Western Times News

Gujarati News

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં નર્મદા નીરના વધામણા કરાયા

????????????????????????????????????

  • રાજ્યમાં પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે
  • તળાવો ઉંડા કરવાના જળસંચય અભિયાનથી જળસંગ્રહશક્તિમાં વધારો

ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતમાં ઐતિહાસિક ઘટનાના ભાગરૂપ સરદાર સરોવર નર્મદા ડેમે ઐતિહાસિક ૧૩૮ મીટરની સપાટી વટાવી છે, ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન સાકાર થયું છે અને રાજ્યમાં પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

આજે ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘નમામિ દેવી નર્મદે’ મહોત્સવ અંતર્ગત સાબરમતી નદીનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન બાદ મહાઆરતી કરીને સાબરમતી નદીમાં નર્મદા નીરના વઘામણા કરી વૃક્ષારોપણ પણ કર્યું હતું.

શ્રીજાડેજાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીના અથાગ પ્રયત્નોથી સરદાર સરોવર ડેમના આજે ૧૩૮ મીટરની સપાટીએ પહોંચતા ૨૨ જીલ્લા, ૧૪૫ તાલુકા અને ૧૬૫ શહેરોને સાથે ગુજરાતના ૧૦ હજાર ગામને સ્વચ્છ પીવાનું પાણી મળી રહેશે. તેમજ ખેડૂતો માટે આર્શિવાદરૂપ નર્મદાના પાણીથી ૧૮.૫ લાખ હેક્ટર જમીનને સિંચાઇની સુવિધા મળશે. એટલું જ નહીં સરદાર સરોવરના હાઇડ્રોપાવરથી દર વર્ષે એક અબજ કિલો વોટ વીજળી મળશે.

શ્રીજાડેજાએ જણાવ્યું કે પૂરતા પ્રમાણમાં પાણી મળવાથી ગુજરાતના પશુ-પાલકોને પૂરતા પ્રમાણમાં પાણી તથા ઘાસચારો મળશે, ઉદ્યોગોનો વિકાસ થશે અને રોજગારીના અનેક દ્વારો પણ ખુલશે. અને રાજ્યભરમાં પીવાના પાણીની સમસ્યાનો પણ કાયમી ઉકેલ આવી જશે.

ગૃહરાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, અમદાવાદને સુજલામ સુફલામ અને અન્ય પાણી પૂરવઠાની યોજનાઓ દ્વારા નર્મદાના પાણીનો લાભ ભરપૂર પ્રમાણમાં મળ્યો છે. જેથી અમદાવાદ જિલ્લાની પીવાના પાણીની અને સિંચાઇની સમસ્યાઓ હલ થઇ છે તેના પાયામાં નર્મદાનું પાણી છે.

ગૃહરાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દ્વારા પ્રગતિશીલતા, પારદર્શિતા, નિર્ણયક્તા અને સંવેદનશીલતાના ચાર સ્તંભો પર ગુજરાતના વિકાસની પ્રક્રિયાને સતત આગળ વધારી રહ્યા છે. ગત વર્ષે વરસાદ ઓછો હતો ત્યારે રાજ્ય સરકાર દ્વારા જળસંચયના અનેક વ્યાપક કાર્યક્રમો રાજ્યભરમાં કરવામાં આવ્યા હતા. આ વર્ષે કુદરતની કૃપાથી ગુજરાતની ધરતી પર સારો એવો વરસાદ પડ્યો છે, ત્યારે ગુજરાતના તમામ ડેમો અને ચેકડેમો છલકાઇ ગયા છે ત્યારે સુજલામ સુફલામ જળસંચય યોજના દ્વારા ગામે-ગામ નર્મદાના નીર પહોંચાડવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે અમદાવાદના મેયરશ્રી બિજલબેન પટેલે જણાવ્યું કે, આજનો દિવસ ઐતિહાસિક છે અને આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ છે અને તેમણે ગુજરાત માટે જોયેલું સ્વપ્ન સરદાર ડેમ તેની પૂર્ણ સપાટીએ છે. આપણે એ દિવસના પણ સાક્ષી છીએ, જ્યારે ડેમના અવરોધો દૂર કરવા માટે નરેન્દ્રભાઇ ઉપવાસ પર ઉતર્યા હતા. ત્યારથી લઇને આજ દિન સુધીની આ ડેમના બાંધકામ અને નર્મદાના નીર ઘરે-ઘરે પહોંચે ત્યાં સુધીની ગાથા આપણે સૌ જાણીએ છીએ. પ્રધાનમંત્રી બન્યાના ફક્ત સત્તર જ દિવસમાં તેમણે આ ડેમના દરવાજાના બાંધકામ માટે મંજુરી આપી દીધી હતી. આજે નર્મદાના પાણીનો પ્રભાવ આપણા શહેર અમદાવાદની પ્રગતિમાં જોવા મળે છે.

આ પ્રસંગે સાસંદશ્રી કિરિટભાઇ સોંલકી, ધારાસભ્યશ્રી પ્રદીપભાઇ પરમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી વિજય નેહરા, વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ, ડેપ્યુટી ચેરમેનશ્રીઓ, મ્યુનિ કાઉન્સિલરશ્રીઓ, ડે.મ્યુનિ.કમિશ્નરશ્રીઓ, સાધુસંતો અને કલા-જગત સાથે સંકળાયેલા કલાકારો સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.