Western Times News

Gujarati News

રાજકોટ-જામનગરમાં વરસાદનો કહેર, ૫૦૦૦ને સલામત ખસેડાયા

જામનગર, હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં વરસાદ જામ્યો છે. ત્યારે જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાથી કેટલાય વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે. જેના કારણે જામનગર તાલુકાના મોટાભાગના ડેમ પણ ઓવરફલો થઈ ચૂક્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલાવડમાં ધોધમાર ૧૦ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે તો જામનગરના મોટીબાણુગારમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ છે. મીડિયા રિપોર્ટ મુજબ ગામમાં અત્યારસુધીમાં ૨૨ ઈંચ જેટલો વરસાદ પડતા આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે સાથે જ કેટલાક ગામનો પણ સંપર્ક વિહોણા બન્યા છે.

રાજકોટમાં જિલ્લામાં મેઘતાંડવને કારણે સાવર્ત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા લોકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અત્યાર સુધી રાજકોટ અને જામનગર જિલ્લામાં ૫૦૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગાઃ સવારે ૬થી બપોરે ૨ વાગ્યા સુધી પડેલા વરસાદના આંકડાઃ જુનાગઢ- જુનાગઢ શહેર- ૪.૩૭ ઈંચ, વિસાવદર- ૧૩.૬૬ ઈંચ, રાજકોટ- જામકંડોરણા- ૩.૫૦ ઈંચ, ઉપલેટા- ૩.૦૩ ઈંચ, પડધરી- ૪.૫૬ ઈંચ, ગોંડલ- ૫ ઈંચ, ધોરાજી- ૭.૫૫ ઈંચ, રાજકોટ- ૧૧.૨૫ ઈંચ, લોધિકા-૧૩.૫૦ ઈંચ, જામનગર- કાલાવડ- ૧૦.૧૫ ઈંચ.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેર તથા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસેલા ભારે વરસાદના કારણે આજી-૨ ડેમમાં નવા નીર આવ્યા હતાં. ડેમ સપાટીએ પહોંચતા ચાર દરવાજા ખોલાયા છે. જેના કારણે આજી નદી બે કાંઠે વહેતી હોવાથી રામનાથ મહાદેવ મંદિર નજીકથી પાણીનો ધસમસતો પ્રવાહ જાેવા મળી રહ્યો છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોને એલર્ટ તેમજ લોકોને નદી કિનારે ન જવાની પ્રશાસન તરફથી સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

જૂનાગઢના માંગરોળ પંથકમાં ગતરાત વરસાદ પડી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ માંગરોળના ફુલરામા અને ઘેડ પંથકના ગામોમાં પાણી ભરાવવાનું શરૂ થયું છે. સવાર સુધીમાં તો માંગરોળનો ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ગયો છે. ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ગાંડીતુર બની ગઈ છે. આ ઉપરાંત દામોદર કુંડમાં પણ ઘોડાપૂર આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને કારણે જામનગર-રાજકોટ હાઈવે સંપૂર્ણપણે સંપર્ક વિહોણો થયો હોવાની માહિતી મળી છે. જામનગર શહેરની બહાર નીકળવાના તમામ ખીજડીયા બાયપાસ, ઘુવાવ પાસે આવેલા પૂલ અને હાઇવે પર પાણી વરસાદી પાણી ફરી વળ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઇ ચૂક્યું છે અને આસપાસના વિસ્તારો પણ બેટમાં ફેરવાઈ ગયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.