Western Times News

Gujarati News

ખેતરોમાં વરસાદના પાણી ન સૂકાતાં પાક સડવાની ભીતિ

જેતપુર, સૌરાષ્ટ્રમાં આ વખતે ચોમાસાની શરૂઆતમાં અનાવૃષ્ટિ દુષ્કાળ જેવી હાલત હતી પરંતુ છેલ્લા દિવસોમાં વરસેલા વરસાદે અહીં અતિવૃષ્ટિ જેવી હાલત કરી નાખી છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેપુર વારાડુંગરા ગામના ખેડૂતો માટે તો અતિ વરસાદ હાલ મુશ્કેલી સર્જી છે.

અહીં સતત વરસેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, હજારો વીઘા જેટલા વિસ્તારમાં પાક ધોવાણ સાથે મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. રાજકોટ જિલ્લા અને તાલુકામાં સતત વરસી રહેલો વરસાદ ખડૂતો માટે મુશ્કેલી સમાન બની ગયો છો.

ત્યારે જેપુર વારાડુંગરા ગામના ખેડૂતો માટે તો આ વરસાદ આફત સમાન બની ગયો છે, સતત બે દિવસથી વરસી રહેલા વરસાદે ખેડૂતોને પરેશાન કરી નાખ્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં ૧થી લઈને ૨ ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભરાઈ ચુક્યા છે. સાથે બાજુમાં જ આવેલી છાપરવાળી નદીમાં પણ પૂર આવ્યું હતું.

છાપરવાડી નદીમાં પૂર આવવાને કારણે તે કાંઠા વિસ્તારના ખેડૂતોના ખેતરમાં ઘુસી ગયા હતા. ખેડૂતોને વાવેલી મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોનું ધોવાણ થઇ ગયું હતુ.

સતત પાણીમાં રહેવાને કારણે કપાસના ઝીંડવા કાળા પડીને સડવા લાગ્યા છે, આ સાથે મગફળીના છોડ સતત પાણીમાં રહેવાને કારણે મગફળીમાં બેસેલ સુયા અને પોપટા પણ ફરી ઉગવા લગતા મગફળીનો પાકને નુકસાન જઈ રહ્યું છે. સાથે સાથે સતત વરસાદને લઈને અહીંની જમીનમાંથી રેસ ફૂટી રહ્યાં છે જેને કારણે હવે જમીનમાંથી પાણી બહાર આવી રહ્યું છે. જે સ્થિતિ પાક માટે ખુબજ ખરાબ છે.

હાલ તો જેપુર વારાડુંગરા અને હજારો વીઘા જેટલા વિસ્તારના ખેતરોમાં ધોવાણ થયું છે અને ખેડૂતો હાલ આ વરસાદથી ત્રાહિમામ થઇ ગયા છે. વારા ડુંગરાના ખેડૂત, રમેશ ભાઈના જણાવ્યા પ્રમાણે, જેતપુર વારાડુંગરા ખેડૂતોની હજારો વીઘા જમીનના પાકનું ધોવાણ સામે આવી રહ્યું છે.

ત્યારે ખેડૂતો દ્વારા આવતી રવિ સીઝન અને ખરીફ પાકના વાવેતર માટે સરકાર પાસે તેવોના ખેતરોના ધોવાણનો સર્વે કરીને તાત્કાલિક ડિઝાસ્ટર એક્ટ મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અહીંના પાક ધોવાણ અને નુકસાનનો સર્વે કરવામાં આવે તેવી માગ છે.

ખેડૂતો માટે તો વરસાદ આવે તો પણ મોટી મુશ્કેલી અને ના આવે તો પણ મુશ્કેલી હાલ તો ખેડૂતો અતિ વૃષ્ટિ નો સામનો કરી રહ્યા છે જે જાેતા લીલો દુષ્કાળ સ્પષ્ટ દેખાય છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોની વહારે આવે અને મદદ કરે તે માંગ ઉઠી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.