Western Times News

Gujarati News

ગામડાઓને પાણીદાર બનાવવા માટે પાણી સમિતિનો ‘પ્રેરણા પ્રવાસ’

અમદાવાદ જિલ્લામાંથી કુલ ૧૭પ ગામની પાણી સમિતિઓ માટે એક દિવસિય પ્રેરણા પ્રવાસનું વાસ્મો દ્વારા આયોજન કરવામાં આવ્યું

૧૩૮ ગામના અંદાજે ૧૨૦૦થી વધુ પાણી સમિતિના સભ્યોને અમદાવાદ જિલ્લાની આસપાસના જિલ્લાઓમાં આવેલા ડેમ જેવા કે વણાકબોરી ડેમ, ધરોઈ ડેમ, ક્ષેત્રુંજય ડેમ તથા ઢાંકી અને નાવડા પમ્પીંગ સ્ટેશન તેમજ ધરોઈ અને હૈડિયા હેડ વર્કસની મુલાકાત

અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં પીવાના પાણીનું ઘરે ઘરે નળથી વિતરણ અને પાણીની ગુણવત્તા સુધાર માટે કાર્યરત એવી પાણી સમિતિઓ આજકાલ એક અનોખા પ્રવાસ પર છે.

પાણીના શુદ્ધીકરણ અને વિતરણ પ્રણાલીના એકમ એવા પમ્પિંગ સ્ટેશનો, ડેમ, ફીલ્ટર પ્લાંટ તથા અન્ય સોર્સની પાણી સમિતિના સભ્યો મુલાકાત લઇ રહ્યા છે. ઉપરાંત પીવાના પાણીના ટેસ્ટિંગ કીટના ઉપયોગની તાલીમ લઇ શુદ્ધ પાણીનો જ પીવા માટે ઉપયોગ કરવા અને તે પ્રકારે વિતરણ કરવા પ્રેરણા મેળવી રહ્યા છે.

જિલ્લાની પાણી સમિતિઓના આ ‘પ્રેરણા પ્રવાસ’થી ગામડાઓમાં પાણીના શુદ્ધીકરણ અને વિતરણની વ્યવસ્થાઓ વધું સારી બનશે. આજે પણ ઘણા ગ્રામિણ વિસ્તારોમાં શુદ્ધ પાણી અંગેની જગૃતિનો અભાવ છે ત્યારે આ ‘ટ્રેનિંગ ટુર’  પાણી સમિતિના સભ્યોને માહિતગાર અને કાર્યદક્ષ બનાવી ગામડાઓને પાણીદાર બનાવશે.

પાણી સમિતિઓ પીવાના પાણીને લગતી યોજનાઓ વિશે વધુ માહિગતગાર થાય તથા આ યોજનાઓ પાછળ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી માળખાકીય સુવિધાઓ તેમજ ગામમાં પીવાનું  પાણી આપતા પહેલા તેને કેવી રીતે શુદ્ધ કરવામાં આવે છે તે વિશે લોકો જાગૃત થાય તે હેતુથી અમદાવાદ જિલ્લામાંથી કુલ ૧૭પ ગામની પાણી સમિતિઓ માટે એક દિવસિય પ્રેરણા પ્રવાસનું વાસ્મો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

૧૩૮ ગામના અંદાજે ૧૨૦૦થી વધુ પાણી સમિતિના સભ્યોને અમદાવાદ જિલ્લાની આસપાસના જિલ્લાઓમાં આવેલા ડેમ જેવા કે વણાકબોરી ડેમ, ધરોઈ ડેમ, ક્ષેત્રુંજય ડેમ તથા ઢાંકી અને નાવડા પમ્પીંગ સ્ટેશન તેમજ ધરોઈ અને હૈડિયા હેડ વર્કસની મુલાકાત પ્રવાસ ચાલુ છે.

આ પ્રવાસ દરમ્યાન પાણી સમિતિના સભ્યોને દરેક માળખાકીય સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવે છે, ગામ લોકોને ડેમમાં પાણી કેવી રીતે સંગ્રહ કરવામાં આવે છે તથા હેડ વર્કસમાં પાણીને કેવી રીતે શુદ્ધ કરવામાં આવે છે તેથી ઝીણવટભરી માહિતી પણ આપવામાં આવે છે.

વાસ્મો દ્વારા સમગ્ર રાજ્યમાં નલ સે જલ કાર્યક્રમ થકી પેયજળ યોજનાની કામગીરી ખુબજ ઝડપથી થઇ રહી છે. વાસ્મો દ્વારા દરેક ગામમાં પાણી સમિતિઓની રચના કરવામાં આવી છે. આ પાણી સમિતિઓનું ક્ષમતાવર્ધન થાય અને ગામની પેયજળ યોજનાનું અમલીકરણ અને સંચાલન સારી રીતે થઇ શકે તે હેતુથી સમગ્ર રાજ્યમાં ૫૦૦૦ પાણી સમિતિઓના પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકાર જલ શક્તિ અભિયાન હેઠળ રાજ્યના ૧૦૦ ટકા ગ્રામિણ ઘરોને પીવાના પાણીના  નળ જોડાણ આપવા કટિબદ્ધ છે. રાજ્યમાં થતી નલ સે જલ કાર્યક્રમની કામગીરી અન્વયે અમદાવાદ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ (વાસ્મો) દ્વારા જિલ્લાનાં ગામોની પાણી સમિતિઓનું ક્ષમતાવર્ધન થાય અને તેઓ ગામની પેયજળ યોજનાનું અમલીકરણ અને સંચાલન સુચારૂ રીતે કરે તે હેતુથી આ પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

સરકારના નલ સે જલ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં લોકભાગીદારી આધારિત વિકેન્દ્રિત પેયજળ વિતરણ પ્રણાલી ઉભી કરવાનો છે. નલ સે જલ કાર્યક્રમના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે સમગ્ર ગુજરાત રાજ્ય અને અમદાવાદ જિલ્લામાં પણ મિશન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.