Western Times News

Gujarati News

પોસ્ટ કોવિડ ઇફેક્ટ-સ્ટ્રેસના કારણે હેર ફોલ, સ્કિન ડિસીઝમાં ત્રણ ગણો વધારો

તણાવયુક્ત જીવન, સંક્રમણનો ડર, સ્ટિરોઇડ, પૌષ્ટિક ખોરાકના અભાવે લાઇફસ્ટાઇલ ડિસીઝમાં ઉછાળો આવ્યો

અમદાવાદ, અમદાવાદ શહેર સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાએ કહેર મચાવ્યો હતો. હાલમાં પરિસ્થિતિ થાળે પડી છે ત્યારે માંડ માંડ સામાન્ય જીવનમાં ગોઠવાઇ રહેલા લોકોને અનેક પ્રકારની આરોગ્યલક્ષી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

કોરોનામાંથી સાજા થયા બાદ પણ લોકોને ઘણા સમય સુધી સ્વાદ ન આવવાની અને વીકનેસની તકલીફો રહેતી હતી, પરંતુ હાલમાં કોરોનાના લીધે હેર ફોલની સમસ્યામાં પણ ખૂબ મોટો વધારો જાેવા મળી રહ્યો છે. હાલમાં ડર્મેટોલોજિસ્ટની ઓપીડીમાં ૨૦ ટકા દર્દીઓ મોટા પ્રમાણમાં હેર ફોલની સમસ્યાને લઇ ડોક્ટરને કન્સલ્ટ કરે છે.

આ તકલીફ પહેલા ફક્ત પાંચ ટકા દર્દીઓમાં જ જાેવા મળતી હતી. કોરોનાની બીજી લહેરનો સમયગાળો માર્ચથી લઇને જુલાઇ સુધીનો ગણી શકાય.

આ સમય દરમિયાન કોરોના થયેલ વ્યક્તિઓ હવે ડોક્ટર પાસે હેર ફોલની ફરિયાદ લઇને પહોંચી રહ્યા છે. ડોક્ટરોના મતે કોઇપણ વ્યક્તિના વાળ લગભગ ૦.૦૩ એમ.એમ. જેટલા રોજિંદા વધતા હોય છે. વ્યક્તિના રોજિંદા ૯૦થી ૧૦૦ જેટલા વાળ ખરવા સામાન્ય છે. ખરતા વાળની સમસ્યા તેને ગણી શકાય કે જેમાં વ્યક્તિના ખરતા વાળની સામે તેટલા જ નવા વાળ ઊગતા ન હોય. કોરોના બાદ મોટા ભાગના દર્દીઓમાં આ સમસ્યા છે.

ડોક્ટર્સના જણાવ્યા અનુસાર વ્યક્તિના શરીર પર પણ કોઇપણ પ્રકારનો તણાવ હોવાના કારણે શરીરના વિટામિન અને મિનરલ્સ તેમાં ખર્ચાઇ જાય છે અને શરીરમાં તેની ઊણપ સર્જાય છે. કોરોનાના સમયગાળામાં લેવામાં આવેલી દવાઓ, તણાવયુક્ત જીવન, સંક્રમણનો ડર, સ્ટિરોઇડ, પૌષ્ટિક ખોરાકનો અભાવ પણ લાઇફસ્ટાઇલ ડિસીઝમાં વધારો થવાનું મુખ્ય કારણ હોય છે.

ઘણા દર્દીઓ કે જેમને પોતાને કોરોના ના થયો હોય પણ પરિવારમાં બે-ત્રણ મૃત્યુ થયાં હોય અથવા અન્ય કોઇ કારણે પણ તણાવયુક્ત જીવનના લીધે હેર ફોલની સમસ્યા સર્જાય છે. વાળ એ ખૂબ સામાન્ય લાગતો શરીરનો હિસ્સો છે છતાં પણ તે દેખાવમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.

કોરોનામાંથી રિકવર થયા બાદ પણ માત્ર હેર ફોલનીજ નહીં, પરંતુ ચકામાં પડી જવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. કોરોનાના પ્રાથમિક લક્ષણ તરીકે પણ ચકામા પડી શકે છે. રિકવરી દરમિયાન પણ આ સમસ્યા સર્જાઇ શકે છે. રિકવરી દરમિયાન ઘણા દર્દીઓને હર્પીસની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. કોરોના દરમિયાન થતી મોટા ભાગના સ્કિન ડિસીઝ ટૂંકા ગાળાના હોય છે, જાે તે લાંબા સમય સુધી ચાલે તો નિષ્ણાત ડોક્ટરની મુલાકાત લેવી જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.