈડલ લૂકને કમ્પ્લિટ કરવા માટે યામીએ લાલ રંગની ઓઢણી ઓઢી હતી. આ ઓઢણી યામીને તેના નાનીએ ગિફ્ટ આપી હતી. કોઈપણ લૂક જ્વેલરી વિના અધૂરો હોય છે. યામીએ લગ્નમાં ગોલ્ડ ચોકર સેટ, માંગ ટીકા અને કલિરા પહેર્યા હતા. યામી મૂળ હિમાચલપ્રદેશની છે ત્યારે તેણે લગ્ન દરમિયાન નાકમાં હિમાચલી નથણી પણ પહેરી હતી.

આ નથણી પણ યામીને તેના નાનીએ ગિફ્ટ આપી હતી. એકદંરે યામીના લગ્નમાં પોતીકાપણાની લાગણી હતી કારણકે કપડાં અને જ્વેલરી રૂપે તેની મમ્મી અને નાનીની વસ્તુઓ હતી. લગ્ન માટે યામીએ કોઈ મેકઅપ આર્ટિસ્ટ પાસે મેકઅપ નહોતો કરાવ્યો. તેણે જાતે જ પોતાનો મેકઅપ કર્યો હતો. સાથે જ યામીની હેરસ્ટાઈલ તેની બહેન સુરીલી ગૌતમે કરી આપી હતી. યામીનો લૂક અને મેકઅપ સિમ્પલ હતો છતાં પણ તે ખૂબ જ સુંદર લાગતી હતી.

જણાવી દઈએ કે, યામી અને આદિત્ય લાર્જર ધેન લાઈફ અથવા ગ્લેમરસ લગ્ન ઈચ્છતા નહોતા. તેઓ એકદમ નેચરલ અને પારંપારિક રીતે લગ્ન કરવા માગતા હતા. કપલના લગ્ન તેમના વતનમાં જ યોજાયા હતા. યામીના વેડિંગ પ્લાનર ગીતેશ શર્માએ જણાવ્યું કે, કપલે દેવદારના વૃક્ષ નીચે લગ્ન કર્યા હતા. લગ્નમંડપ ગલગોટાના ફૂલ અને કેળના પાનથી સજાવાયો હતો. બાકીનું આખું ડેકોર સફેદ રંગનું હતું. યામીની મહેંદી ઘરના આંગણામાં જ યોજાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.