Western Times News

Gujarati News

ગોમતીપુરમાં પાણી-ડ્રેનેજની સમસ્યા ગંભીર બની

કોર્પોરેટરોએ આસી. કમીશનરને પ્રદુષિત પાણીની બોટલ આપી સુત્રોચ્ચાર કર્યા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ શાસકો દ્વારા છેલ્લા દોઢ દાયકાથી વિકાસના દાવા કરવામાં આવી રહયા છે પરંતુ તેમના મોટાભાગના દાવા પોકળ સાબિત થયા છે. અમદાવાદ શહેરનો સર્વાંગી અને સમતોલ કરવા માટે સતાધારી પાર્ટી દ્વારા જાહેરાતો થતી રહી છે પરંતુ વાસ્તવિકતા અલગ જ છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની ભેદરેખા દિન- પ્રતિદિન વધી રહી છે. પશ્ચિમની તુલનાએ પુવ્ર્ના વિસ્તારોમાં વિકાસ તો ઠીક પ્રાથમિક સુવિધાના કામો પણ થતા નથી બહેરામપુરા, દાણીલીમડા, વટવા, અમરાઈવાડી, ગોમતીપુર, રખિયાલ સહીતના વિસ્તારોના નાગરીકો પાણી, ડ્રેનેજ અને આરોગ્ય સુવિધા માટે વલખા મારી રહયા છે. ગોમતીપુર વોર્ડના કોર્પોરેટરોએ આ મુદ્દે વોર્ડના અધિકારીઓ સમક્ષ આક્રમક રજુઆત કરી હતી.

ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલભાઈ શેખના જણાવ્યા મુજબ તેમના મત વિસ્તારમાં ગરીબ- શ્રમજીવી નાગરીકો વસવાટ કરી રહયા છે. મ્યુનિ. તંત્ર દ્વારા તેમના મત વિસ્તાર અને મતદારોની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. ગોમતીપુર વોર્ડની સૌથી મોટી સમસ્યા પાણીની છે વોર્ડના સુખરામનગર રણજીત સોલંકીની ચાલીમાં ૩૦થી વધુ મકાન છે. આ ચાલીમાં અપુરતા પ્રેશર અને પ્રદુષિત પાણીની સમસ્યા છે. દેવી પ્રસાદની ચાલીમાં રપ પરિવાર રહે છે. અહી પણ પ્રદુષિત પાણીની સમસ્યા છે. તદ્‌પરાંત શાસ્ત્રીનગર, ડાહયાભાઈ કડીયાની ચાલી, નુરભાઈ ધોબીની ચાલી, મણીયાર પંપની ચાલીમાં પણ પાણીના અપુરતા પ્રેશરની સમસ્યા છે. વોર્ડની અનેક ચાલીઓમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા છે. આ વિસ્તારમાં સફાઈ મુખ્ય મુદ્દો છે.

રાજપુર ટોલનાકાથી મિલન ચોક સુધીના વિસ્તારમાં નિયમિત સફાઈ થતી નથી. મણીયારવાડામાં પણ સફાઈ કર્મચારી બે-ત્રણ દિવસે આવતા હોય છે લાલમીલ ચાર રસ્તા પાસે કચરા પેટીની સમસ્યા કાયમી બની ગઈ છે. હાજીગફુરની ચાલી, નુરભાઈ ધોબીની ચાલીમાં ડ્રેનેજ સમસ્યા ગંભીર બની છે. ગોમતીપુર વિસ્તારની ચાલીઓમાં પાણી અને ડ્રેનેજ લાઈન માટે ખોદકામ કર્યા બાદ પથ્થર લગાવવામાં આવ્યા નથી, વોર્ડના કેટલાક વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહયો હોવા છતાં દવા છંટકાવ અને ફોગીંગ થતા ન હોવાથી રોગચાળો થવાની પણ દહેશત છે.

ગોમતીપુરના નાગરીકોની ફરીયાદોને વાચા આપવા માટે શનિવારે આસી. કમિશ્નર હિતેશભાઈ ગજજર સાથે ખાસ મીટીંગ કરવામાં આવી છે જેમાં વોર્ડના આસી. કમિશ્નરને પ્રદુષિત પાણીના સેમ્પલ આપ્યા હતા તેમજ વોર્ડની રર જનરલ ફરીયાદ, મેલેરીયાને લગતી ૦પ ફરીયાદ, હેલ્થ- સફાઈ સંબંધિત ૧ર અને પ્રદુષણની ૧૩ ફરીયાદો લેખિતમાં આવેદનપત્ર સ્વરૂપે આપવામાં આવી છે. આસી. કમિશ્નર સાથેની બેઠકમાં વોર્ડના તમામ કોર્પોરેટરોએ હાજરી આપી હતી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.