Western Times News

Gujarati News

નવા પશ્ચિમ ઝોનમાં ૧પ વર્ષ પછી પણ પાણીની સમસ્યા યથાવત

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ર૪ કલાક પાણી સપ્લાય કરવાના દાવા કરવામાં આવે છે. જયારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી સપ્લાય થતા નથી અથવા અપુરતા પ્રેશરથી પાણી સપ્લાય થઈ રહયા છે. મ્યુનિ.કોર્પોરેશનની હદમાં ર૦૦૬ની સાલમાં સમાવિષ્ટ થયેલ નવા પશ્ચિમઝોનના વિસ્તારોની પરિસ્થિતિનું અલગ જ છે.નવા પશ્ચિમઝોનના જાધપુર વોર્ડમાં ર૪ કલાક પાણી સપ્લાયનો પ્રોજેકટ લગભગ પૂર્ણ થઈ ગયો છે. પરંતુ તેના પરિણામ અત્યંત નિરાશાજનક છે. વેજલપુર, સરખેજ તથા થલતેજ વોર્ડ બે કલાક પાણી સપ્લાય થાય છે. જયારે ઘાટલોડીયા, ચાંદલોડીયા, ગોતા ના વિસ્તારોમાં હજી પણ સ્ટેગરથી પાણી આપવામાં આવે છે. જે અંગે અવારનવાર રજુઆતો થતી રહે છે. જયારે મ્યુનિ.વોટર ઓપરેશન્સ વિભાગ દ્વારા સ્ટેગર સીસ્ટમને દુર કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તેના નકકર અમલ થયો ન હોવાથી નવા પશ્ચિમઝોનની સમસ્યા યથાવત રહી છે.

મ્યુનિ.કોર્પોરેશનની હદમાં ર૦૦૬-૭ના વર્ષમાં જે વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તે પૈકી મોટાભાગના વિસ્તારોમાં પીવાલાયક પાણીની સમસ્યા જાવા મળતી હતી. જે સમયે આ વિસ્તારો ભેળવાયા તે સમયે નવા ઝોનની નગરપાલિકાઓ તથા ગ્રામપંચાયતની કુલ ૩૦ જેટલી પાણીની ટાંકીઓ હતી. જેની કેપેસીટી ઓછી હતી. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શરૂઆત ના તબકકામાં આ ટાંકીઓની મદદથી જ પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જે ખુલ્લા પ્લોટ મળ્યા તેવાં નવા વોટર ડીસ્ટ્રી. સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે.

પરંતુ જે વિસ્તારોમાં પ્લોટ મળ્યા નથી તે વિસ્તારોમાં હજી પણ સ્ટેગર્ડ સીસ્ટમ યથાવત છે જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનના ૧ર વોટર ડ્રીસ્ટ્રીબ્યુશન સેન્ટર દ.પશ્ચિમ ઝોનના પ ડીસ્ટ્રીબ્યુશન સેન્ટરમાથી સ્ટેગર્ડ પધ્ધતિથી પાણી સપ્લાય થઈ રહયા છે. સદર સમસ્યાના નિવારણ માટે વિભાગ દ્વારા પ્લોટની ડીમાન્ડ કરવામાં આવી હતી પરંતુ ત્રણ ચાર સ્થળે જ પ્લોટ મળતા સમસ્યા હળવી બની છે જેમાં ચાંદલોડિયા ગજરાજ સોસાયટી પાસે ૭પ લાખ મીટરની નવી ટાંકી બની રહી છે જયારે બોડકદેવ વોર્ડમાં મેમનગર માદરીયા પાસે ૮૦ લાખ લીટરની ટાંકી બનાવવામાં આવી છે. વેજલપુર વોર્ડમાં પોલીસ લાઈન વિસ્તારમાં નવી ટાંકી બનાવવામાં આવી છે જેમાં ગામતળના કેટલાક વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સાલપરા વિસ્તારમાં ૧૬૩ લાખ લીટરની અંડર ગ્રાઉન્ડ અને ર૭ લાખ લીટરની ઓવરહેડ ટાંકી તૈયાર થઈ જતા સ્ટેગર સીસ્ટમ લગભગ બંધ થઈ ગઈ છે. મકતમપુરા વોર્ડમાં સંકલિતનગર વિસ્તારમાં એપીએમસી પાસે ૯૭ લાખ લીટરની નવી ટાંકી તૈયાર થઈ જતા આ વિસ્તારમાં પણ સ્ટેગર્ડ ઓછુ થયું છે. જે વિસ્તારોમાં સ્ટેગર્ડ સપ્લાય થાય છે ત્યાં સવારે માત્ર એક કલાક પાણી આપવામાં આવે છે.

નવા ઝોનના ઉત્તર-પશ્ચિમ અને દ.પશ્ચિમઝોનમાં હાલ ૪ર વો.ડી.સ્ટેશન છે. જે પૈકી લગભગ ર૧ વો.ડી.સેન્ટર પરથી રોજ સવારે બે કલાક પાણી સપ્લાય થઈ રહયું છે. જેમાં ઘાટલોડીયાનું વિધાતા ગોતામાં જનતાનગર, ગોતાવોર્ડમાં કારગીત, થલતેજ વોર્ડમાં નિલકંઠ, બોડકદેવ વોર્ડમાં વાળીનાથ, વેજલપુર વોર્ડમાં દેવાસ તથા ચાંદલોડીયામાં જગતપુર વો.ડીસ્ટ્રી. સ્ટેશન મુખ્ય છે. આ તમામ વિસ્તારોમાં સ્ટેગર્ડ સપ્લાય બંધ કરી બે કલાક પાણી આપવામાં આવી રહયું છે.

મ્યુનિ.વોટર પ્રોજેકટ વિભાગ દ્વારા ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમઝોનમાં નવા ૧૯ વો.ડી.સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ વિસ્તારોમાં હાલ સ્ટેગર્ડ સીસ્ટમ બંધ હોવાના દાવા કરવામાં આવી રહયા છે. અત્રે નોંધનીય છે કે મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા ર૦૧૮-૧૯ની સાલમાં ૧૪ સ્થળે નવા વોટર ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવી સ્ટેગર્ડ સીસ્ટમ બંધ કરવા જાહેરાત કરવામાં આવી હતી પરંતુ પ્લોટ ન મળતા આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી ગઈ છે. ઉત્તર પશ્ચિમઝોનના બોડકદેવ, થલતેજ, ગોતા તથા ઘાટલોડીયા વોર્ડમાં સ્ટેગર્ડની હાલાકી દૂર કરવા માટે ૧ર સ્થળે નવા વોટર ડીસ્ટ્રી.સ્ટેશન બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.

જાધપુર વોર્ડમાં ગોકુલ આવાસ પાસે તૈયાર થયેલ વોટર ડીસ્ટ્રી. સેન્ટરમાંથી પ્રહલાદનગર ગાર્ડન વિસ્તારમાં પાણી સપ્લાય થશે. ગોકુલ આવાસ સેન્ટર ર૪ટ૭ પ્રોજેકટ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે. વેજલપુર વોર્ડમાં રેલવેલાઈન પાસે અને ગામતળમાં તથા મકતમપુરા વોર્ડમાં જુહાપુરા શાકમાર્કેટ પાસે ડીસ્ટ્રી. સેન્ટર બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
વેજલપુરમાં સાલપરા વોટરડીસ્ટ્રી. સેન્ટરના કમાન્ડ વિસ્તારનો મકરબા પોલીસ સ્ટેશન પાસે તૈયાર થયેલ વો.ડી.સ્ટેશનના કમાન્ડ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે મકતમપુરા વોર્ડમાં સંકલીતનગર વો.ડી.સ્ટેશનનો કમાન્ડ વિસ્તારને એ.પી.એમ.સી.ના કમાન્ડ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

નવા પશ્ચિમઝોનના વિસ્તારોમાં ૧પ વર્ષથી સ્ટેગર્ડ સીસ્ટમથી પાણી સપ્લાય થઈ રહયા છે. મ્યુનિ.વોટર સપ્લાય કમીટીની બેઠકમાં ચેરમેન જતીનભાઈ પટેલે સ્ટેગર્ડ સીસ્ટમ બંધ કરવા માટે વધુ એક વખત રજુઆત કરી હતી. તેમના જણાવ્યા મુજબ નવા ઝોનમાં વહેલી સવારે ચાર વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી પાણી પુરવઠો આપવામાં આવે છે ત્યારે માંડ અડધા વોર્ડમાં જ પાણી સપ્લાય થાય છે. નાગરીકો ને વહેલી સવારે તથા મોડીરાત્રે પાણી ભરવા પડે છે. દસ-બાર વર્ષથી થઈ રહેલ હાલાકીને દુર કરવા માટે માત્ર કાગળ આયોજન કરવાના બદલે નકકર આયોજન કરવામાં આવે તે જરૂરી છે.મ્યુનિ. કમીશ્નરે તેમની રજુઆતનો સ્વીકાર કરીને સ્ટેગર્ડ સીસ્ટમના નિરાકરણ માટે વોટર પ્રોજેકટના એડીશનલ ઈજનેર, ડે.મ્યુનિ.કમીશ્નરને તાકીદ કરી હતી. તથા તમામ આયોજનમાં જતીન પટેલને સાથે રાખી કામ કરવા સુચના આપી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.