Western Times News

Gujarati News

મહેસાણામાં મહિલાના હત્યા કેસમાં એકને આજીવન કેદ, અન્ય ૮ આરોપીને પાંચ વર્ષની સજા

Files Photo

મહેસાણા: મહેસાણા તાલુકાના પાંચોટ ગામમાં સાડા ચાર વર્ષ અગાઉ થયેલી મહિલાની હત્યા કેસમાં મુખ્ય આરોપી રબારી દિનેશ મોતીભાઈને આજીવન કેદ અને રૂ.૧૫ હજારનો દંડ તેમજ અન્ય ૮ આરોપીઓને પાંચ વર્ષ કેદ અને રૂ.૧ હજારનો દંડ ફટકાર્યો હતો. કુલ ૧૦ આરોપીઓ પૈકી એકનું મૃત્યું થયું છે. યુવતીને ભગાડી જવાની ફરિયાદની અદાવતમાં વર્ષ ૨૦૧૭માં થયેલી અથડામણમાં માથામાં ધારિયું વાગતાં મહિલાનું મોત થયું હતું. પાંચોટ ગામના રબારી જયેશભાઈ અમરતભાઈની બહેનને ગામનો જ રબારી દિનેશભાઈ મોતીભાઈ ભગાડી ગયો હતો.

જે અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી હતી. જેની અદાવતમાં તા.૧૦-૨-૨૦૧૭ના રોજ રબારી દિનેશ મોતીભાઈ સહિત ૧૦ જેટલા શખ્સોએ હાથમાં ધારિયું, તલવાર, લાકડી જેવા હથિયારો સાથે જયેશભાઈ રબારીના ઘરે હુમલો કર્યો હતો. આ હુમલામાં જયેશભાઈને ધારિયું અને તલવાર મારતાં ઈજા પહોંચી હતી. જ્યારે દિનેશ રબારીએ જયેશભાઈનાં દાદી લીલુબેન માંડણભાઈને માથામાં ધારિયું મારતાં ગંભીર ઇજા પહોંચતાં તેમને મહેસાણા સિવિલમાં પ્રાથમિક સારવાર આપી અમદાવાદ સિવિલમાં રીફર કરાયાં હતાં. બાદમાં મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી

તે દરમિયાન તેમનું મોત થયું હતું. આરોપીઓએ એક્ટિવાની તોડફોડ કરી ખાટલો પણ સળગાવી દીધો હતો. આ ઘટના મામલે રબારી દિનેશ મોતીભાઇ સહિત ૧૦ શખ્સો સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.આ કેસ મહેસાણા સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સંજયભાઈ આર. પટેલની દલીલો ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ એ.એલ. વ્યાસે રબારી દિનેશ મોતીભાઈને કલમ ૩૦૨ હેઠળ આજીવન કેદ અને રૂ.૧૫ હજારનો દંડ ફટકાર્યો હતો.

જ્યારે અન્ય ૮ આરોપીને કલમ ૪૩૫ હેઠળ પાંચ વર્ષ કેદ અને રૂ.૧ હજાર દંડની સજા કરી હતી. તેમજ આરોપી રબારી ખોડા અમીભાઈ મરણ ગયા હતા. આ કેસમાં સરકારી વકીલે ૨૦ જેટલા સાક્ષી તપાસ્યા હતા, જેમાં મૃતકનું મરણોત્તર નિવેદન લેનાર મામલતદારને પણ તપાસ્યા હતા.સજા પામેલા આરોપીઓમાં૧.રબારી દિનેશ મોતી (આજીવન કેદ) ૨.રબારી ભાવેશ મોતીભાઈ ૩.રબારી મગન અમીભાઈ ૪.રબારી જીગર મગનભાઈ ૫.રબારી સેંધા નાગજીભાઈ ૬.રબારી રમેશ સોમાભાઈ ૭.રબારી ધીરજ સોમાભાઈ ૮.રબારી કનુ નાગજીભાઈ ૯.રબારી ભરત ખોડાભાઈનો સમાવેશ થાય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.