જલપાઈગુડીમાં ઈન્ફ્લુએન્ઝા જેવી બિમારીનો આતંક, લગભગ ૧૫૦ બાળકો હોસ્પિટલમાં દાખલ

કોલકાતા, બંગાળના જલપાઈગુડી જિલ્લામાં ઈન્ફ્લુએન્ઝા જેવી બીમારીનો કહેર જાેવા મળી રહ્યો છે. જિલ્લામાં સતત બાળકો બીમાર થઈ રહ્યાં છે. જલપાઈગુડી જિલ્લા હોસ્પિટલના બાળરોગ વોર્ડમાં છેલ્લા ચાર દિવસથી રોજના ૪૦-૫૦ બાળકોને દાખલ કરવામાં આવી રહ્યાં છે. વોર્ડમાં લગભગ ૧૫૦ બાળકો દાખલ છે. બાળકોને તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોની સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે. બીમારીને લઈને જિલ્લાના લોકોમાં ભારે ડર છે.
બાળકોને તાવ, પેટ ખરાબ થવું સહિતના વિવિધ લક્ષણોની સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા ચાર દિવસમાં આવા તાવના કારણે લગભગ ૧૫૦થી વધુ બાળકોને જલપાઈગુડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જલપાઈગુડી જિલ્લા હોસ્પિટલના બાળરોગ વોર્ડમાં શરૂઆતમાં સરેરાશ ૫૦-૬૦ બાળકોને દાખલ કરાવવામાં આવ્યા હતા. જાેકે ૪-૫ દિવસમાં આ સંખ્યા ઘણી વધી ગઈ છે. તેને લઈને પ્રશાસનિક અધિકારી ચિંતિંત છે.
સ્વાસ્થ્ય વિભાગે એક નિવેદનમાં કહ્યું કે વોર્ડમાં ૧૨૦-૧૪૦ દર્દીઓ દાખલ છે. દર્દીઓની ઉંમર એકથી ચાર વર્ષની વચ્ચે છે. આ પૈકીના મોટાભાગનાને તાવ અને શરદી છે. જાેકે મોટાભાગના દર્દીઓનો કોવિડ-૧૯નો રિપોર્ટ નેગેટિવ છે. માત્ર એક બાળક જ કોવિડ પોઝિટિવ છે. તેને એસએનસીયુમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યું છે. મેલેરિયા અને ડેન્ગ્યુની તપાસ કરવામાં આવી છે. જાેકે ડોક્ટરે બાળકોમાં અચાનક તાવ અને પેટની બીમારીઓની સાથે-સાથે ઈન્ફ્લૂએન્ઝા વાઈરસના સંક્રમણ માટે જળવાયુ પરિવર્તનને જવાબદાર ગણાવ્યું છે.
સુચરિતા સરકાર નામની મહિલાના પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે છેલ્લા બે દિવસથી પુત્રને ૧૦૪-૧૦૫ તાવ છે. દવા લીધા પછી બે કલાક સુધી તાવ ઉતર્યો નહોતો. મજબૂરીમાં તેમણે હોસ્પિટલમાં આવવું પડ્યું.
હોસ્પિટલના અધિક્ષક રાહુલ ભૌમિકે જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ તમામ બાળકોનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ રોગ મુખ્યત્વે ૧થી ૩ વર્ષના બાળકોમાં થઈ રહ્યો છે. મામલાને લઈને જિલ્લા સ્વાસ્થ્ય વિભાગ પહેલા જ સ્વાસ્થ્ય ભવન સાથે વાત કરી ચુક્યું છે. જરૂરિયાત પડવા પર લોહી અને મળના નમૂનાને તપાસ માટે મોકલવામાં આવશે.
સ્વાસ્થ્ય વિભાગ એ શોધવાની કોશિશ કરી રહ્યું છે કે કયા વિસ્તારોમાંથી વધુ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે. તેમણે બાળકોને તાવ આવવા પર કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર તેમને હોસ્પિટલમાં લાવવાની સલાહ આપી છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાથી પહેલેથી જ ડરનો માહોલ છે. પહેલા કેટલાક ડોકટર્સે કહ્યું હતું કે સંક્રમણની ત્રીજી લહેરમાં મોટા પ્રમાણમાં બાળકો સંક્રમિત થવાની શક્યતા છે.HS