Western Times News

Gujarati News

નાનુ ગામ મોટી સિધ્ધી… શાળાના ૧૪૦ જેટલા બાળકો સ્કેટિંગ કરે છે….

સ્કેટિંગમાં રોપડા શાળાએ ૧૦ ગોલ્ડ ૭ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર રાજ્યમાં ખ્યાતિ મેળવી છે. ગામના રોડ પર સ્કેટીંગ પર દોડતી સિધ્ધી

“ સાહેબ મારે પૈડા વાળા બુટ પહેરવા છે…” ૧૦  વર્ષના માસૂમ અંકુશ ઠાકોરના મુખમાંથી સરેલા આ શબ્દોએ શાળાના આચાર્ય નિશીથ આચાર્યના દિલ-દીમાગમાં અજબની હલચલ મચાવી દીધી…

મહત્તમ ઠાકોર સમાજની વસતિ ધરાવતું આ ગામ અમદાવાદની નજીક છે… આ શાળાના બાળકો સ્કેટિંગ માં ચેમ્પિયન બન્યા અને પોતાનું તથા શાળાનું નામ રોશન કર્યું  છે.  ગામની શાળામાં કુલ ૨૨૦ પૈકી  ૧૪૦ જેટલા બાળકો સ્કેટિંગ કરી શકે છે તથા ૮૦ જેટલા બાળકોએ કરાટેની પાંચ જેટલી તાલીમ મેળવી છે.

રોપડા ગામની સરકારી શાળામાં વર્ષ ૨૦૧૫થી અલગ અલગ વિષયો પર ભણવાની  સાથે વિવિધ મૂલ્યવર્ધિ પ્રવૃતિઓ અને રમત-ગમત પ્રત્યે પણ પ્રોત્સાહન અપાય છે.  શરૂઆતમાં શાળાના બાળકો રમતોત્સવમાં દોડ, કૂદ, ગોળાફેંક, ખોખો, કબ્બડી જેવી રમતમાં હોંશે હોંશે પ્રેક્ટિસ કરી ભાગ લેતા જિલ્લા કક્ષા સુધી પહોંચતા. શિક્ષકો તેઓને પ્રેક્ટિસ કરાવતા  બાળકોને વિવિધ રમતો પ્રત્યે વાકેફ કરી દરેક રમતો પ્રત્યે ધ્યાન આપવા જણાવતા… વિદ્યાર્થીઓ પણ ગાંજ્યા જાય તેવા નથી…

ગૂગલ અને યુ ટ્યુબનો સહારો લઇ રમતોના વીડિયો જોતા થયા અને નૃત્ય કરવાનું શીખી કોરિયોગ્રાફર બન્યા… શાળાનાં શિક્ષકો પણ રસ લઈ તેમને વિવિધ રમતોના વિડીયો બતાવતા…ધીમે ધીમે  શાળાના વિદ્યાર્થીઓમાં સ્કેટિંગની રમત પ્રત્યે ભાવના જાગી…આ રમતના માહિર અને કોચ શ્રી પ્રવીણ સર નો સંપર્ક કરી બાળકોને સ્કેટિંગ શીખવવા તૈયાર કર્યા… સરકારી શાળાના ગરીબ બાળકોને આ રમત પ્રત્યે રૂચિ જાણી તેમણે પણ રસ દાખવ્યો…જિલ્લા વિકાસ અધિકારી અને શિક્ષણાધિકારીશ્રીએ પણ આ માટે તત્પરતા દાખવી.. એક પછી એક બાળકો  આમાં પ્રાવીણ્યતા મેળવતા ગયા…અને પરિણામે પરિવર્સ સ્કેટિંગ ટુર્નામેન્ટમાં ભાગ લઇ વિશ્વ રેકોર્ડ કર્યો. ચિલ્ડ્રન વર્લ્ડ રેકોર્ડમાં શાળાના બાળકો અંકુશ, જૈમિત અને પ્રતીકે પણ સિધ્ધી હાંસલ કરી. શાળાની રિયા ઠાકોર, પન્ના ઠાકોર, જૈમિની ઠાકોર સ્કેટિંગની રમતમાં ખુબ નિપુણ હોઈ શાળા દ્વારા ભાગ લઈ ટુર્નામેન્ટમાં અવ્વલ નંબર મેળવ્યા છે.

આ સાથે શાળામાં શિક્ષણની સાથે અન્ય અભ્યાસિક પ્રવૃતિઓને પણ મહત્વ આપાય છે. દર શનિવાર “ફન ડે એક્ટિવિટી” જેમાં ઈન ડોર અને આઉટ ડોર રમતો રમાડાય છે. સાપ સીડી, નવો વેપાર, લુડો, ચેસ, કાર્ડ,  સૂર્ય નમસ્કાર, યોગા, એથ્લેટીક્સ, કરાટે, સ્કેટિંગ વગેરે જેવી રમતોને પ્રાધાન્ય આપી  અંગ્રેજી શિક્ષણ સાથે રમતને જોડવામાં આવી છે.

સ્કેટિંગ રમત શીખવવા આ બાળકોને વિના મુલ્યે પ્રવીણ ઠક્કર અને પર્વ પંડયાએ કોચિંગ અપાયું.. તથા કરાટે માટે પણ સુકાન્તો, પૂજન, મૌલિક દ્વારા વિના મુલ્યે કોચિંગ મળ્યું… એથ્લેટિક્સમાં ટ્રાન્સ્ટેડિયા દ્વારા બાળકો માટે ફિઝિકલ ટેસ્ટ પણ વિના મુલ્યે લેવાઈ.. બાળકોને પ્રોત્સાહિત કરી તથા વધુ સારા પ્રદર્શન કરવા ડાયેટ પ્લાન બનાવવામાં આવ્યો. ત્યારબાદ સમયાંતરે બાળકોના શિક્ષણ અને રમત બંને પર તેની સારી અસર જોવા મળી. બાળકો સ્કેટિંગ માં ચેમ્પિયન બન્યા અને પોતાનું તથા શાળાનું નામ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં પ્રચલિત બન્યું.

શાળાના આચર્ય શ્રી નિશીથ આચાર્ય કહે છે કે…” જ્યારે રોપડા ગામમાં વિવિધ રમતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું ત્યારે શરૂઆતમાં વાલીઓને ખાસ રસ નહતો… પણ ક્રમશ:  બાળકોને તેમના વાલીઓ દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું.  આ ઉપરાંત ખો-ખો ની રમતમાં શાળાની કન્યાઓ 3 વાર જિલ્લા કક્ષા સુધી રમી છે અને રમતના લીધે તેમનામાં બૌદ્ધિક તથા શારીરિક ફાયદા જોવા મળ્યા..શાળાની આ સિધ્ધીને ધ્યાને લઈ  મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે પણ પ્રદર્શિત કરી પોતાની સહી કરેલું બેટ શાળાને સ્મૃતિચિહ્નન તરીકે આપ્યું. શાળાના બાળકોને પોતાના તથા આ સરકારી શાળા પર ગર્વ મહેસુસ થવા લાગ્યો. પોતે કઈ સારું કર્યું હોય તેમ તેઓનો આત્મ વિશ્વાસ વધ્યો છે…” એમ તેઓ ઉમેરે છે.

અત્યારે શાળાની રિયા ઠાકોર અને જૈમિની ઠાકોર રમતમાં ગોલ્ડ મેડલ મેળવીને વર્ષ ૨૦૧૮માં બે વખત ખુબ સન્માન પ્રાપ્ત કર્યું છે. શાળામાં દીકરી માટે સેલ્ફ ડિફેન્સ, યોગા, સૂર્ય નમસ્કાર ,કરાટે , સેનેટરી નેપકીન અવેરનેસ, ૧૮૧ની મુલાકાત જેવા વર્ગ ચલાવાય છે.  શાળામાં સ્માર્ટ કલાસ દ્વારા ડિજિટલ શિક્ષણ સાથે કોપ્યુટર શીખવાય છે. શાળાના ઈ મેઈલ, ટ્વિટર, ગૂગલ બ્લોગ, યુ ટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર શાળાની તમમ પ્રવૃતિઓ પ્રદર્શિત થતા. શાળા સાથે જોડાયેલ દેશ વિદેશના વ્યક્તિ પણ નિહાળી સુજાવ આપી શકે છે.

રોપડા ગામમાં ક્યાંય ખુલ્લી જગ્યા કે મેદાન નથી તેમ છતાં રોડ પર પ્રેક્ટિસ કરી બાળકોએ આ સિદ્ધિ મેળવી છે.  આધુનિક સમયમાં  શહેરનું શિક્ષણ મોંઘુ બનતું જાય છે પણ ક્યાંક રોપડા જેવી સરકારી પ્રાથમિક શાળા ભવિષ્ય ની આશ સાથે સૌને સાથે રાખી સમગ્ર બાળકોના ઉચ્ચ ભવિષ્ય  સાથે મીટ માંડી રહ્યું છે. આ શાળાના સ્કેટિંગનું ઇમ્પેક્ટ પણ ગજબનું પડ્યું છે. રોપડાની આજુ બાજુના ગામમાં રહેતા સગા સંબંધીના બાળકો પણ સ્કેટિંગ કરી રહયા છે. (આલેખન- હિમાંશુ ઉપાધ્યાય, અમદાવાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.