Western Times News

Gujarati News

સરકારી ચોપડે કાર્યરત અમદાવાદનું એકમાત્ર અદ્રશ્ય પોલીસ સ્ટેશન!

પ્રતિકાત્મક

ત્રણ વર્ષથી બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવાનો વિવાદ હજુ શાંત પડ્યો નથી

અમદાવાદ, શાહીબાગ પોલીસ સ્ટેશનના નેજા હેઠળ આવતી અસારવા પોલીસ ચોકીનું ઉદઘાટન આજે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તેમજ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા કરવાના છે. અમદાવાદમાં વર્ષ ૨૦૧૬થી એક એવુ અદ્રશ્ય પોલીસ સ્ટેશન છે જે સરકારી ચોકપડે કાર્યરત તો છે પરંતુ હજુ સુધી તેમાં એકપણ કેસ નોંધાયો નથી.

આજે પણ અદ્રશ્ય ગણાતા આ પોલીસ સ્ટેશનમા પીઆઇ તેમજ પોલીસનો સ્ટાફ પણ નીમાયો નથી. આ પોલીસ સ્ટેશન પાછળ અત્યાર સુદી ૬૦ લાખ રૂપિયાનો ખર્ચો થયો છે. જે પાણીમાં ગયો છે.

શહેરમાં વધતી વસ્તી અને વિસ્તારને લઇને વર્ષ ૨૦૧૬માં સાયન્સ સિટી વિસ્તારની આસપાસનો વિસ્તાર આવરી લેવા માટે બોડકદેવ પોલીસ સ્ટેશનની જાહેરાત કરાઇ હતી. જેમાં હંગામી ધોરણે સોલા પોલીસ સ્ટેશન શરૂ કરાયું હતું જ્યાં પોલીસકર્મીઓને પોસ્ટિંગ પણ આપી દેવાયું હતું.

જાે કે ત્યાંથી આ પોલીસ સ્ટેશન ખસેડીને સિંધુ ભવન રોડ પર એએમસીના પાર્કિંગ પ્લોટમાં ૬૦ લાખ રૂપિયાના ખર્ચે બનાવી દેવાયું હતું. પોલીસ સ્ટેશન બનાવી તો દેવાયું પણ બાદમાં એએમસી અને પોલીસ વચ્ચે જગ્યાને લઇને વિવાદ સર્જાયો છે.

૬૦ લાખના ખર્ચે બનાવવામાં આવેલું બોડકદેવ પોલીસ સ્ટેશન આખરે તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે, પાણી અને ગટરની લાઇન માટે રૂ.૪ લાખ ભર્યા પછી પોલીસ સ્ટેશન અહીં શરૂ નહીં થતાં વિવાદ સર્જાયો હતો.

પોલીસ અધિકારીઓનુ કહેવું છે કે જે પ્લોટમાં બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવાયું છે, તે પ્લોટ કોર્પોરેશને પાર્કિંગ માટે ફાળવ્યો છે. જ્યાં કોન્ટ્રાક્ટરે ‘એલ’ શેપમાં પાર્કિંગ બનાવવાનું નક્કી કર્યું હતું. અમદાવાદ પોલીસ નાગરિક ઉત્કર્ષ સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટે બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવા દાતાઓ પાસેથી રૂ.૩૦ થી ૩૫ લાખ એકત્રિત કર્યા હતા. પોલીસ સ્ટેશનનો ડોમ બનાવવા માટે સરકારે રૂ.૨૨ લાખ ખર્ચ કર્યો હતો. આ જગ્યા પર ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા તેમજ રાજ્યના પૂર્વ ડીજીપીની હાજરીમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

બોડકદેવ પોલીસ સ્ટેશન બનવાનું કેન્સલ થતાં અંતે સોલા પોલીસ સ્ટેશનમાં તેને ચાલુ કરવા માટે ફરીથી નિર્ણય લેવાયો હતો. નિર્ણય બાદ આજ દિન સુધી બોડકદેવ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું નથી. બોડકદેવ પોલીસ સ્ટેશન સરકારી ચોપડે કાર્યરત છે પરંતુ હજુ સુધી એક પણ કેસ નોંધવામાં આવ્યો નથી.

ઓનલાઇન એફઆઇરમાં બોડકદેવ પોલીસ સ્ટેશન ઃ લોકોને એફઆઇઆર આસાનીથી મળીર હે તે માટે ગૃહવિભાગ ઓનલાઇન એફઆઇઆરનું શરૂ કર્યું છે તેમાં બોડકદેવ પોલીસ સ્ટેશન કાર્યરત છે પરંતુ હજુ સુધી એક પણ એફઆઇઆર તેમાં નોંધાઇ નથી.

કારણ કે પોલીસ સ્ટેશનમાં તમામ સ્ટાફ હોય તો ફરિયાદ નોંધાય. ઓનલાઇન એફઆઇઆરમાં અમદાવાદ સીટીમાં કુલ ૭૩ પોલીસ સ્ટેશન કાર્યરત છે. જેમાં નવમાં નંબર ઉપર બોડકદેવ પોલીસ સ્ટેશન છે જે હજુ સુધી અસ્તિત્વમાં આવ્યું નથી.

બોડકેદવ પોલીસ સ્ટેશન કાર્યરત થાય તો બે પોલીસ સ્ટેશનની કામગીરી ઓછી થશે ઃ બોડકદેવ પોલીસ સ્ટેશન બનવામાં કોઇ ગ્રહણ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેના વિવાદનો અંત આવી જ નથી રહ્યો. બોડકદેવ પોલીસ સ્ટેશન ફળવાતા તેના વિસ્તારો પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. જાે પોલીસ સ્ટેશન કાર્યરત થાય તો સોલા પોલીસ સ્ટેશન અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની કામગીરી ઓછી થાય તેવું લાગી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.