Western Times News

Gujarati News

મ્યુનિ. કમિશ્નર અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે વેન્ટીલેટર ખરીદી માટે ઉગ્ર ચડભડ

પ્રતિકાત્મક

વર્લ્ડ બેંકના કામો માટે કન્સલ્ટન્ટની નિમણુંક કરવામાં આવીઃ હિતેશભાઈ બારોટ

(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોનાની બીજી લહેર દરમ્યાન ઓકસીજન અને વેન્ટીલેટરના અભાવે અનેક દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય તેવા આશયથી મ્યુનિ. કોર્પોરેટરોએ તેમના બજેટમાંથી રૂા.પાંચ-પાંચ લાખ ફાળવ્યા હતા

જે રકમનો હિસાબ સ્ટેન્ડીંગ કમીટીમાં માંગવામાં આવતા મ્યુનિ. કમિશ્નર અને સભ્યો વચ્ચે ચડભડ થઈ હતી. શહેરની સુઅરેજ સિસ્ટમ અપગ્રેડ કરવા વર્લ્ડ બેંક દ્વારા રૂા.ત્રણ હજાર કરોડની લોન આપવામાં આવશે જેના માટે કન્સલટન્ટ નિમણૂંકની દરખાસ્તને કમીટી દ્વારા મંજુર કરવામાં આવી છે. શહેરના કોર્પોરેટરો દ્વારા વેન્ટીલેટર ખરીદી માટે તેમના બજેટમાંથી રૂા.પાંચ-પાંચ લાખ ફાળવવામાં આવ્યા હતા.

કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદોના બજેટ અને મ્યુનિ. કોર્પોરેશન ફંડમાંથી રપ૦ નંગ વેન્ટીલેટર ખરીદ કરવામાં આવ્યા છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ભાજપના સભ્ય દ્વારા વેન્ટીલેટર ખરીદી અંગેની માહિતી પુછવામાં આવતા કમિશ્નરે સદ્‌ર ખરીદી “મેટ” દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું તેથી સ્ટેન્ડીંગ સભ્યો એ કમિશ્નર પર પસ્તાળ પાડી હતી

“મેટ” અલગ સંસ્થા છે તેમજ કોર્પોરેશન ફંડમાંથી ખરીદી કરવામાં આવી હોવાથી સ્ટેન્ડીંગ કમીટીની મંજુરી જરૂરી છે તેવી દલીલ કરવામાં આવી હતી તેથી કમિશ્નર અકળાઈ ઉઠયા હતા તેમજ મેટ માં હોદ્દાની રૂએ સ્ટેન્ડીંગ કમીટી, હેલ્થ કમીટી તથા હોસ્પીટલ કમીટી ચેરમેન પણ સભ્ય છે

તેથી તેની ચર્ચા સ્ટેન્ડીંગમાં કરવી જરૂરી નથી તેવો જવાબ આપતા ભાજપના સભ્યોમાં રોષ વ્યાપી ગયો હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ વર્લ્ડ બેંક તરફથી રૂા.ત્રણ હજાર કરોડની લોન આપવામાં આવશે જેના માટે કન્સલ્ટન્ટ નિમણુંકની દરખાસ્તોને મંજુરી આપવામાં આવી છે.

પૂર્વઝોનમાં ડ્રેનેજ ડીશીલ્ટીંગના કામને મંજુર કરવામાં આવ્યુ છે. પૂર્વ ઝોનના અમરાઈવાડી વોર્ડમાં આવેલા શ્રમિક ક્રાંતિ ગાર્ડન રૂા.૪૮.૪૧ લાખના ખર્ચથી રી-ડેવલપ કરવામાં આવશે. તદ્‌પરાંત પશ્ચિમ, ઉ.પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વૃક્ષારોપણ માટે રૂા.૮૮ લાખના ખર્ચથી ટ્રી-ગાર્ડ ખરીદ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.