Western Times News

Gujarati News

આદિવાસીઓને મળેલ બંધારણીય તેમજ કાયદાકીય અધિકારીનું પૂરેપૂરા અમલવારી થાય તે બાબતે આવેદન પત્ર આપ્યું

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

આવેદનપત્રમાં વન સમિતિની પુનઃ રચના, જંગલ જમીનના દાવેદારોની અરજી, ગામડાઓમાં જતી બંધ કરેલ એસટી રુટ ચાલુ કરવા તથા ગામડાના રસ્તા બનાવવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
(પ્રતિનિધિ) ભરૂચ, રાજ્યભરના આદિવાસીઓ બંધારણમાં મળેલા તેમના હક અને અધિકાર માટે આઝાદીના આટલા વર્ષો પછી પણ લડત ચલાવી રહ્યા છે જે તંત્ર માટે  શરમજનક બાબત કહી શકાય.આજરોજ ઝઘડિયા તાલુકાના જય આદિવાસી મહાસંઘ દ્વારા પ્રાંત અધિકારીને આદિવાસીઓને મળેલ બંધારણીય અને કાયદાકીય અધિકારીનો પૂરેપૂરી અમલવારી થાય તે બાબતે વિવિધ મુદ્દાઓને લઈ આવેદનપત્ર પાઠવ્યું છે.
આવેદનપત્રની નકલ સંઘ દ્વારા કલેક્ટર ભરૂચ,વિભાગીય ડેપો મેનેજર તેમજ ઝઘડિયા ડેપો મેનેજરને રવાના કરી છે.જય આદિવાસી મહાસંઘ દ્વારા આવેદનપત્રમાં જણાવાયું છે કે ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૦૭ ના રોજ યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં આદિવાસીઓના અધિકારના ઘોષણાપત્રથી સંમતિ આપવામાં આવી હતી.
આ એ જ પ્રક્રિયાનો ભાગ છે જેની દુનિયામાં આદિવાસી સંસ્કૃતિ બચાવવા શોષણને અટકાવવાના ભાગરૂપે સંશોધનો ચાલ્યા અને ૧૯૯૩માં વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરવામાં આવી અને ત્યારબાદ ૨૦૦૭ બાદ તેઓને આદિવાસી સંસ્કૃતિ બચાવવા, કુદરતને બચાવવાના હેતુથી વિશ્વ આદિવાસી અધિકારી દિવસની ઘોષણા થઈ હતી.
જય આદિવાસી મહાસંધે માંગ કરી હતી કે (૧) ભરૂચ જિલ્લાની જિલ્લા સ્તરીય વન અધિકાર સમિતિ અને ઝઘડિયા તાલુકાના તાલુકા સ્તરે વન અધિકારી સમિતિઓની પુન: રચના કરવામાં આવે (૨) ઝઘડિયા તાલુકામાં કુલ ૧૮ ગામોમાં જંગલ જમીનના દાવેદારોએ કુલ ૪૬૦ દાવા અરજી કરી હતી, તેમાંથી કુલ ૨૦૫ દાવા અરજી મંજુર થયેલ છે અને કુલ ૨૫૫ પેન્ડિંગ છે, જે પેન્ડીંગ દાવા અરજીની બાકી રહેલી અધુરી કામગીરી પૂર્ણ કરવા જિલ્લા તેમજ તાલુકા સ્તરે વન અધિકાર સમિતિનો પુનઃરચના કરી વન અધિકાર કાયદો ૨૦૦૬ ના મુજબ વ્યક્તિગત અને સામૂહિક અધિકારની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
(૩) ઝઘડિયા તાલુકા માંથી કોલીયાપાડા જતી એસટી બસ હાલમાં બંધ છે તથા  ઝઘડીયાથી રાજપારડી, નેત્રંગ,બેડા કંપની (થવા) જતી બસ હાલમાં બંધ છે જેથી સ્કુલ, કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને તેમજ તાલુકા જીલ્લાની કચેરીઓમાં કામ અર્થે આવતા લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે જેથી ઝઘડીયા થી આવતી બસ સવાર-સાંજ શરૂ કરવામાં આવે તથા ઝઘડીયા થી રાજપારડી,નેત્રંગ,બેડાકંપની જતી બસનો રોજ સ્કૂલના સમયે સવાર સાંજ બે ટાઈમ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે (૪) રજલવાડા બસ સ્ટેશનથી ગામ સુધી આશરે બે કિલોમીટર રસ્તો હાલમાં ખૂબ જ ગંભીર છે જેથી રજવાડા ગામના લોકોને ઘણી જ મુશ્કેલીઓ વેઠવી પડે છે તેમજ ગામમાં કોઈ બીમાર વ્યક્તિ હોય તો તેને ૧૦૮ નો લાભ મળી શકતો નથી તથા પીપરીયાથી ખોડાઆંબા થઈ આમલઝર ગામ સુધીનો જવાનો રસ્તો બનાવવા તથા રસ્તાની રીપેરીંગ કરવા માંગ કરવામાં આવી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.