Western Times News

Gujarati News

લોજિસ્ટીકસ – માલ સામાનની સરળતાએ હેરફેરની કાર્યદક્ષતામાં ગુજરાત પ્રથમ ક્રમે

કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયના લિડસ  – ર૦૧૯ ઇન્ડેક્ષમાં ગુજરાત ફર્સ્ટ:-  ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલને નવી દિલ્હીમાં એવોર્ડ એનાયત થયો

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા  લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ – લિડસ ર૦૧૯માં ગુજરાતે માલસામાનની સરળતાએ હેરફેરની કાર્યદક્ષતામાં દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે નવી દિલ્હીમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તથા રેલ્વે મંત્રી પિયુષ ગોયલના હસ્તે આ અંગે મેળલો એવોર્ડ સ્વીકાર્યો હતો.  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની આ વધુ એક ગૌરવ સિદ્ધિ માટે સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા છે.  નવી દિલ્હીમાં મળેલી બોર્ડ ઓફ ટ્રેડની બેઠકમાં કેન્દ્રીય ઉદ્યોગ વાણિજ્ય રાજ્ય મંત્રીઓ શ્રી હરદીપસિંઘ સૂરી અને સોમ પ્રકાશ તથા નીતિ આયોગના સી.ઇ.ઓ અમિતાભ કાંતની ઉપસ્થિતિમાં આ એવોર્ડ ગુજરાતને અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કોમર્સ સેક્રેટરી શ્રી અનુપ વાધવાન, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ સેક્રેટરી શ્રી ગુરૂપ્રસાદ મહાપાત્રા તેમજ ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ શ્રી આલોક વર્ધન ચતુર્વેદી અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત સરકાર દ્વારા સુગ્રથિત લોજિસ્ટીક ઇકોસિસ્ટમને પ્રેરણા આપવાના હેતુથી દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોજીસ્ટીકસ ક્ષેત્રે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સના અભિપ્રાયો – મંતવ્યો મેળવીને તથા ઓન લાઇન સર્વે હાથ ધરીને આ લિડસ  ઇન્ડેક્ષની રચના કરવામાં આવે છે.

આ ઇન્ડેક્ષના પેરામીટર્સમાં રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રકચર એટલે કે રોડ – રેલ નેટવર્ક, પોર્ટસ એન્ડ એરપોર્ટસ, વેર હાઉસ અને કોલ્ડ સ્ટોરેજ તેમજ સર્વિસ પ્રોવાઇડર દ્વારા અપાતી સેવાઓમાં નિર્ધારિત સમયમર્યાદામાં ડીલીવરી, એક સ્થળેથી બીજા સ્થળે માલ-સામાન પહોચાડવાની સરળતા, માલ-સામાનની ટ્રેસેબિલીટી, સિકયુરિટી અને ઓપરેટીંગ એન્ડ રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ તહેત કાયદો વ્યવસ્થા, લેબર લોઝ, મંજૂરીઓમાં પારદર્શીતા જેવા કી ઇન્ડીકેટર્સનો સમાવેશ કરવામાં આવેલો છે.

ગુજરાતે આ ઇન્ડીકેટર્સમાં સતત બીજા વર્ષ પ્રથમ રેન્કીંગ મેળવ્યું છે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ૩.૯ર, સર્વિસીસમાં ૩.૮૦, સમય પાલનમાં ૩.૭૦, ટ્રેસેબિલીટી ઓફ ગુડસમાં ૩.પ૩ અને સ્પર્ધાત્મક કિંમતોમાં ૩.૪પ ગુણાંક મેળવ્યા છે. પંજાબ અને આંધ્રપ્રદેશ ગુજરાત પછીના સ્થાને રહ્યા છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આ ઇન્ડેક્ષ લોજિસ્ટીકસ સેવાઓને બહેતરીન બનાવવાના દિશાદર્શક તરીકે કામ કરે છે. ખાસ કરીને નિકાસને વેગ આપવામાં લોજિસ્ટીકસ સર્વિસીસની અસરકારતા મહત્વનું ઇન્ડીકેટર છે.

ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે રોકાણકારોના પસંદગીના રાજ્ય તરીકેનું જે ગૌરવ મેળવેલું છે તેને આ લિડસ  ઇન્ડેક્ષ – ર૦૧૯માં રાજ્યના અવ્વલ દરજ્જાથી વધુ વેગ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.