Western Times News

Gujarati News

રાજપીપલા ખાતે યોજાનારો “બાળ અધિકારો-ફરિયાદ નિવારણ” કેમ્પ

રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાજપીપલા ખાતે યોજાનારા “બાળ અધિકારો-ફરિયાદ નિવારણ” કેમ્પ સંદર્ભે વ્યાપક પ્રચાર પ્રસિધ્ધિ  થકી લોકો મહત્તમ લાભ લે તેવા પ્રયસો કરાયાં છે

રાજપીપલા, નર્મદા જિલ્લામાં ગઇકાલથી રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગની ટૂકડીના થયેલા આગમન અને તેમના દ્વારા જિલ્લામાં બાળકોના અધિકારોના થતાં હનને અટકાવવાં માટે હાથ ધરાનારી કામગીરી સંદર્ભે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે  જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે યોજેલી પત્રકાર પરિષદમાં માધ્યમોની સાથેના સંવાદમાં શ્રી પટેલે  જણાવ્યું હતુ કે, રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગ કેન્દ્ર સરકારની ન્યાયીક સંસ્થા છે. બાળકોને મળતા અધિકારોને સુનિશ્તિત કરવાની જેમની ખાસ કામગીરી છે તે રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગ- નવી દિલ્હીના સભ્યશ્રી આર.જી.આનંદ સહિતની ટુકડીની ઉપસ્થિતિમાં તા. ૧૩ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ સવારે ૧૦:00 કલાકે રાજપીપલામાં છોટુભાઇ પુરાણી સંકુલ, આનંદભવન ખાતે “બાળ અધિકારો- ફરિયાદ નિવારણ” કેમ્પનું આયોજન કરાયું છે.

આયોગનો મુ્ખ્ય ઉદ્દેશ બંધારણીય જોગવાઇઓ, વિવિધ કાયદાઓ અને નિયમોમાં મળતા  અધિકારોને સુનિશ્તિ કરી બાળકોના અધિકારોનું હનન થતું અટકાવવાનો છે તેમ જણાવી જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે ઉમેર્યું હતું કે, રાજપીપલા ખાતે બાળ અધિકાર અંગે યોજાનારા ઉક્ત ફરિયાદ નિવારણ કેમ્પનો સબંધિત લક્ષીત-જુથનાં લાભાર્થીઓ મહત્તમ લાભ લઇ શકે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા વ્યાપક પ્રસાર-પ્રચાર થકી સઘન લોકજાગૃત્તિ કેળવવામાં આવી છે.

જેથી બાળકોના અભ્યાસ, મધ્યાહન ભોજન, આરોગ્ય અને પાયાની સુવિધાને લગતા અન્ય પ્રશ્નોની તેમાં રજૂઆત થઇ શકશે. તેની સાથે જે કંઇ જોખમી કાર્યો સાથે સંકળાયેલ હોય તેમજ બાળ આશ્રમમાંથી મુક્ત કરવામાં આવ્યા હોય તેવા બાળકોના પુન:સ્થાપનને લગતા તેમજ ફૂટપાથ પર નાની મોટી ચીજવસ્તુઓના વેચાણ કરતા હોય તેવા બાળકો ઉપરાંત ભિક્ષાવુત્તિને લગતા અન્ય કોઇ પ્રશ્નો હોય તો બાળકોના અધિકારો અને તેના સંરક્ષણને લગતા પ્રશ્નો ઉક્ત કાર્યક્રમમાં રજૂ કરીને તેનું નિરાકરણ લાવી શકાશે,તેવી જાણકારી પણ શ્રી પટેલે આપી હતી.

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, રાષ્ટ્રિય બાળ સંરક્ષણ આયોગના કન્સલ્ટન્ટ (લીગલ) શ્રી અભિષેક ત્યાગી, અને કન્સલ્ટન્ટશ્રી શક્તિ સીંઘ, નાયબ માહિતી નિયામકશ્રી યાકુબ ગાદીવાલા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ.વી.રાઠોડ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ચેતન પરમાર સહિત પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.