Western Times News

Gujarati News

શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદે ત્રણ ભુવા પડે છે : ૧પ ઈંચ વરસાદમાં ૪૭ ભુવા પડ્યા

ફાઈલ ફોટો

શહેરમાં ખાડા અને ભુવા વચ્ચે રોડ શોધતા નાગરિકો : ચાર મહિનામાં ૪૭ ભુવા પડ્યા

 

(દેવેન્દ્ર શાહ) : અમદાવાદઃ સ્માર્ટસીટી અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ રોડના ધોવાણ અને ભુવા પડવા તે સામાન્ય બાબત બની ગયા છે. દર વરસે રૂા.૧પ૦૦ કરોડનો વેરો ચુકવતા નાગરીકો ચોમાસામાં ખાડા અનુ ભુવા વચ્ચે રોડ શોધતા નજરે પડે છે. મ્યુનિ. કોર્પોરેશન તેમના કરદાતાઓને શુધ્ધ પાણી, પુરતી લાઈટ, ડ્રેનેજ વ્યવસ્થા અને મજબુત રોડ આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહયુ છે


જેના માટે વહીવટીતંત્ર અને ચૂંટાયેલી પાંખ બંને સરખા ભાગે જવાબદાર છે. કારણ કે રોડના કોન્ટ્રાકટ, રીસરફેસ સહીત તમામ કામોમાં ગાંધી-વૈદ્યનું સહીયારુ ચાલી રહયુ છે. જેના કારણે જ રોડ કૌભાંડના દોષિતોને સજા થતી નથી. તેમજ રોડની નબળી ગુણવત્તાના કારણે દર વરસે કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહયુ છે. સ્માર્ટસીટીમાં ર૦ર૧ના વર્ષ દરમ્યાન માત્ર ૧પ ઈંચ વરસાદમાં જ ૪૭ ભુવા પડી ગયા છે. જેના રીપેરીંગ માટે પણ ૧ કરોડ કરતા વધુ ખર્ચ થઈ ગયો છે.
અમદાવાદ શહેરમાં દર એક ઈંચ વરસાદમાં ત્રણ ભુવા પડે છે તે બાબત ર૦ર૧ના વર્ષમાં પણ સાચી સાબિત થઈ છે. મ્યુનિ. ઈજનેર વિભાગે એક માત્ર ભુવા મામલે તેમનું સાતત્ય જાળવી રાખ્યુ છે. શહેરમાં ચાલુ વરસે ર૦ જુલાઈ સુધી ૧પ ઈંચ વરસાદ થયો છે. જેની સામે ૪૭ ભુવા પડ્યા છે. શહેરમાં છેલ્લા આઠ વર્ષમાં ૬૦૦ કરતા વધારે ભુવા પડ્યા છે. ર૦૧૩માં ૯ર, ર૦૧૪માં ૪૯, ર૦૧પમાં પ૮, ર૦૧૬માં પ૭, ર૦૧૭માં ૧૧૧, ર૦૧૮માં ર૬, ર૦૧૯માં ૬૬ અને ર૦ર૦માં પ૪ ભુવા પડયા હતા. આમ ર૦૧૭ની સાલમાં સૌથી વધુ ભુવા પડયા હતા. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ભુવા દીઠ સરેરાશ રૂા.પાંચ લાખનો ખર્ચ થાય છે. નોંધનીય બાબત એ છે કે પ્રતિ કિ.મી. રૂા.આઠ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા જનમાર્ગમાં પણ વિશાળ ભુવા પડી રહયા છે. આ બાબત જ રોડના કાર્યોમાં થતા ભ્રષ્ટાચારને સાબિત કરી રહી છે.
ભુવાની સંખ્યા “ઓન રેકોર્ડ” છે. જયારે ન નોંધાયેલા કે સેટલમેન્ટમાં ગણત્રી કરવામાં આવેલા ભુવાની સંખ્યા થોડી વધારે હશે. ર૦૧૯ના વર્ષમાં ૬૬ ભુવા રીપેરીંગ માટે બે કરોડ ૮૮ લાખનો ખર્ચ થયો હતો. જયારે ર૦ર૦માં ૧.રપ કરોડ કરતા પણ વધુ ખર્ચ થયો હતો ર૦ર૦માં ઓગસ્ટ મહિના સુધી ૩૦ પૈકી રપ ભુવાના મરામત કામ માટે રૂા.પ૦.ર૬ લાખનો ખર્ચ થયો હતોે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.