Western Times News

Gujarati News

ગની અને સાલેહને માફ કરવા તાલિબાનની જાહેરાત

કાબુલ, અફઘાનિસ્તાનમાં લોકોના વિરોધનો સામનો કરી રહેલા તાલિબાને પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અશરફ ગની અને પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અમરુલ્લા સાલેહને માફ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે કહ્યું કે, આ બન્ને નેતાઓ ફરીથી કાબુલ આવી શકે છે. અશરફ ગની અત્યારે દુબઈમાં છે, જ્યારે સાલેહ અફઘાનિસ્તાનની પંજશીર ઘાટીમાં છે. પંજશીર ઘાટીથી વિદ્રોહીઓ તાલિબાન પર નિશાન સાધી રહ્યા છે. પાકિસ્તાનની સમાચાર ચેનલ જિઓ ન્યુઝ સાથેની વાતચીતમાં તાલિબાનના નેતા ખલિલ-ઉર-રહમાન હક્કાનીએ કહ્યું કે, તાલિબાનની અશરફ ગની, સાલેહ અને પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હમદુલ્લાહ મોહિબા સાથે કોઈ દુશ્મની નથી. અમે તેમને માફ કરી દીધા છે. આ ત્રણ લોકો સાથે દુશ્મની માત્ર ધાર્મિક આધાર પર હતી.

ઉલ્લેખનીય છે કે હક્કાનીને અમેરિકાએ એક વૈશ્વિક આતંકી તરીકે જાહેર કર્યા છે અને તેમના માટે ૫૦ લાખ ડોલરનું ઈનામ પણ મૂક્યું છે. હક્કાનીએ કહ્યું કે, અમે તમામ લોકોને માફ કરી દીધા છે. જેઓ અમારી વિરુદ્ધ લડી રહ્યા હતા તેમને પણ અને સામાન્ય નાગરિકોને પણ. આ સિવાય હક્કાનીએ લોકોને દેશ છોડીને ન જવાની અપીલ કરી છે. તાઝિક, બલોચ, હઝારા અને પશ્તૂન તમામ લોકો અમારા ભાઈ છે. તમામ અફઘાની અમારા ભાઈ છે, માટે તેઓ દેશમાં પાછા ફરી શકે છે.

તાલિબાની નેતાએ કહ્યું કે, અમારી દુશ્મનીનું એકમાત્ર કારણ સિસ્ટમમાં પરિવર્તન હતું. સિસ્ટમ હવે બદલાઈ ગઈ છે. તાલિબાને અમેરિકા વિરુદ્ધ લડાઈ નથી લડી, અમેરિકાએ અમારા પર હુમલો કર્યો અને અમે અમારી સંસ્કૃતિ, ધર્મ અને દેશની રક્ષા માટે આ લડાઈ લડી હતી. અમેરિકન અમારા અને અમારા દેશ વિરુદ્ધ હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે. અમે અમેરિકા સમર્થિત અફઘાન સેનાને હરાવી છે, જેમાં ૩,૫૦,૦૦૦ સૈનિકો હતા. હક્કાનીએ જણાવ્યું કે, તમામ મુસ્લિમ દેશો એકબીજા સાથે જાેડાય તે તાલિબાનની ઈચ્છા છે. તેમણે દુનિયાભરના દેશોને સલાહ આપી કે, દેશના નાગરિકોને જરુરી અધિકારો પૂરા પાડવામાં આવે. હવે અત્યંત સક્ષમ અને શિક્ષીત લોકો અફઘાનિસ્તાનમાં સરકાર બનાવશે. સરકારમાં તમામ સમૂહોને શામેલ કરવામાં આવશે. નિષ્ણાંતોનું કહેવું છે કે, દેશમાં વધી રહેલા વિરોધને રોકવા માટે તાલિબાનનું હૃદય પરિવર્તન થયું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.