Western Times News

Gujarati News

અમદાવાદ-મુંબઇ હાઇવે પર અકસ્માત -બે વાહન બળીને ખાખ, બેનાં મોત

વલસાડ જિલ્લાના પારડી નજીક અકસ્માતઃ રોંગ સાઇડમાં જતા વાહનને કારણે થયો અકસ્માત

અમદાવાદ, રાજ્યમાં અકસ્માતની ઘટના અટકવાનું નામ નથી લઇ રહી તેવું લાગી રહ્યું છે. અમદાવાદના ચકચારી હિટ એન્ડ રન બાદ મોડી રાત્રે વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે પર ત્રણ વાહન વચ્ચે એક ગોઝારો અકસ્માત થતાં બે લોકોના કમકમાટીભર્યાં મોત થયાં છે.

ગઇકાલે મોડી રાત્રે પારડી નજીક હાઇવે પર વાપી વલસાડ તરફથી એક ટેમ્પો રોંગ સાડિ પર આવતો હતો ત્યારે બે વાહન સામ સામે ધડાકા સાથે અથડાયા હતાં. જ્યારે અન્ય એક વાહન પાછળથી અથડાયુ હતું. આમ ત્રણેય વાહન એકબીજાને ધડાકા સાથે અથડાઇ પલટી મારી જતાં અક્સમાત સર્જાયો હતો.

અંકલેશ્વરથી મુંબઇ તરફ જઇ રહેલાં એક કન્ટેનરમાં કેમિકલ ભરેલું અને અન્ય એક ટેમ્પોમાં પ્લાસ્ટિક જેવો જ્વલનશીલ સામાન ભર્યો હોવાથી આગ બેકાબૂ બની હતી. અકસ્માતની આ ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે.

અકસ્માત બાદ બે વાહનમાં આગ લાગતા કલાકો સુધી અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. પારડી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સમયસર ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.

જ્યારે પોલીસે ટ્રાફિકને હળવો કર્યો હતો. પોલીસે બંને લાશને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી હતી અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ વાહનોમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.