Western Times News

Gujarati News

સરકારની આ કંપનીએ કર્યો 8,444 કરોડનો નફો, “મહારત્ન” નો દરજ્જો મળ્યો

આ નવો દરજ્જો PFCને વીજ ક્ષેત્ર માટે સ્પર્ધાત્મક ધિરાણ ઓફર કરવા સક્ષમ બનાવશે, જે લાંબા ગાળે ‘તમામ માટે 24×7’ વાજબી અને વિશ્વસનિય વીજળી ઉપલબ્ધ કરાવશે.

નવી દિલ્હી:ભારત સરકારે સરકારી માલિકીની પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (PFC)ને પ્રતિષ્ઠિત ‘મહારત્ન’નો દરજ્જો આપ્યો છે, જેથી પીએફસીને કાર્યકારી અને નાણાકીય કામગીરીમાં વધારે સ્વાયતત્તા મળશે. Government Accords the Highest Recognition of “Maharatna” status to Power Finance Corporation

આ માટેનો ઓર્ડર આજે નાણાં મંત્રાલય અંતર્ગત સરકારી કંપનીઓના વિભાગે બહાર પાડ્યો હતો. વર્ષ 1986માં સ્થાપિત પીએફસી અત્યારે સૌથી મોટી માળખાગત ધિરાણ કંપની છે, જે વીજ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ વીજ ક્ષેત્રને એક્સક્લૂઝિવ સેવા આપે છે.

પીએફસીને‘મહારત્ન’નો દરજ્જો નાણાકીય નિર્ણયો લેવા પીએફસી બોર્ડને વધારે અધિકારો આપશે. ‘મહારત્ન’ સીપીએસઇનું બોર્ડ નાણાકીય સંયુક્ત સાહસો હાથ ધરવા અને સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ ઊભી કરવા તથા ભારત અને વિદેશમાં મર્જર્સ અને એક્વિઝિશન્સ કરવા ઇક્વિટી રોકાણો કરી શકે છે, જે સંબંધિત સીપીએસઇની નેટવર્થના 15 ટકાની ટોચમર્યાદા, એક પ્રોજેક્ટમાં રૂ. 5,000 કરોડની મર્યાદાને આધિન છે.

બોર્ડ કર્મચારીઓ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને ટ્રેનિંગ સાથે સંબંધિત યોજનાઓનું માળખું બનાવી શકે છે અને એનો અમલ કરી શકે છે. તેઓ ટેકનોલોજી સાથે સંબંધિત સંયુક્ત સાહસો કે અન્ય વ્યૂહાત્મક ગઠબંધન પણ બનાવી શકે છે.

આદરણીય કેન્દ્રીય વીજ તથા નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી શ્રી આર કે સિંહે અભિનંદન આપ્યાં હતાં અને કહ્યું હતું કે, “કંપનીને ‘મહારત્ન’નો દરજ્જો ભારતીય વીજ ક્ષેત્રના સંપૂર્ણ વિકાસમાં પીએફસીની વ્યૂહાત્મક ભૂમિકા પર ભારત સરકારના વિશ્વાસ અને એની ઉત્કૃષ્ટ કામગીરીનું પ્રતિબિંબ છે. આ નવો દરજ્જો પીએફસીને વીજ ક્ષેત્ર માટે સ્પર્ધાત્મક ધિરાણ ઓફર કરવા સક્ષમ બનાવશે, જે લાંબા ગાળે ‘તમામ માટે 24×7’ વાજબી અને વિશ્વસનિય વીજળી ઉપલબ્ધ કરાવશે.

મહારત્નના દરજ્જા સાથે સંવર્ધિત અધિકારો પીએફસીને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન અંતર્ગત ફંડના સરકારના એજન્ડાને વેગ આપવામાં, વર્ષ 2032 સુધીમાં 40 ટકા ગ્રીન ઊર્જાની રાષ્ટ્રીય કટિબદ્ધતાને વેગ આપશે તથા રૂ. 3 લાખ કરોડથી વધારેના બજેટ સાથે ન્યૂ રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશ સેક્ટર સ્કીમ પર અસરકારક રીતે નજર રાખવા અને એનો અમલ કરવા અગ્રેસર કરશે.”

પીએફસીના સીએમડી શ્રી આર એસ ધિલ્લોનને કહ્યું હતું કે, “પીએફસીને છેલ્લાં 3 વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ નાણાકીય કામગીરીને આધારે મહારત્નનો દરજ્જો મળ્યો છે. કોવિડ મહામારીના સમયગાળા દરમિયાન પણ પીએફસીએ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન વીજ ક્ષેત્રને અત્યાર સુધીની સૌથી વધુ વાર્ષિક મંજૂરી અને વિતરણ અનુક્રમે રૂ. 1.66 લાખ કરોડ અને રૂ. 88,300 કરોડ કર્યું હતું.

વળી કંપનીએ નાણાકીય વર્ષ 2020-21માં અત્યાર સુધીનો સૌથી વધુ રૂ. 8,444 કરોડનો નફો કર્યો હતો. પીએફસીએ કોવિડ વચ્ચે વીજ ક્ષેત્રમાં લિક્વિડિટી કટોકટી ટાળવા લિક્વિડિટી ઇન્ફ્યુઝન સ્કીમ (‘આત્મનિર્ભર ભારત યોજના’)અંતર્ગત ડિસ્કોમને ફંડ આપનાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

મહારત્નના સંવર્ધિત અધિકારો સાથે પીએફસી આગળ જતાં એની વ્યવસાયિક વૃદ્ધિને વધુ વેગ આપવા એની કામગીરીને વિવિધતાસભર બનાવશે અને વીજ ક્ષેત્રના સંપૂર્ણ વિકાસ માટે સરકારના ઉદ્દેશો પાર પાડવા એની પોઝિશનને મજબૂત કરશે. અમે કોર્પોરેશનના કર્મચારીઓ અને અગાઉના મેનેજમેન્ટનો તેમના સતત સાથસહકાર, આ સફળતાને શક્ય બનાવવા પ્રદાન અને કટિબદ્ધતા માટે તથા વીજ મંત્રાલયનો આભાર માનીએ છીએ, જેના સહકાર વિના આ દરજ્જો મળવો શક્ય નહોતો.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.