Western Times News

Gujarati News

સરકારને ૫૨૯૨૦ રૂપિયા પરત કરવા ખેડૂતના ધરમધક્કા

Files Photo

જિંદ, હરિયાણાના એક ખેડૂત સરકારે તેમના ખાતામાં જમા કરી દીધેલા વધારાના રુ. ૫૨,૯૨૦ રુપિયા પરત આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. સુરજમલ નૈન નામના આ ખેડૂતના અકાઉન્ટમાં ૧૮ ઓગસ્ટ ૨૦૧૬માં આ રકમ જમા થઈ હતી. તેઓ અત્યાર સુધી તેને પરત આપવા માટે ગ્રામ પંચાયત ઓફિસથી લઈને સીએમ હાઉસ સુધી ધક્કા ખાઈ ચૂક્યા છે, પરંતુ તેમને ક્યાંયથી સરખો જવાબ નથી મળી રહ્યો. સુરજમલનો આખો પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે. સરકારે તેમના એસબીઆઈના અકાઉન્ટમાં ૩૪,૭૩૫ રુપિયા જમા કરાવ્યા હતા, અને આટલી જ રકમ તેમના ભાઈના ખાતામાં પણ જમા થઈ હતી.

આમ, કુલ ૬૯,૪૭૦ રુપિયા તેમને મળ્યા હતા. તેમણે કપાસના પાકમાં થયેલા નુક્સાન બદલ ૧૬,૫૫૦ રુપિયાનું વળતર મેળવવા અરજી કરી હતી. જેની સામે ૬૯,૪૭૦ રુપિયા જમા થઈ જતાં તેઓ ૫૨,૯૨૦ રુપિયા પરત આપવા ધક્કા ખાઈ રહ્યા છે. સૌ પહેલા તો સુરજમલ અને તેમના ભાઈએ મામલતદારને પત્ર લખીને રુપિયા પરત આપવાની શું પ્રક્રિયા છે તેના વિશે પૃચ્છા કરી હતી. જાેકે, ત્યાંથી કોઈ સંતોષકારક જવાબ નહોતો મળ્યો. ૨૦૧૬માં પોતાના ૧૨ એકરના ખેતરના કેટલાક ભાગમાં સુરજમલ અને તેમના પરિવારે કપાસ વાવ્યો હતો. તે વખતે પાક નિષ્ફળ રહેતા હરિયાણા સરકારે પ્રતિ એકર ૮ હજાર રુપિયાની સહાય જાહેર કરી હતી. જેમાં તેમના આખા ખેતરની સાઈઝને ધ્યાનમાં રાખી સહાયની રકમ ચૂકવાઈ હતી, પરંતુ ખરેખર તો તેમણે કેટલાક ભાગમાં જ કપાસ વાવ્યો હતો.

મામલતદાર પાસેથી જવાબ ના મળતા સુરજમલ સીએમના ઘરે પહોંચ્યા હતા અને તેમને પણ ફરિયાદ કરી હતી. તેમણે જુલના તાલુકાના મામલતદાર સામે પણ ફરિયાદ કરી હતી, જેમાં દાવો કરાયો હતો કે તેમને પરેશાન કરવા જાણીજાેઈને વધારાના રુપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે, જે મામલતદાર વિરુદ્ધ સુરજમલે ફરિયાદ કરી હતી તેની તપાસ તે જ મામલતદારને સોંપવામાં આવી હતી.

સુરજમલે જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ જાે કોઈનું ખોવાયેલું પાકિટ પરત આપે તો તેની સરાહના કરાય છે, જ્યારે પોતાને પાંચ વર્ષથી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. પોતાને કઈ રીતે વધારાના રુપિયા મળી ગયા તેની માહિતી મેળવવા સુરજમલે આરટીઆઈ કરીને ૨૦૧૫ અને ૨૦૧૪માં કઈ રીતે સહાયનું વિતરણ કરાયું તેની વિગતો માગી હતી. જેના જવાબમાં તંત્રએ સ્વીકાર્યું હતું કે સહાય વિતરણમાં ગડબડ થઈ હતી. ત્યારબાદ તેમણે ડેપ્યુટી કમિશનર સ્તર સુધી આ અંગે રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી તેનું કંઈ નથી થયું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.