Western Times News

Gujarati News

સિંહ જેવી દૃઢતાથી થશે લોકકલ્યાણના કામો

વડોદરા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સિંહ જેવી દૃઢતાથી લોકકલ્યાણના કામો કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં દરેક ઉદ્યોગને સહુલિયત રહે અને ક્યાંય કનડગત ન થાય તેની રાજ્ય સરકાર દરકાર લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક અલ્હાદપુરા દૂધ શીત કેન્દ્ર ખાતે રૂ.૧૨૦ કરોડના ખર્ચે વડોદરા જિલ્લા સહકારી સંઘ દ્વારા નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટને ખુલ્લો મૂક્યો હતો.

મુખ્યમંત્રી દ્વારા ઉદ્દઘાટિત નવ નિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટમાં દૂધ પ્રોસેસ ક્ષમતામાં ૩ થી ૬ લાખ લીટર પ્રતિ દિન વધારો થશે. દૂધની પેકિંગ ક્ષમતા પ્રતિ દિન ૩ લાખ થવા સાથે સ્ટોરેજ ક્ષમતા ૪ લાખ લીટર થશે. એટલુ જ નહિ ભવિષ્યમાં ૧૧ લાખ લીટર પ્રતિ દિવસ દૂધ સંપાદન પહોંચે ત્યાં સુધીની ક્ષમતા ઉભી થઇ છે.

આ નૂતન પ્લાન્ટ આદિવાસી વિસ્તારમાં સ્થપાયેલ હોવાથી રાજ્ય સરકારની દૂધ સંજીવની યોજના વધુ સરળ અને સુલભ બનશે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે સહકારી પ્રવૃત્તિ ગુજરાતમાં ખૂબ વિકસી છે. ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે નવા સુધારા દ્વારા સહકારી માળખાને મજબૂતી આપી છે.

ડેરી ઉદ્યોગ એ સહકારિતાની નાભી જેવો ઉદ્યોગ છે. જે લાખો પશુપાલકોને આત્મ ર્નિભર બનાવે છે. સહુનો સાથ, સહુનો વિકાસ અને સહુનો વિશ્વાસ એ પ્રધાનમંત્રીનું સૂત્ર સહકારી ડેરી ઉદ્યોગને ખૂબ લાગુ પડે છે.આત્મ ર્નિભર ભારત માટે આત્મ ર્નિભર ગુજરાત જરૂરી છે. ગુજરાતને આત્મ ર્નિભર બનાવવામાં સહકારિતા ઉદ્દીપકનું કામ કરે છે.

સ્વરાજની ચળવળ વખતે ગુજરાતમાં સહકારીના પાયા નંખાયા ત્યારે પૂ. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ બેલડી દ્વારા તેમને પ્રોત્સાહન અપાયું હતું. ગુજરાતની સહકારી પ્રવૃત્તિ વટવૃક્ષ બની દેશના સીમાડા વટાવી ગઇ છે.

હવે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ સમગ્ર દેશને સહકારથી સમૃદ્ધિનો નવો રાહ ચિંધે છે. તેમણે જણાવ્યું કે, વહીવટમાં શક્ય તેટલી સરળતા દ્વારા લોકોના કામો સરળ બનાવવા એ અમારો સંકલ્પ છે. અમે લોકોની મુશ્કેલીઓ નિવારવા બનતા બધાં જ પ્રયત્નો કરીશું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.