Western Times News

Gujarati News

પોસ્ટકાર્ડથી સંબંધોમાં આત્મીયતા જળવાતી હતી !

એક જમાનામં ટપાલીને મોઢું મીઠુ કરાવવાની પરંપરા હતી: આજે ટપાલી કે પોસ્ટમેન શબ્દ લુપ્ત થઈ રહયો છે: ટપાલ લખવાની પ્રથા આપણે સૌએ શરૂ કરવી પડશે. તો જ પોસ્ટકાર્ડ અને ટપાલી જીવંત રહેશે

પોસ્ટકાર્ડના કારણે ઘણાં બધાં સંબંધો બન્યા છે, અને પોસ્ટ ઓફિસે આ બધાં સંબંધોને સાચવ્યા પણ છે. એક સમયે ગામ હોય કે શહેર પણ સૌ કોઈ ટપાલીની કાગડોળે રાહ જોતા અને ટપાલી કોઈવાર સારા સમાચાર લાવે તો તેનું મોઢું મીઠુ કરાવતા અને ટપાલીને બક્ષિસ પણ આપતા હતા આજે આવા સંબંધો રહયા નથી કેમકે હવે કોઈ સ્વઅક્ષરે ટપાલ (પોસ્ટકાર્ડ) પણ લખતા નથી. કેમકે નવી ટેકનોલોજીથી પોસ્ટકાર્ડ કે અન્તર દેશી પત્ર અથવા કવર લખતા નથી બસ મોબાઈલ હાથમાં લીધો એટલે દૂરના સગાં સંબંધીઓને ફોન અથવા મેઈલ તેમજ વોટસએપ પર મેસેજ કરી લઈએ છીએ. આપણી નવી પેઢી કદાચ પોસ્ટમેન શબ્દ ભૂલી જશે એવુ લાગી રહયુ છે.

એક જમાનામાં પોસ્ટકાર્ડ જે પરણેલી દીકરીના ઘેર લખવામાં આવતો અને બાપુજી હુકમ પણ કરતાં કે સાસરે ગયેલી દીકરીને પોસ્ટકાર્ડ જ લખવાનો જેથી તેના સાસરિયાઓમાં જે કોઈને વાંચવુ હોય તે વાંચી શકતા પણ આજે મોબાઈલનું ચલણ વધતા જાણે એ પ્રથા લુપ્ત થઈ ગઈ છે અને હવે બધુ છાનુ રહેવા માંડ્યુ છે એટલે માનવી પણ બધુ છાનુ રાખવા માંડ્યો છે.
શહેર હોય કે ગામ જયાં ટપાલ સેવા પહોંચી ન હોય એવુ એક પણ ઘર બાકાત નહિ હોય ! અંતરિયાળ ગામાં પણ ઘેર-ઘેર ટપાલ પહોંચતી અને ટપાલી પણ ઉનાળો હોય કે કડકડતી ઠંડી હોય કે પછી વરસાદ વરસતો હોય પણ પોસ્ટમેન ટપાલ બરાબર સમયસર પહોંચતી કરતા. એક સમયે ટપાલમાં જ પરિક્ષાના પરિણામ આવતા અને જો દિકરો કે દીકરી પાસ થયા હોય તો ટપાલીને મોં મીઠુ પણ કરાવતા હતા. આજે પોસ્ટ ઓફિસોમાં કામદારોની છટણી થઈ રહી છે અને જાણે મરવાના વાંકે પોસ્ટ સેવા ચાલી રહી હોવાથી ટપાલીની હાલત દયનીય જાવા મળી રહી છે.

ગામમાં તો અચૂક એકાતરા દિવસે ટપાલી આવતો પણ શહેરોમાં રોજબરોજ ટપાલી આવતો અને ૧,ર,૩,૪ કે પાંચમા માળે ટપાલી ટપાલ પહોંચાડતા હતા આજે તો હવે લીફટ આવી ગઈ છે છતાં ટપાલીઓ નિસાસા નાંખીને ટપાલ સેવા આપી રહયા છે એ જમાનામાં ટપાલી સાથેના ભાવભર્યા સંબંધો હતા જે આજે રહયા નથી.

ગામમાં ચોરા પાસે લાલ કલરના ટપાલ પેટી જોવા મળતી શહેરોમાં પણ અમુક અંતરે આવી લાલ કલરની ટપાલ પેટી જાવા મળતી જે આજે ગણી ગાંઠી જગાએ જાવા મળે છે એ પ્રમાણે મનીઓર્ડરની પ્રથા હતી શહેરમાંથી ગામમાં માતા-પિતાને કે ભાઈ-ભાભીને મનીઓર્ડરથી પૈસા પહોંચતા કરવામાં ટપાલીનો મહત્વનો ફાળો હતો તે સ્થાન આંગડીયા પેઢી કે કુરિયરે લીધુ જે આજે હવે નેટ બેકીંગ પ્રથાએ લઈ લીધુ છે. ટેકનોલોજી વધી સારી વાત છે પરંતુ જે આત્મીયતાનો ભાવ ટપાલીમાં જાવા મળતો તેવો ભાવ આજે ક્યાંય જાવા મળતો નથી.

શહેરમાં દિકરો ભણવા કે કમાવા ગયો હોય એટલે દિકરો અચૂક તેના પરિવારમાં ટપાલ લખતો તેની ટપાલ વાંચતા ઘણાં માતા-પિતાની આંખો ભીની થઈ હશે ! ટપાલ વાંચતા ગામના માણસોને ન આવડે તો ટપાલી ખુદ મા-બાપને દિકરાની ટપાલ વાંચી સંભળાવતો ત્યારે ટપાલીની આંખ પણ ભીની થતી હતી કારણ કે પત્ર લખવાની અને વાંચવાની મજા કંઈક જુદી હતી અને તેમાં પરિવાર પ્રત્યેની આત્મીયતા વધતી હતી આજે સગવડ વધી પણ આત્મીયતા રહી નથી.

આપડામાંથી ઘણાંએ પોસ્ટમેન (ટપાલી)ને ટપાલ વહેંચતા જાયા હશે અને ટપાલ પણ સગા-વહાલાઓને લખી હશે ! આજે કેટલાં લોકો ટપાલ લખે છે ? રક્ષા બંધનનો તહેવાર હોય એટલે ટપાલમાં રાખડી મોકલવાનો રિવાજ હતો કારણ કે ગામની દિકરીને શહેરમાં પરણાવી હોય એટલે ટપાલમાં જ કવર મારફતે રાખડી મોકલાતી અને ભાઈ પણ બેનને મીનઓર્ડર દ્વારા તેની યથાશકિત નાણાં મોકલતો ! અને જા સમયસર રાખડી ન પહોંચી હોય તો ભાઈ અને બહેન રડી પડતા આજે આવા સંબંધ ક્યાંય જોવા મળતા નથી.

એ સમયે કવર ઉપર અવનવી ડિઝાઈનવાળી ટિકિટો ચોંટાડવામાં આવતી જેનું કલેકશન પણ લોકો કરતા આજે પણ જૂના જમાનાની ટિકિટોનું કલેકશન કેટલાંક લોકો પાસે હશે ! જો આગામી પેઢીને ટપાલી કે પોસ્ટમેન જેવો શબ્દ જાળવી રાખવો હશે તો તમારામાંથી કેટલાંકે તો નિયમિત પોસ્ટકાર્ડ કે કવર લખવાની પ્રથા ફરી પાછી જીવંત કરવી પડશે. આજે પોસ્ટમેન છે પણ પોસ્ટ ઓફિસો ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. શહેરોમાં તો પોસ્ટ ઓફિસો ચાલી રહી છે પણ ગામડાઓમાં પોસ્ટ ઓફિસો બંધ થવા માંડી છે. જા આપણે ટપાલી કે પોસ્ટ ઓફિસોને જીવંત નહિ કરીએ તો તેઓની હાલત કફોડી બનશે સાથે સાથે માનવી માનવી વચ્ચેના સંબંધોની આત્મીયતા પણ નહીં રહે !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.