Western Times News

Latest News from Gujarat India

સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા

વડોદરા: હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી ૮૮ વર્ષની ઉંમરે સોમવારે મોડી રાત્રે ૧૧ કલાકે અક્ષર નિવાસી થયા છે. હરિપ્રસાદ સ્વામી ઘણા સમયથી નાદુરસ્ત હતા. તેમને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત બગડતા દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે મોડીરાત્રે ૧૧ વાગે સ્વામીજીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ દુખદ સમાચારને કારણે દેશવિદેશનાં હરિભક્તોમાં શોક વ્યાપી ગયો છે. યોગી ડિવાઇન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગ વલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઇના સંયુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ, યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને ૨૬ જુલાઇ રાત્રે ૧૧ કલાકે સ્વતંત્ર થતાં અક્ષરધામમાં બિરાજી ગયા છે.

હરિપ્રસાદ સ્વામીજીનો ૨૩ મે ૧૯૩૪માં થયો હતો. તેઓ બીએપીએસ સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરુભાઈ હતા. ગત ૨૩ મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો ૮૮મો પ્રાગટય દિન ભક્તોએ ઉજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત દેશ-વિદેશમાં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતાં હતાં. વડોદરના સાંસદ રંજનબેન ભટ્ટે ટિ્‌વટ કરીને, સ્વામીજીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, દાસના દાસનું અનંતની સફરે પ્રયાણ.. યોગી ડીવાઈન સોસાયટીના પ્રણેતા તથા યોગીજી મહારાજના શિષ્ય પરમ પુજ્ય હરિપ્રસાદ સ્વામીજીના નિર્વાણના સમાચાર જાણી દુઃખી છું.

સ્વામીજી આપણા સૌના હ્યદયસ્થ રહી આપણને ધર્મનો માર્ગ બતાવતા રહે એજ એમની પાસે પ્રાર્થના. મળતી માહિતી પ્રમાણે, હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહને કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યો હતો. જ્યાંથી મંગળવારે સવારે ૧૧ વાગે પાર્થિવ દેહને હરિધામ સોખડા ખાતે લઇ જવાશે. સ્વામીજીના પાર્થિવ દેહને બુધવારે દર્શનાર્થે મૂકાશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers