Western Times News

Gujarati News

રિલાયન્સનું જામનગરમાં હાઈડ્રોજન ફ્યુઅલ સેલ બનાવવા ગીગા ફેક્ટરીનું આયોજન

રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર લિમિટેડ (RNESL) અને ડેનમાર્કની સ્ટાઇસડેલ એ/એસ એ ભારતમાં હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર્સના ટેકનોલોજી ડેવલપમેન્ટ અને ઉત્પાદન માટે સહકાર માટેના કરાર કર્યા

નવિનતમ ઇલેક્ટ્રોલાઇઝર ટેકનોલોજી વર્તમાન સ્તરની સરખામણીએ ઘણી જ ઓછી કિંમતે હાઇડ્રોજનના ઉત્પાદન માટે સક્ષમ છે

મુંબઈ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની, રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર લિમિટેડ (આર.એન.ઇ.એસ.એલ.) અને ડેનમાર્કની સ્ટાઇસડેલ એ/એસ (સ્ટાઇસડેલ)એ ભારતમાં સ્ટાઇસડેલના હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર્સના ટેકનોલોજી ડેવલપમેન્ટ અને ઉત્પાદન માટે સંયુક્ત સહકારના કરાર કર્યા છે.

આ કરાર પર ડેનમાર્કની સત્તાવાર મુલાકાત દરમિયાન કરાર કરવામાં આવ્યા હતા અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ડેનમાર્કના પ્રધાનમંત્રી શ્રી મેટ્ટ ફ્રેડરીકસેનની ઉપસ્થિતિમાં તેની જાહેરાત કરવામાં આવી હતી.

સ્ટાઇસડેલની સ્થાપના વિન્ડ પાવરના પાયોનિયર અને વૈશ્વિક રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં વિચાર પ્રેરક હેન્રીક સ્ટાઇસડેલ દ્વારા કરવામાં આવી હતી. સ્ટાઇસડેલ ક્લાઇમેટની આપદાને પહોંચી વળવા માટે અનેક પ્રકારની ટેકનોલોજીનો વિકાસ અને વ્યાવસાયિક રૂપ આપવામાં પ્રવૃત્ત છે.

હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર માટેની નવી ટેકનોલોજી વર્તમાન સમયમાં ઉપલબ્ધ ટેકનોલોજીની સરખાણીએ ખર્ચમાં ઘણો ઘટાડો કરવાની ક્ષમતા ધરાવતી હોવાથી ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્સમિશનને સિધ્ધ કરવામાં મહત્વના પ્રેરક કિફાયતી ગ્રીન હાઇડ્રોજનના ડિકાર્બનાઇઝેશન અને વ્યાવસાયિકરણનો માર્ગ પ્રશસ્ત કરશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝરના ઉત્પાદન માટે ગુજરાતના જામનગરમાં ગીગા ફેક્ટરી સ્થાપવા માટેના મહત્વાકાંક્ષી આયોજનની જાહેરાત કરી હતી. આ કરારના માધ્યમથી આર.એન.ઇ.એસ.એલ અને સ્ટાઇસડેલ તેમની શક્તિ અને ક્ષમતાને એકાકાર કરશે અને હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝરના વિકાસની ટેકનોલોજીને આગળના સ્તરે લઇ જવા માટે સહકાર કરશે અને ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે તેને ઉચ્ચતમ સ્તરે લઇ જશે.

આ કરારના ભાગરૂપે આર.એન.ઇ.એસ.એલ અને સ્ટાઇસડેલ ઓફશોર વિન્ડ એનર્જી, ચલિત અને સ્થાયી વીજ ઉત્પાદન માટે હાઇડ્રોજનના વીજમાં રૂપાંતરણ માટેના નેક્સ્ટ જનરેશન ફ્યુઅલ સેલ, લાંબાગાળાના ઊર્જા સંગ્રહ અને કાર્બન નેગેટીવ ફ્યુઅલના ઉત્પાદનના ક્ષેત્રમાં સહકાર સાધવા સંમતિ વ્યક્ત કરી છે.

આ કરાર પર હસ્તાક્ષર કરતાં શ્રી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સમાં અમે સ્ટાઇસડેલ સાથેના આ સહકાર કરારને કેરીંગ ફોર ધ પ્લાનેટ અને કેરીંગ ફોર ધ પીપલની અમારી ફિલોસોફીના અમલ માટેની વધુ એક તક તરીકે જોઇએ છીએ. ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝીશનને ઝડપી બનાવવાની અમારી પ્રતિબધ્ધતાને પૂરી કરવાનું આ મહત્વપૂર્ણ કદમ છે. અમે સ્ટાઇસડેલના વિસ્તૃત પોર્ટફોલિયોનો ભારતીય બજારમાં ઉપયોગ કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.

સ્ટાઇસડેલ સાથેની ભાગીદારીમાં, અમે ગ્રીન હાઇડ્રોજન માટેના લક્ષ્યાંક 1-1-1, એક દાયકામાં પ્રતિ કિલોગ્રામ એક ડોલરથી ઓછી કિંમતે હાઇડ્રોજન પૂરો પાડવાનો લક્ષ્યાંક, સિધ્ધ કરવા માંગીએ છીએ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર જાહેર કરેલા નેશનલ હાઇડ્રોજન મિશનમાં મહત્વપૂર્ણ પ્રદાન આપવા માટે રિલાયન્સ પ્રતિબધ્ધ છે. અમારું વિઝન ભારતને ગ્લોબલ હાઇડ્રોજન મેપ પર મૂકવાનું અને 1.35 અબજ ભારતીયોની વિકાસની અપેક્ષા પૂરી કરવાનું છે.”

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટીવ ડાયેરેક્ટર શ્રી હિતલ મેસવાણીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ તેના ન્યૂ એનર્જીમાં જાહેર કરવામાં આવેલી મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા અને ટેકનોલોજીના વિકાસને ઝડપી બનાવવા અને વિશ્વની અગ્રણી ટેકનોલોજીમાં વૃધ્ધિ કરવા પ્રતિબધ્ધ છે. અમે સ્ટાઇસડેલને ભાગીદાર તરીકે આવકારીએ છીએ અને આ લક્ષ્ચાંકો પ્રાપ્ત કરવા તેમની સાથે મળીને કામ કરીશું.”

સ્ટાઇસડેલ એ/એસના સી.ઇ.ઓ. શ્રી હેન્રીક સ્ટાઇસડેલ એ જણાવ્યું હતું કે, “ભારતની સૌથી મોટી ઓદ્યોગીક કંપનીના ન્યૂ એનર્જી પ્લેટફોર્મ રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર લિમિટેડ સાથે કરાર કરવા અંગે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. એક કંપની તરીકે, અમે ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે પ્રતિબધ્ધ છીએ, શક્ય તેટલા ટૂંકા ગાળામાં શક્ય તેટલી વધારે અસર છોડવા માંગીએ છીએ.

અમારા માટે અમારી ટેકનોલોજીની વૃધ્ધિ કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં તેનો ઉપયોગ કરવામાં આવે તેનાથી મોટી કોઇ અસર નથી. નીચા ખર્ચે હાઇડ્રોજનનું ઉત્પાદન ભારત અને વિશ્વના ગ્રીન એનર્જી ટ્રાન્ઝીશન માટે ખૂબ જ મહત્વનું પરિબળ છે અને જરૂરી સ્તર સુધી ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન લઈ જવાની પહોંચ અને ક્ષમતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં છે.

માત્ર હાઇડ્રોજન ઉત્પાદનમાં જ નહીં પરંતુ ક્લાઇમેટ ટેકનોલોજીના અમારા અન્ય ક્ષેત્રોમાં પણ અમે રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર લિમિટેડ સાથે અમારો સહકાર વિકસાવવા અને વિસ્તારવા ઇચ્છીએ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.