Western Times News

Gujarati News

નવરાત્રીમાં હોટલ-રેસ્ટોરાં માટે રાત્રી કરફ્યુમાં પોલિસની રહેમ નજર

File

માણેકચોક, લો ગાર્ડન, અર્બનચોક સહિતની ખાઉ ગલી હાઉસફુલ છે, જ્યારે હોટલ અને રેસ્ટોરામાં પણ વેઇટિંગ ચાલી રહ્યું છે.

અમદાવાદ, નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે લોકો કોરોનાને ભૂલીને દિલથી આ તહેવારને મનાવી રહ્યા છે. ગરબામાં ઝૂમવાની સાથે સાથે નાસ્તા અને સ્વાદિષ્ટ જમવાની પણ રમઝટ ઉડાવી રહ્યા છે. કોરોનાકાળમાં કોઇ પણ પ્રકારનો સ્વાર્થ રાખ્યા વગર હોટલ તેમજ રોસ્ટોરાં અને ફૂડ સ્ટોલને કરફ્યુ પછી પણ ચાલુ રાખવા માટે પોલીસે છાના ખૂણે મંજૂરી આપી હોવાનું સામે આવ્યું છે. રાતનો કરફ્યુ શરૂ થાય ત્યાર બાદ પણ પોલીસની રહેમ નજર હેઠળ શહેરની કેટલીક જગ્યા ઉપર ખાણી-પીણીના સ્ટોલ ચાલુ રહેતાં કેલૈયામાં રંગ જામ્યો છે.

નવરાત્રિ ઉપર કોરોનાનું ગ્રહણ એટલું ખરાબ રીતે લાગી ગયુ છે કે અમદાવાદ તેમજ ગુજરાતની રોનક ક્યાંક ખોવાઇ ગઇ છે. ગત વર્ષે દેશમાં આવેલા કોરોનાથી સમગ્ર દેશમાં લોકડાઉન લગાવી દીધુ હતું. જેના કારણે ધાર્મિક તહેવારો ઉપર પણ ફુલસ્ટોપ લાગી ગયુ હતું. શ્રાવણ મહિનામાં યાત્રાધામ બંધ હતા ત્યારે નવરાત્રિમાં ગરબા પણ બંધ હતા. કોરોનાના કારણે ગત વર્ષે તહેવારોને અમદાવાદીઓ માણી શક્યા નહોતા.

કોરોનાની પહેલી લહેર હળવી થતાંની સાથે કેટલાક ધંધા-રોજગાર ખૂલ્યા હતા, જેમાં એક ખાણી-પીણી બજાર પણ ખૂલી ગયા હતા. રાજ્ય સરકારે કેટલાક નિયમો અનુસાર કેટલાક નિયમો અનુસાર ખાણી-પીણી બજાર ખોલવાની પરમિશન આપી દીધી હતી.

કોરોનાની પહેલી લહેર હળવી થતાંની સાથે જ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી ગઇ હતી, જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. બંને ઇવેન્ટમાં લોકો કોરોનાને ભૂલી ગયા હતા અને એકત્રીત થયેલી ભીડના કારણે અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો હતો અને બીજી લહેર આવી ગઇ હતી, જે પહેલી લહેર કરતા પણ વધુ ભયાનક હતી.

બીજી લહેરમાં ઠેર ઠેર મોતનું તાંડવ જાેવા મળ્યુ હતુ અને હોસ્પિટલોમાં બેડ વેઇટિંગ ઉપર ચાલતા હતા. મહામહેનતે કોરોનાની બીજી લહેર શાંત પડી ગઇ છે અને કોરોના નામશેષ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે નવલા નોરતા આવી ગયા છે. નવરાત્રિમાં રાજ્ય સરકારે કરફ્યુનો સમય બદલી નાખ્યો છે અને રાતના ૧૨ વાગ્યાથી સવારના ૬ વાગ્યાનો કરી દીધો છે.

હજુ પણ નવરાત્રિમાં કોરોનાની ઇફેક્ટ જાેવા મળી રહી છે. જેમાં ક્લબ અને પાર્ટી પ્લોટમાં ગરબા યોજાયા નથી, જ્યારે શેરી ગરબામાં પણ ૪૦૦ લોકો સુધી પરમિશન આપવામાં આવી છે. શહેરમાં શેરી ગરબાનો માહોલ જામ્યો છે ત્યારે લોકો મન મૂકીને ગરબામાં ઝૂમી રહ્યા છે.

ગરબાની સાથોસાથ ફૂડ સ્ટોલ પણ હાઉસફૂલ થઇ રહ્યા છે. માણેકચોક, લો ગાર્ડન, અર્બનચોક સહિતની ખાઉ ગલી હાઉસફુલ છે, જ્યારે હોટલ અને રેસ્ટોરામાં પણ વેઇટિંગ ચાલી રહ્યું છે. ગરબાની સાથોસાથ લોકો ખાવાની પણ જ્યાફત માણી રહ્યા છે. ફાફડા-જલેબી ખાવા માટે લોકો સ્પેશિયલ માણેકચોકની લટાર મારી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.