Western Times News

Gujarati News

ભાવનગરના સિહોરના યુવકે કૌન બનેગા કરોડપતિમાં લાખો રૂપિયા જીત્યા

ભાવનગર, મહાનાયક ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન સંચાલિત કોન બનેગા કરોડપતિ શોમાં પહોંચવાનું ઘણા લોકોનું સ્વપ્ન હોય છે અને ત્યાં પહોંચવું એ ગૌરવની વાત કહેવાય. સિહોરના યુવાન અમિતભાઇ જાદવને કોન બનેગા કરોડપતિ સુધી પહોંચવામાં સફળતા મળી અને સાથો સાથ લાખો રૂપિયા પણ જિત્યા.

સિહોરની સ્વસ્તિક સોસાયટીમાં રહેતા અમિતભાઇ જાદવે અભ્યાસમાં ઇતિહાસ સાથે સ્નાતકની ડિગ્રી મેળવી છે અને તેઓની કોન બનેગા કરોડપતિમાં જવાની વર્ષોથી એક ઇચ્છા હતી એ સ્વપ્ન પૂર્ણ કરવા તેઓએ સખત અને સતત મહેનત કરી અને આખરે તેઓની મહેનત રંગ લાવી અને બિગ બી સાથે તેઓની મુલાકાત શકય બની.

આ વર્ષે ભારતભરમાંથી ૧.૬૦ કરોડ લોકોએ કોન બનેગા કરોડપતિ માટે રજિસ્ટ્રેશન કર્યુ હતું. જેમાંથી રેન્ડમલી ૩૦ લાખ લોકોની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી ૩૦ હજાર લોકોની પસંદગી કરવામાં આવેલ.ત્યારબાદ ૧૦ સેકન્ડમાં ત્રણ સવાલના ઓનલાઇન જવાબ આપવાના હોય છે તેમાંથી ૩ હજાર લોકોની પસંદગી કરવામાં આવેલ. ત્યારબાદ ઓનલાઇન ૨૦ પ્રશ્નની એક લાઇનના પ્રશ્ન માટે ૧૨૦૦ લોકોને રૂબરૂ બોલાવવામાં આવે છે.

જેમાં અમિત જાદવની પસંદગી થયેલ.જેમાં તેઓએ ૨૫ લાખ જીતીને સિહોર સહિત ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. સિહોરના અમિતભાઇ દીપકભાઇ જાદવ અમિતાભ બચ્ચન સાથે કૌન બનેગા કરોડપતિમાં હોટ સીટમાં બેઠા હતા. અને તેમાં તેઓએ ૨૫ લાખ જેવી માતબર રકમ પણ જીતી છે. આથી સિહોર કોળી સમાજ દ્વારા ટાવર ચોકથી તેમના નિવાસ સ્થાન સુધી ડીજેના તાલ સાથે સ્વાગત કરાયું હતું.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કોન બનેગા કરોડપતિમાં પસંદગી પામેલા અને રૂ.૨૫ લાખ જીતેલા સિહોરના ૩૯ વર્ષના અને વ્યવસાયે વેપારી અમિતભાઇ જાદવ જણાવે છે કે મારો કોન બનેગા કરોડપતિમાં જવાનો ૧૯ વર્ષથી પ્રયત્ન હતો તેમાં પણ છેલ્લા પાંચ વર્ષથી તો હું સતત પ્રયત્ન કરતો હતો.ગત તા.૨૦મી ઓકટોબરે મને મહાનાયક અમિતાભ બચ્ચન સામે બેસવાનો મોકો મળ્યો હતો.

અમિતાભ બચ્ચન સાથેનો એપિસોડ ખુબ જ રસપ્રદ રહયો હતો.અમિતભાઇએ કહયું હતું કે કેબીસીમાં મારો આ એપિસોડ આગામી તા.૧ અને ૨ નવેમ્બરે રાત્રે ૯ થી૧૦.૩૦ દરમિયાન સોની ટીવી પર પ્રસિધ્ધ થશે.કેબીસીમાં તમને કેવા પ્રશ્નો પુછાયા તેના જવાબમાં અમિતભાઇએ કહયું હતું કે કેબીસીના નિયમ પ્રમાણે જયાં સુધી એપિસોડ પ્રસિધ્ધ ન થયા ત્યાં સુધી પ્રશ્નો લીક કરી શકાતા નથી તેના સંપૂર્ણ નિયમોની પાલન કરવું પડે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.