Western Times News

Gujarati News

નર્મદા ડેમના ૨૪ ગેટ સૌપ્રથમ વખત ૪.૧ મીટર સુધી ખુલ્યા

File

ગોલ્ડન બ્રિજ ઉપર નર્મદા નદીની સપાટી ૩૦ ફૂટે પહોંચી ૩૫૦થી વધુ લોકોનું સ્થળાંતરઃ અંબિકાની સપાટી વધી
અમદાવાદ, ઉપરવાસમાં અતિ ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં છેલ્લા એક સપ્તાહથી સતત પાણીની જારદાર આવક થઇ રહી છે જેના કારણે, નર્મદા ડેમની સપાટી ૧૩૬.૫૦ મીટરથી ઉપર પહોંચી ગઇ હતી. નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા ૬.૫ લાખ ક્યૂસેક પાણીને કારણે ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી ૩૦ ફૂટે પહોંચી ગઇ હતી.

જેને પગલે નર્મદા નદી કાંઠા અને આલિયાબેટ પરથી અત્યાર સુધીમાં ૩૫૦ થી વધુ લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમના ૧૨ ગેટ અને ઓમકારેશ્વર ડેમના ૧૬ ગેટ ખોલવામાં આવ્યા હતા.

જેના પરિણામે, નર્મદા ડેમમાં ૭.૧૨ લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે અને નર્મદા ડેમના ૨૪ દરવાજા સૌપ્રથમવાર ૪.૧ મીટર સુધી ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી દરવાજાઓ ખોલી જળસપાટીનું લેવલ જાળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને ડેમમાંથી ૬.૫ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જેને પગલે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ ૧૩૬.૫૦ મીટર ઉપર પહોંચી ગઇ હતી અને નર્મદા નદીના કાંઠા વિસ્તારના ૪૦થી વધુ ગામોને એલર્ટ કરાયા હતા. નર્મદા ડેમમાં હાલ ૫,૦૪૫ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદા નદીનું જળસ્તર વધતા ભરૂચ આસપાસના વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું હતુ અને ઘણા વર્ષો પછી ભરૂચના ફુરજા બંદરમાં નર્મદા નદીના પાણી ઘૂસી ગયા હતા.

નર્મદા ડેમમાં છેલ્લા એક સપ્તાહથી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની સતત આવક થઇ રહી છે અને તેના કારણે ડેમની જળસપાટી જારદાર રીતે વધતાં બહુ નોંધનીય જળસંગ્રહ થઇ ગયો છે, તેના કારણે ડેમના પાણીના પ્રવાહમાંથી વીજ ઉપ્તાદની કામગીરી પણ બહુ સારી રીતે ચાલી રહી છે. નર્મદા ડેમમાં પાણીની જબરદસ્ત આવકને લઇ રાજયના ખેડૂતઆલમમાં પણ ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે. દરમિયાન નવસારી જિલ્લાને અડીને આવેલા ડાંગ જિલ્લામાં સારા વરસાદને લઇ અંબિકા નદીની સપાટી સોનવાડી ખાતે ૧૧.૭૪ ફૂટ હતી તે વધીને ૧૬.૭૯ ફૂટ (ભયજનક ૨૮ ફૂટ) થઈ ગઈ હતી.

નવસારી નજીક પૂર્ણાની સપાટી પણ ૧૦ ફૂટ (ભયજનક ૨૩ ફૂટ) જ હતી. ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પાણીની નોંધનીય આવક થઇ હતી. જ્યારે વેગણિયા નદી બંધારા પુલ ઉપર પાણી ફરી વળ્યા હતા. જેને કારણે કોઠી ફળીયા, કાત્રક વીલા વિસ્તારનો સંપર્ક કપાયો હતો. ગણદેવી બીલીમોરા જૂના માર્ગ ઉપર વાહન વ્યવહાર થંભી ગયો હતો.

પરિણામે બીલીમોરા જવા-આવવા માટે લોકોએ ચકરાવો લેવાની નોબત આવી હતી. લોકમાતા અંબિકા, કાવેરી, વેંગણિયા, પનિહારી બે કાંઠે વહેતા પૂરની સંભાવના જોવાઇ રહી છે. તો, વલસાડ જિલ્લામાં ૬ તાલુકામાં વરસાદી હેલીના પગલે ચોમાસું બરોબર જામીને આગેકૂચ કરી રહ્યું છે. વલસાડ તાલુકામાં ચારથી પાંચ ઇંચ વરસાદથી શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પાણી થઇ ગયા હતા.

શહેરના રેલવે ગરનાળા, છીપવાડ, એમજી રોડ, ખત્રીવાડ જળદેવી માતા મંદિર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.