Western Times News

Gujarati News

૨૮મીએ દેશના રાષ્ટ્રપતિ ભાવનગરમાં પીએમ આવાસ યોજનાનું કરશે લોકાર્પણ

ભાવનગર, દેશના રાષ્ટ્રપતિ આગામી ૨૮મીએ ભાવનગર આવશે. તેમના હસ્તે શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે આ ઉપરાંત અન્ય કાર્યક્રમોનું આયોજન પણ ચાલી રહ્યું છે. જાેકે, હજુ સતાવાર કાર્યક્રમ જાહેર થયો નથી પરંતુ જિલ્લા વહીવટી તંત્ર અને પ્રશાસન દ્વારા તૈયારીનો ધમધમાટ હાથ ધરાયો છે. રાષ્ટ્રપતિ તેમના પરિવાર સાથે મહુવામાં મોરારીબાપુ સાથે મુલાકાત કરનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી તેમના પરિવાર સાથે ૨૮ અને ૨૯ ઓક્ટોબર બે દિવસ ભાવનગર શહેર અને જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ય થઈ રહી છે. હાલ સતાવાર રીતે કાર્યક્રમ જાહેર કરાયો નથી, પ્રવાસની તારીખમાં ફેરફાર થવા પણ વકી છે.

દરમિયાનમાં પ્રાથમિક વિગતો જાણવા મળી છે તે મુજબ. રાષ્ટ્રપતિ કોવિંદજી ૨૮મીએ ખાસ વિમાન દ્વારા ભાવનગર એરપોર્ટ પર આવી પહોંચશે. આ દિવસે મહાપાલિકા દ્વારા શહેરના સુભાષનગરના હમીરજી પાર્કમાં બનેલા પીએમ આવાસ યોજનાના ૧૦૮૮ મકાનોનું લોકાર્પણ રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવશે. મહાપાલિકા દ્વારા આ સંદર્ભે છેલ્લા ત્રણ દિવસથી તડામાર તૈયારી હાથ ધરાઈ છે, જાેકે, રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા સતાવાર કાર્યક્રમ હજુ જાહેર કરાયો નથી આથી ફેરફારની વકી પણ છે.

રાષ્ટ્રપતિની વિશેષ સુરક્ષા વ્યવસ્થા અને પ્રોટોકોલને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્ર તથા પ્રશાસન દ્વારા તૈયારીનો ધમધમાટ હાથ ધરી દેવાયો છે.

૨૮મીએ ભાવનગર આવી રાત્રી રોકાણ કરી બીજા દિવસે રાષ્ટ્રપતિ તેમના પરિવારના સભ્યો સાથે મહુવામાં પૂ.મોરારીબાપુના આશ્રમની મુલાકાત લઇ આશીર્વચન મેળવશે તેમ હાલ જાણવા મળ્યું છે. રાષ્ટ્રપતિના સૂચિત કાર્યક્રમ સંદર્ભે મોરારીબાપુ આશ્રમના જવાબદારોએ હજુ સુધી તારીખ નિશ્ચિત નહીં હોવાનું જણાવ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.