Western Times News

Gujarati News

ભાવનગરના યુવાનનું નામ દેશનાં અમીરોની યાદીમાં

ગાંધીનગર, હાલમાં જ આઈઆઈએફએલ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં દેશનાં ૧૦૦ સૌથી અમીર વ્યક્તિઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટમાં ભાવનગરના ૨૩ વર્ષીય યુવાનનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.

૨૩ વર્ષીય શાશ્વત નાકરાણી અમીરોના લિસ્ટમાં સામેલ સૌથી યુવા વ્યક્તિ છે. તે ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ ‘ભારત પે’ના ફાઉન્ડર છે. તેણે આજથી ચાર વર્ષ પહેલાં એટલે કે ૧૯ વર્ષની ઉંમરે અશ્નીર ગ્રોવર સાથે મળીને ભારત પે ક્યુઆર કોડ બનાવ્યું હતું. અને આજે તે એટલું સક્સેસફુલ બની ગયું છે કે, શાશ્ચતનું નામ દેશનાં અમીરોની લિસ્ટમાં સામેલ થઈ ગયું છે.

IIFL વેલ્થ હુરુન લિસ્ટમાં ભારતમાં એવાં વ્યક્તિઓને સામેલ કરવામાં આવે છે, જેમની સંપત્તિ ૧૦૦૦ કરોડથી વધારે છે. શાશ્વત ભાવનગરથી છે. વર્ષ ૨૦૧૫માં તેણે IIT દિલ્હી જાેઈન કર્યું હતું. તેણે ટેક્સટાઈલ ટેક્નોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેણે ઓનલાઈન પેમેન્ટ માર્કેટમાં ગેપની ઓળખ કરીને એક એવું પેમેન્ટ ગેટ વે બનાવવાનું નક્કી કર્યું, કે જેને વેપારીઓ પણ એક્સેસ કરી શકે અને તેમનું માર્જિન પણ ઘટે નહીં.

જે બાદ તેણે તેના ઉકેલ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું, કે જે યુપીઆઈના ઈન્ટરઓપરેબિલિટી ફીચરનો ફાયદો ઉઠાવીને વેપારીઓની મદદ કરી શકે. તેવામાં નાકરાણીએ એક યુનિક સોલ્યુશન લાવ્યો હતો, જેની મદદથી વેપારીઓને અલગ-અલગ પેમેન્ટ એપ્સ માટે અલગ-અલગ ક્યુઆર કોડની ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ.

શાશ્વત IIT દિલ્હીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો, તે સમયે તેણે વર્ષ ૨૦૧૮માં અશ્નીર ગ્રોવરની સાથે ભારત પે ક્યુઆર કોડ બનાવ્યું હતું. ભારત પે વેપારીઓ માટે એક એવો સિંગલ ક્યુઆર કોડ છે, કે જે તમામ પેમેન્ટ એપ્સ જેવી કે પેટીએમ, ફોન પે, ગુગલ પે, ભીમ અને આ ઉપરાંત ૧૫૦થી વધારે યુપીઆઈ એપ્સથી પેમેન્ટ સ્વીકારે છે. ભારત પે સાથે દેશ-વિદેસના અનેક રોકાણકારોએ રોકાણ કર્યું છે.

અને હાલમાં ૭૦ લાખથી વધારે મર્ચેન્ટ ભારત પે સાથે જાેડાયેલાં છે. લોન્ચ થયાના ૬ મહિના બાદ જ ભારત પે દ્વારા લોન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. અને અત્યાર સુધી ૧૮૦૦ કરોડથી વધારેની લોન આપી ચૂક્યું છે. ભારત પે પણ ઝીરો પ્રોસેસિંગ ફી સાથે ૭ લાખ રૂપિયાની લોન લઈ શકાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.