Western Times News

Gujarati News

નહેરુબ્રીજ પર ચાલતાં જતા યુવકને આંતરી રીક્ષા ગેંગે મોબાઈલ ફોનની લુંટ ચલાવી

રીક્ષા ગેંગનો વધતો આતંકઃ પોલીસની કાર્યવાહી છતાં લુંટારા પર કોઈ અસર નહી

(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરમાં ત્રાસ ફેલાવતી વિવિધ રીક્ષા ગેંગોએ આતંક ફેલાવ્યો છે રીક્ષામાં આવીને મુસાફરોને અવાવરું જગ્યા પર લઈ જઈ લુંટી લેતી ગેંગના પરાક્રમો લગભગ રોજનો ઘટનાક્રમ બની ચૂકયો છે કેટલીક વખત રસ્તે ચાલતા જતાં રાહદારીઓને આંતરી તેમને પણ ધારદાર હથિયારો બતાવી આ ખતરનાક ગેંગો ખુલ્લેઆમ લુંટ ચલાવી રહી છે.

પોલીસની એજન્સીઓ દ્વારા ભુતકાળમાં આવી ગેંગોના કેટલાંક સભ્યોને મુદ્દામાલ સહીત ઝડપી લેવામાં આવ્યા છતાં તેમનું મનોબળ તુટવાને બદલે સતત વધી રહયુ છે પોલીસને જાણે ચેલેન્જ આપતા હોય એમ આ ગેંગો હવે શહેરના વિવિધ વિસ્તારોમાં સક્રીય થઈ છે. શહેરમાં ઠેરઠેર સીસીટીવી હોવા છતાં ગુનેગાર સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ રહી છે આ સ્થિતિમાં   ગત રોજ નહેરુબ્રીજ ઉપર જતાં બે યુવાનોને લુંટવામાં આવ્યા છે.

નરેન્દ્રભાઈ ભગવાનભાઈ સોલંકી ખેડાના સિંગોડીયા ગામે રહે છે અને નવરંગપુરામાં આવેલા એક ખાનગી કલાસીસમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી છે

કેટલાંક દિવસો અગાઉ નરેન્દ્રભાઈ તેમના મિત્ર ગુણવંત ડાભી સાથે કલાસીસ ખાતે જતા હતા બંને મિત્રો સવારે નવ વાગ્યે નહેરુબ્રીજ પરથી ચાલતા નવરંગપુરા તરફ જઈ રહયા હતા એ સમયે અચાનક ફુલ સ્પીડે આવેલી રીક્ષા તેમની આગળ ઉભી રહી ગઈ હતી

જેમાં પાછળની સીટમાંથી બે શખ્સો ઉતરીને બંને યુવકો પાસે આવ્યા હતા નરેન્દ્રભાઈ સાથે ઝપાઝપી કરી શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ઝુંટવીને રીક્ષામાં પલાયન થઈ ગયા હતા આ અંગે તેમણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.