Western Times News

Gujarati News

મ્યુનિ. ટેક્ષ વિભાગે ર૯ હજાર ફરીયાદોનો નિકાલ કર્યો

ખાલી બંધ યોજનાની ૧૩ હજાર પડતર ફાઈલો

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા બાકી લેણાની વસુલાત માટે મિલ્કતો સીલ કરવામાં આવે છે પરંતુ નાગરીકોની ફરીયાદોનો ઝડપથી નિકાલ કરવામાં આવતો નથી તે બાબત અનેક વખત સત્ય પુરવાર થઈ ચુકી છે.

મિલ્કતવેરામાં કરદાતાને સૌથી વધુ લાભ “ખાલી બંધ” યોજનામાં મળે છે સાથે સાથે મનપાને પણ ખાલી-બંધ ફાઈલોના નિકાલથી મોટી આવક થાય છે તેમ છતાં ટેક્ષખાતાના ચોપડે માત્ર ચાલુ નાણાકીય વર્ષની જ ૧૩ હજાર કરતા વધુ ફાઈલોનો નિકાલ બાકી છે.

આ ફાઈલોનો ઝડપથી નિકાલ કરવામાં આવે તો તંત્ર એ નાના વેપારીઓને હેરાનગતિ કરવાની જરૂર ન રહે તેટલી આવક થઈ શકે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. જયારે વર્તમાન નાણાંકીય વર્ષમાં ખાલી બંધ સિવાયની ર૯ હજાર ફરીયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના તમામ વિભાગોમાં નાગરીકોની સમસ્યાનો ઝડપથી ઉકેલ આવતો નથી મ્યુનિ. ટેક્ષ વિભાગમાં જાે ફરીયાદોનો ઝડપથી નિકાલ થાય તો તંત્રની આર્થિક સધ્ધરતા વધી શકે તેમ છે તેમ છતાં હજુ પણ આ ખાતામાં લાલિયાવાડી ચાલી રહી છે.

ટેક્ષખાતામાં “ખાલી બંધ” યોજનાના કારણે નાના-મોટા વેપારીઓને રાહત થાય છે પરંતુ પૂર્વ મ્યુનિ. કમિશ્નર વિજય નહેરાએ અચાનક “ખાલી બંધ” યોજના બંધ કરી હતી જેના કારણે વેપારીઓની હાલત કફોડી બની હતી તત્કાલીન શાસકોએ પણ પૂર્વ કમિશ્નર સામે નમતુ જાેખ્યુ હતુ.

મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં લઈને સદ્‌ર યોજના ફરી શરૂ કરવામાં આવી હતી પરંતુ તેમાં માત્ર જે તે નાણાકીય વર્ષ પૂરતી જ રાહત આપવામાં આવે છે. નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહીનામાં જ મિલ્કતધારકો તરફથી અરજી કરવામાં આવે છે જેના કારણે ફાઈલોનો ખડકલો થતો હોવાના કારણો તંત્ર દ્વારા આપવામાં આવી રહયા છે પરંતુ આ ફાઈલોનો જેટલો ઝડપથી નિકાલ થાય તેટલી તંત્રની આવક વધશે તે બાબત અધિકારીઓ અને શાસકો પણ સમજે છે પરંતુ તેનો અમલ કરતા નથી.

મ્યુનિ. રેવન્યુ કમીટી ચેરમેન જૈનિકભાઈ વકીલ અને ડે. ચેરમેન પ્રદીપભાઈ દવેના જણાવ્યા મુજબ અગાઉના વર્ષો કરતા હાલ ફરીયાદોના નિકાલમાં ઝડપ આવી છે. નાગરીકોને ઓછી હાલાકી થાય તે માટે “પેપર લેસ” કામગીરી કરવા માટે પણ જવાબદાર અધિકારીઓને સુચના આપવામાં આવી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં નવી આકારણી કરવા, આકારણી ઘટાડવા, ડુપ્લીકેટ બીલ, માલિક નામ બદલવા, સરનામા બદલવા જેવા કારણોસર પર૯૩૩ ફરીયાદો આવી હતી જે પૈકી ર૯૯૦૧ ફરીયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

જયારે ર૧૦૯પ ફાઈલો દફતરે થઈ છે. હાલ માત્ર ૧૮૦૩ ફરીયાદોનો નિકાલ બાકી છે. નાણાકીય વર્ષ ર૦ર૧-રરમાં ખાલીબંધ યોજનાના લાભ માટે ૧૬૯પર અરજી આવી છે. જે પૈકી રપર૬ ફાઈલને મંજુરી આપી છે જયારે ૧ર૪૮ અરજી દફતરે કરી છે તેમજ ૧૩૧૬૧ અરજીનો નિકાલ કરવાનો બાકી છે.

મ્યુનિ. ટેક્ષ વિભાગ તરફથી કરવામાં આવેલી કડક કાર્યવાહીના કારણે પ્રોફેશનલ ટેક્ષની આવકમાં ૧૬ ટકા અને વાહનવેરાની આવકમાં ૧રર ટકા જેટલો માતબર વધારો થયો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.