Western Times News

Gujarati News

જામકંડોરણામાં સ્વિફ્ટ કારે બાઇકને ટકકર મારતા દંપતી અને ૮ મહિનાના પુત્રનું મોત

રાજકોટ: રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના દુધીવદર ગામ નજીક ગઈકાલે રાત્રે સ્વિફ્ટ કારે બાઈકને ફૂટબોલની જેમ ફંગોળતા દંપતી અને તેના આઠ મહિનાના પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આખા પરિવારને કાળ આંબી જતા સગા-સંબંધીઓ અને મિત્ર વર્તુળમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાને પગલે જામકંડોરણા તાલુકા પોલીસ અને ૧૦૮ની ટીમ દોડી ગઈ હતી. ત્રણેયને ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના ચરખડી ગામનું દંપતી પોતાના આઠ મહિનાના બાળકને લઇને બાઇક પર જતા હતા ત્યારે કારે ટક્કર મારતા ત્રણેય રોડ પર પટકાયા હતા. ગંભીર ઇજાને કારણે ત્રણેયના મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. જાેકે અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે અજાણ્યા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગોંડલના ચરખડી ગામના દિપક કેશુભાઈ સોલંકી (ઉં.વ.૩૦), તેમના પત્ની દક્ષાબેન (ઉં.વ.૨૯) અને તેમનો આઠ મહિનાના પુત્ર રોનકને લઈને સગાને ઘરે બાઇક પર જતા હતા. ત્યારે દુધીવદર ગામ પાસે સ્વિફ્ટ કારે તેને ઉલાળ્યા હતા. આથી ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. પોલીસે સ્વિફ્ટ કારના માલિકની શોધખોળ હાથ ધરી છે.

આઠ મહિનાના બાળકને હોસ્પિટલ લાવવામાં આવ્યું ત્યારે ડોક્ટરો તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં દોડી ગયા હતા. બાળકને જિવિત કરવા ડોક્ટરોએ કૃત્રિમ શ્વાસ આપવા ઘણી મથામણ કરી પરંતુ તેમનો આ પ્રયાસ સફળ ન થતા તબીબો પણ ગમગીન બની ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મૃતક દંપતી કોઇની વાડીમાં ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.