Western Times News

Gujarati News

સુરતમાં શિક્ષણ સમિતિનો ભાજપનો સભ્ય જુગાર રમતા ઝડપાયો

સુરત, રાજ્યમાં રાજકીય પાર્ટી સાથે સંકડાયેલા નેતાઓ જુગાર રમતા અથવા તો દારૂના મુદ્દામાલ સાથે પકડાયા હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. જેમાં ભાજપનો એક નેતા જુગાર રમતા પકડાયો છે. ભાજપનો આ નેતા સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિનો સભ્ય પણ છે. અગાઉ પણ તેનો દારૂનો બોટલ સાથે વીડિયો વાયરલ થયો હતો અને હવે તે જુગાર રમતા પકડાયો છે.

રિપોર્ટ અનુસાર પોલીસની બાતમી મળી હતી કે, સુરતના મોટા વરાછા વિસ્તારમાં વૃંદાવન સોસાયટીમાં આવેલી એક ઓફિસમાં કેટલાક લોકો એકઠા થઇને જુગાર રમી રહ્યા છે. તેથી પોલીસ દ્વારા વૃંદાવન સોસાયટીની ઓફિસમાં દરોડો કરવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે રેડ કરી તે સમયે ૯ જેટલા લોકો જુગાર રમી રહ્યા હતા. તેથી પોલીસે તમામ લોકોની ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા જુગાર રમતા પકડેલા આરોપીઓમાં નરેન્દ્ર ઘાનાણી, દિનેશ, કનુ પટેલ, ઘનશ્યામ વણઝારા, મૌલિક કાત્રોડીયા, અજય વસાણી, મનસુખ રાસડીયા, કેતન ઠક્કર, કિશન માંડવાણીયા અને રાકેશ ભીકડિયાનો સમાવેશ થાય છે.

જુગાર રમતા આરોપીમાં જે રાકેશ ભીકડિયા પકડાયો છે તે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભાજપનો સભ્ય છે.

ભાજપ દ્વારા શિક્ષણ સમિતિની ચૂંટણીમાં અપક્ષ તરીકે રાકેશ ભીકડિયાને ઉમેદવાર તરીકે મેદાને ઉતારવામાં આવ્યો હતો અને તેનો વિજય થયો છે. અગાઉ રાકેશ ભીકડિયાનો દારુ પીતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. નગરપાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણી સમયે રાકેશ ભીકડિયાનો દારૂ પીતો વીડિયો વાયરલ થતા વિપક્ષે ઘણા સવાલો ઉઠાવ્યા હતા.

આ ઘટનાના સુરતની અમરોલી પોલીસે ૬૭ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને ૯ લોકોની ધરપડક કરી છે. હવે જાેવાનું એ રહે છે કે, ભાજપનો નેતા જુગાર રમતા પકડાયો હોવાના કારણે શિસ્તબદ્ધ પાર્ટી ભાજપ તેની સામે કોઈ પગલાં ભરે છે કે નહીં. ભાજપનો શિક્ષણ સમિતિનો સભ્ય રાકેશ ભીકડિયા જુગાર રમતા પકડાયો હોવાના કારણે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કટાક્ષ કર્યો હતો કે, કોણ હશે એ દારુડીયો કે જે આજે જુગાર રમતા ઝડપાયો?HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.