Western Times News

Gujarati News

કોરોનાને કારણે વર્ષ ૨૦૨૦-૨૧માં મુસાફરોની અવર-જવર ઘટતાં એરપોર્ટને ૧૨૭ કરોડ રૂપિયાનું નુકસાન

અમદાવાદ, કોરોનાકાળમાં સમગ્ર દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું અને તેની અસર દેશની ઈકોનોમી પર પડી. સંક્રમણના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે દેશના તમામ ક્ષેત્રોને આર્થિક ફટકો પડયો છે અને તેમાં એરપોર્ટનો પણ સમાવેશ થાય છે.

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ગુજરાતના ૧૧માંથી ૯ એરપોર્ટને તોતિંગ આર્થિક નુકસાનનો સામનો કરવો પડયો છે. જેમાં અમદાવાદ એરપોર્ટને સૌથી વધુ રૂપિયા ૯૪.૧૦ કરોડનું નુકસાન થયું હતું. ગુજરાતના જે એરપોર્ટ ખોટથી બચ્યા છે તેમાં કંડલા અને પોરબંદરનો સમાવેશ થાય છે.૨૦૨૦-૨૧ દરમિયાન રાજ્યના એરપોર્ટને કુલ રૂપિયા ૧૨૭ કરોડથી વધુનું નુકસાન થયું છે.

દેશભરમાં કેટલાક એરપોર્ટ એવા છે જેઓ નાણાકીય વર્ષ દરમિયાન નફો રળવામાં સફળ રહ્યા છે. જેમાં અમદાવાદ એરપોર્ટનો પણ સમાવેશ થતો હતો. પરંતુ કોરોના વાયરસને પગલે એર ટ્રાફિક ઠપ રહેતાં અમદાવાદ એરપોર્ટને રૂપિયા ૯૪.૧૦ કરોડનું નુકસાન થયું હતું.

અમદાવાદ એરપોર્ટ ખાતે દરરોજ સરેરાશ ૧૫ હજારથી વધુ મુસાફરોની અવર-જવર નોંધાતી હોય છે. પરંતુ અઢી મહિના સુધી બંધ રહેલી ફ્લાઇટ અને અનલોક બાદ પણ મુસાફરોની અવર-જવર ઘટીને ૫ હજાર થઇ ગઇ હતી.

આ વર્ષે પણ ફેબ્રુઆરીથી મે દરમિયાન મુસાફરોની સંખ્યા સાધારણ હતી. હવે કોરોનાના કેસ ઘટતાં અમદાવાદ એરપોર્ટમાં દૈનિક મુસાફરોની સંખ્યા હવે વધીને ૧૨ હજાર થઇ ગઇ છે. હજુ આવનારા મહિનાઓમાં અમદાવાદ એરપોર્ટ ખાતે મુસાફરોની દૈનિક અવર-જવર ૧૫ હજાર થઇ શકે છે.

ગુજરાતના અન્ય એરપોર્ટમાંથી વડોદરાને રૂપિયા ૪૩.૭૮ કરોડ, સુરતને રૂપિયા ૩૦.૪૩ કરોડ, રાજકોટને રૂપિયા ૨૩.૪૯ કરોડના નુકસાનનો સામનો કરવો પડયો હતો. રસપ્રદ રીતે પોરબંદર અને કંડલા એરપોર્ટને ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦માં નુકસાન થયું હતું. જ્યારે ૨૦૨૦-૨૧માં નફો કર્યો હતો.

૨૦૨૦-૨૧ દરમિયાન રાજ્યના એરપોર્ટને કુલ રૂપિયા ૧૨૭ કરોડથી વધુનું નુકસાન થયું છે. ૨૦૧૯-૨૦માં રાજ્યના એરપોર્ટમાંથી કુલ ૧.૪૨ કરોડ લોકોએ મુસાફરી કરી હતી. પરંતુ ૨૦૨૦-૨૧માં મુસાફરોની સંખ્યા ઘટીને ૫૦ લાખે પણ પહોંચી શકી નથી. વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન દેશના અન્ય મોટા એરપોર્ટમાં મુંબઇને રૂ ૩૮૪.૮૧ કરોડ, દિલ્હીને રૂ. ૩૧૭.૪૧ કરોડ, ચેન્નાઇને રૂ. ૨૫૩.૩૯ કરોડ, કોલકાતાને રૂ. ૩૧.૦૪ કરોડના નુકસાનનો સામનો કરવો પડયો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.