Western Times News

Gujarati News

પોસ્ટ ઓફિસના ૬૦૬ ખાતામાંથી ગરબડ કરીને ૧૮.૬૦ કરોડ રૂપિયા ઉપાડી લીધા

પ્રતિકાત્મક

અમદાવાદ, અમદાવાદની પોલિટેકનિક પોસ્ટ ઑફિસમાં ખાતેદારે બંધ કરાવી દીધેલા એકાઉન્ટને ફરીથી ઓપન કરીને તેમાં અગાઉ હતી તેટલી ડિપોઝિટ ગેરકાયદેસર રીતે ઉપાડીને ઘરભેગી કરી દેવાનું અંદાજે રૂપિયા ૧૮.૬૦ કરોડનું કૌભાંડ પકડાયું છે.

પોલીટેકનિક પોસ્ટ ઑફિસમાં અંદાજે ૬૬૦૬ ખાતાઓમાંથી આ રીતે કરોડો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. પોસ્ટ ઑફિસમાં પહેલા સંચય પોસ્ટ નામના સોફ્ટવેરમાં કામ થતું હતું. આ સોફ્ટવેર બદલીને ફિનેકલમાં કામ કરવાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે પોલીટેકનિક પોસ્ટ ઑફિસના કર્મચારીઓએ જૂના બંધ થઈ ગયેલા એકાઉન્ટમાં કેટલીક રકમની એન્ટ્રીઓ નાખી દીધી હતી.

આ એન્ટ્રીઓ નાખવાને કારણે જૂના એકાઉન્ટ સંચય પોસ્ટમાંથી ફિનેકલ સોફ્ટવેરની સિસ્ટમમાં ટ્રાન્સફર થયા ત્યારે તે એકાઉન્ટ પાછા લાઈવ થઈ ગયા હતા. આ એકાઉન્ટમાંથી તેમણે તે નાણાં ઉપાડ ી લઈને ઘરભેગા કરી દીધા હતા. આ રીતે અંદાજે ૬૦૬ ખાતાઓમાં ગરબડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

દેશની પોસ્ટ ઑફિસના આર્થિક વહેવારના ડેટા પર ચેન્નઈથી નજર રાખવામાં આવે છે. ચેન્નઈ કચેરીના ધ્યાનમાં માર્ચ ૨૦૨૧માં આ હકીકત બહાર આવી હોવાનુ ંજાણવા મળી રહ્યું છે. તેથી ચેન્નઈ ઑફિસે આ ખાતાઓની તપાસ કરવાની સૂચના આપી હતી. અમદાવાદમાં આ અંગે તપાસ કરવામાં આવતા તેમાં તથ્ય હોવાનું જણાયું હતું.

આ રીતે ૬૦૬ ખાતાઓમાં મળીને રૂા. ૧૮,૬૦,૮૭,૫૮૦નો ગેરકાયદેસર ઉપાડ કરી લેવામાં આવ્યો છે.પોલિટેકનિક પોસ્ટ ઑફિસના ખાતાઓમાં થયેલા આ ઉપાડની વિગતોનું સુપરવિઝન નવરંગપુરા ઑફિસના સ્ટાફને માથે આવે છે. આ કૌભાંડમાં સંકળાયેલા કર્મચારીઓ પાસેથી કૌભાંડની રકમના ૧૦ ટકા રકમની રિકવરી કાઢવા માંડી છે. મળતી માહિતી મુજબ એક જ કર્મચારી પાસે રૂા. ૯૯ લાખની રિકવરી કાઢવામાં આવી છે. પોણા બેથી બે કરોડની રિકવરી નીકળવાની સંભાવના છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.