Western Times News

Gujarati News

હું અને ભુપેન્દ્ર મિત્રો છીએ હું નારાજ નથી: નીતિન પટેલ

અમદાવાદ, ગઈકાલની મોટી જાહેરાત બાદ નારાજગી ના હોવાની વાત કરીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પોતાના મિત્ર અને તેમની સાથે વર્ષો જૂના પારિવારિક સંબંધ હોવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, નવા મુખ્યમંત્રી ધારાસભ્ય નહોતા અને અમદાવાદ મ્યુનિસિપક કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા કે ઔડાના ચેરમેન હતા ત્યારથી અમે સારા મિત્રો છીએ.

આ વાત કરીને પોતાની નારાજગી અંગે જે વાતો ચાલી રહી હતી તેને નીતિન પટેલે ફગાવી દીધી છે અને તેમને જે પણ જવાબદારી આપવામાં આવશે તેઓ તેને નિભાવશે તેમ પણ જણાવ્યું છે. આજે નવા બનેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના કાર્યક્રમોની શરુઆત કરે કે મંદિરે દર્શન કરવા જાય તે પહેલા તેઓ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવાસસ્થાન પર તેમને મળવા માટે પહોંચ્યા હતા.

અહીં તેમણે નીતિન પટેલને પગે લાગીને તેમના આશિર્વાદ લીધા બાદ ઔપચારિક મુલાકાત કરી હતી. આ મુલાકાતા બાદ તેઓ અહીંથી આગળના કાર્યક્રમો માટે રવાના થઈ ગયા હતા. જ્યારે નીતિન પટેલે પત્રકારો સાથે વાત કરીને પોતાની નારાજગી અંગેની વાતોને ફગાવી દીધી છે અને પોતે ગઈકાલે પૂર્વ આયોજિત કાર્યક્રમ હોવાથી કમલમથી મહેસાણા જવા માટે રવાના થઈ ગયા હોવાનું જણાવ્યું હતું.

નીતિન પટેલે જણાવ્યું કે અમારા જૂના અને પારિવારિક સંબંધ છે હું તેમના ત્યાં અને તેઓ મારા ત્યાં પ્રસંગોમાં આવતા રહે છે, મેં તેઓ જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારે તેમના કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરવાનું હતું ત્યારે મને બોલાવ્યો હતો.

મહેસાણામાં યોજાયેલી સભામાં પણ મેં ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી બન્યા તે બદલ લોકોને સ્ટેન્ડિંગ ઓવેશન આપવા માટે વિનંતી કરી હતી. નીતિન પટેલે ભુપેન્દ્ર પટેલને પોતાના મિત્ર ગણાવીને એમ પણ કહ્યું કે તેઓ મારા પાડોશી પણ છે.

નીતિન પટેલે કહ્યું કે, ભુપેન્દ્ર પટેલની મારા ઘરે મુલાકાત થઈ ત્યારે મેં તેમને ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવી છે આ સાથે તેમણે પણ મને કહ્યું કે જ્યારે મારે જરુર હોય ત્યારે તમેં મદદરુપ થજાે. સલાહ-સૂચન હોય તો પણ કહેજાે. આવામાં મારી જવાબદારી છે કે અમારા મુખ્યમંત્રી હોય મારા મિત્ર હોય આવામાં તેમને મદદની કે સહાયની જરુર હોય ત્યારે હું તેમની સાથે જ છું.

જ્યારે પત્રકારોએ નીતિન પટેલના ગઈકાલના નિવેદન અને નારાજગી અંગે વાત કરી તો તેમણે કહ્યું, જરાય નહીં.. આ બધું તમે લોકો બનાવો છો, અને તમે લોકો જ આવી મોટી-મોટી વાતો મૂકો છો. આ તમારો વ્યવસાય છે તમે કરતા રહો છો. આગળ નીતિન પટેલે કહ્યું કે, મેં વારંવાર કહ્યું છે કે ૧૮ વર્ષનો હતો ત્યારે જનસંઘ સાથે હતો અને આજે અને આવનારા સમયમાં ભાજપનો કાર્યકર રહીશ. કોઈ સ્થાન કે જગ્યા મળે કે ના મળે એ મોટી વાત નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.